જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલી શાકમાર્કેટોને અન્ય જગ્યા ફાળવાઈ

0

લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે ત્યારે આ સમયગાળામાં લોકોએ ખાસ સાવચેતી જાળવવાની જરૂર છે. જા કે જૂનાગઢ શહેર અને જીલ્લાનું પ્રશાસન તંત્ર કોર્પોરેશન અને જીલ્લા પોલીસતંત્ર સતત જાગૃત્તિ દાખવી અને પ્રજાનાં રક્ષણ માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. કોરોનાં વાયરસનાં રોગચાળા સામે ખાસ તો સ્વચ્છતા તેમજ સામાજીક અંત રાખવાની બાબતને ખુબ જ મહત્વ અપાઈ રહ્યું છે. ત્યારે જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવશ્યક સેવા અંતર્ગત મર્યાદિત સમય માટે ચાલી રહેલી શાકમાર્કેટોમાં આ સમય દરમ્યાન સામાજીક અંતર જળવાતું ન હોય અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાનાં પગલે તાત્કાલિક અસરથી આ શાકમાર્કેટોને વધારે જગ્યા ફાળવવામાં આવી છે. ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર, જીલ્લા પોલીસવડા સૌરભસિંઘનાં માર્ગદર્શન હેઠળ શહેર અને જીલ્લાભરમાં અનેક તકેદારીનાં પગલા લેવામાં આવી રહ્યાં છે અને જે અંગેની વિગતો આપતાં જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વરિષ્ઠ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવતી કામગીરીમાં એક વધુ માનવતાભર્યો અભિગમ અપનાવવામાં આવેલ છે. મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરાનાં માર્ગદર્શન હેઠળ મનપાનાં દબાણ અધિકારી શ્રી ડોડીયા અને કોર્પોરેશનનાં સહયોગથી જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલી શાકમાર્કેટોને અન્ય તરફ ખસેડવામાં આવી છે. જેમાં મધુરમ વિસ્તારમાં આવેલી શાકમાર્કેટને ભરાડ વિદ્યા મંદિર ખાતે શિફ્ટ કરવામાં આવી છે અને શાકભાજીનાં વેપારીઓ તેમજ શાક ખરીદવા આવનારા લોકો વચ્ચે સામાજીક અંતર જળવાઈ રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત કડીયાવાડ ખાતે આવેલી શાકમાર્કેટને અગાઉ દાતાર રોડ ઉપર ફેરવવામાં આવી હતી પરંતુ ત્યાં પણ હજુ ગીચતા રહેતી હોવાનાં કારણે આ શાકમાર્કેટને હાલ વિવેકાનંદ સ્કુલનાં ગ્રાઉન્ડમાં ફેરવવામાં આવી છે અને કોર્પોરેશન તંત્રનાં સહકાર સાથે શાકભાજીની લારી ધરાવતાં ધંધાર્થીઓને તેમનો ક્રમ નંબર આપી અને જગ્યા આપી દેવામાં આવી છે. આ ઉપરાંત ઝાંઝરડા વિસ્તારમાં આવેલી શાકમાર્કેટ તેમજ જાષીપરા વિસ્તારમાં આવેલી શાકમાર્કેટને પણ વિસ્તૃત જગ્યામાં ફેરવવામાં આવનાર હોવાનું પણ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. હાલ સાવચેતી એ જ સૌની સુરક્ષા એ જ મંત્રને સાર્થક કરવાની કામગીરી જૂનાગઢ ડીવાયએસપીનાં નેતૃત્વ નીચે પોલીસતંત્ર અને કોર્પોરેશનનાં સહયોગ સાથે કરવામાં આવી છે.

error: Content is protected !!