જીવનમાં કયારેય ન ધાર્યું હોય અને બની જતું હોય છે તેવા સંજોગ, સમય, આપણા માટે અસામાન્ય પરિસ્થિતીનું નિર્માણ કરે છે અને આ સમયગાળો પસાર કરવો એ અત્યંત કંટાળાજનક પરિસ્થિતી હોય છે અને આવી પરિસ્થિતીમાંથી હેમખેમ પાર ઉતરવું હોય તો તેના માટે ખુબ જ ધીરજ અને સયંમની જરૂર પડે છે અને આવી જ કંટાળાજનક પરિસ્થિતીનો આજે જૂનાગઢ સહિત દેશભરમાં લોકો સામનો કરી રહ્યાં છીએ અને હિંમત હાર્યા વિના લોકો આકરી તપશ્રયા કરી રહ્યાં છે. જે ધન્યવાદને પાત્ર છે જ કારણ કે કોરોના વાયરસનાં રોગચાળાનાં આતંકનાં મુકાબલા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એકમાત્ર ઉપાય તરીકે સામાજીક અંતર જાળવવું અને કોરોનાની સાંકળ તોડી નાખવા માટે લોકડાઉનને અમલી બનાવેલ છે. પ્રથમ તબક્કામાં ર૧ દિવસ અને બીજા તબક્કામાં ૧૯ દિવસ પૈકી ૧૬ દિવસ પુરા થવામાં છે. અને આજે લોકડાઉનનો ૩૭મો દિવસ છે. આ ૩૭ દિવસમાં લોકોએ શરૂઆતમાં છુપો ડર, ભય અને બાદમાં પરિવારજનો સાથે માણવા મળતી આનંદની પળો તો વેપાર-ધંધા રોજગાર બંધ હાલતમાં હોય જેવી આર્થિક ચિંતા કોરી ખાતી હોય આવી અનેક ચિંતા અને મુશ્કેલી વચ્ચે લોકો સમય પસાર કરી રહ્યાં છે અને લોકડાઉન ખુલવાની આતુરતાભરી રાહ જાઈ રહ્યાં છે. મિત્રો લોકડાઉન ખુલશે જ અને ચોક્કસ ખુલશે જ પરંતુ સંપૂર્ણ પરિસ્થિતી નિયંત્રણ હેઠળ આવી જાય ત્યારબાદ જ લોકડાઉન ખુલી શકશે. હા..ઘણી બધી છુટછાટો મળી શકે છે અને તે પણ શરતી જ ! પરંતુ આ બધી ચર્ચા, વિચારણા કે લોકડાઉનનાં બીજા તબક્કાનાં ૩ મેનાં રોજ પુરા થતાં ૧૯ દિવસ બાદ શું ? એ ચર્ચાઓ આપણે હાલ નથી કરતાં આપણે તો જે રીતે સમગ્ર દેશવાસીઓ લોકડાઉનનાં સમયમાં જીવન જીવી રહ્યાં છે. તેમાં તેમની હિંમતને વધારવાના પ્રયાસની વાત છે. કોરોનાનાં ગંભીર રોગચાળાનું આક્રમણ થતાં જ એક શીત યુધ્ધ શરૂ થયું ભારતવાસીઓએ લડાઈ, યુધ્ધ તો ઘણા જાયા હશે અને ઐતિહાસીક યુધ્ધની કથાઓ પણ સાંભળી હશે અને રીયલ લાઈફ એટલે કે ફિલ્મોમાં પણ નિહાળી હશે. પરંતુ ભારતનાં આઝાદીનાં ૭ર વર્ષનાં ઈતિહાસમાં કોઈએ કલ્પના ન કરી હોય તેવી સ્થિતી એટલે કે સૌની રક્ષા, સૌના રક્ષણ માટે અમલી બનાવાયેલ લોકડાઉનએ નવી જ બાબત છે અને મુક્ત ગગનમાં વિહરતા પંછીને જાણે સોનાનાં પાંજરે પુરી દેવામાં આવે અને તે મુક્ત થવા માટે જે રીતે છટપટતા હોય છે તેવી જ હાલત સૌની છે. પરંતુ એક બાબત કહેવી પડશે કે ભારતનાં લોકો સહન કરીને પણ પરિસ્થિતીનો મુકાબલો કરી રહ્યાં છે. ત્યારે આપણા શહેર એવા જૂનાગઢ અને જીલ્લાનાં લોકો પણ સયંમપૂર્વક પરિસ્થિતીને અનુરૂપ થઈ સહકાર આપી રહ્યાં છે. તે મોટી વાત છે. લોકોનો સહયોગ, તંત્રની જાગૃતતા અને ઈશ્વર તેમજ અલ્લાહ પરવરદિગારની કૃપા દૃષ્ટિ રહેમ નજરને કારણે આજે કોરોનાથી જૂનાગઢ જીલ્લો મુકત રહી શક્યો છે અને હજુ પણ સાવચેતી જાળવી રાખીશું તો કોઈ મુશ્કેલી નહીં જ સર્જાય તેવી ધરપત રાખવી પડશે અને કોઈપણ પરિસ્થિતી કાયમ રહેતી નથી. પરિવર્તનએ સંસારનો નિયમ છે. આ તકે એટલું જ કહેવાનું કે.
‘‘એ…જીંદગી…ગલે…લગાલે…, હમને…ભી…તેરે..હર..ઈક…ગમ..કો…
ગલે….સે…લગાયા..હૈ..હૈ..નાં…? એ…જીંદગી…ગલે…લગાલે….’’