લોકડાઉનની ચુસ્ત અમલવારી કરાવવા માટે રાઉન્ડ ધ કલોક સુરક્ષા કરતા પોલીસ તંત્રની કામગીરી સામે ઘણા લોકો વિરોધ પ્રદર્શીત કરે તો અમુક લોકો સમર્થન પણ કરતા જોવા મળે છે. પરંતુ પોલીસ પણ પ્રજાનો મિત્ર છે તે સુત્રને સાર્થક કરતો એક કિસ્સો વેરાવળમાં જોવા મળ્યો છે. જેમાં વેરાવળ પોલીસના માનવીય અભિગમની સેવારૂપ કામગીરીની જાણવા મળેલ વિગત અનુસાર ગીર સોમનાથનાં જીલ્લા મથક વેરાવળના મફતીયાપરા વિસ્તારમાં એકલા રહેતા વૃધ્ધા સવિતાબેન છેલ્લા ત્રણેક દિવસથી રેયોન કંપની પાસે ઉભી કરાયેલ પોલીસ ચેક પોસ્ટ પાસે આવેલ પોસ્ટ ઓફીસ પાસે આવીને જતા રહેતા હતા. દરમ્યાન આ વૃધ્ધા ઉપર પોલીસ ચેક પોસ્ટમાં ફરજ ઉપર હાજર પીએસઆઇ ભરત મોઢવાડીયા સહિતના સ્ટાફનું ધ્યાન જતા તેમણે વૃધ્ધાની પાસે જઇ ત્રણ દિવસથી અહીં આવી થોડીવાર ઉભી કેમ પરત જતા રહે છે તેવું પુછતા જાણવા મળેલ કે વૃધ્ધા વિધવા હોય અને એકલા રહે છે. તેમને પોસ્ટ ઓફીસમાંથી પેન્શનના જમા થયેલ પૈસાની જરૂરીયાત હોવાથી ઉપાડવા અહી આવતા હતા. રેયોન પોસ્ટન ઓફીસમાં પોતાની પાસબુક પણ જમા હતી. પરંતુ આ પોસ્ટ ઓફીસ બંધ રહેતી હોવાથી મુશ્કેલી પડી રહી છે. જે વિગત જાણી તુરત પોલીસ સ્ટાફે વૃધ્ધાને સરકારી વાહનમાં બેસાડી મુખ્ય પોસ્ટ ઓફીસની કચેરીએ લઇ જઇ ત્યાં અધિકારીઓને વૃધ્ધાની વિગતથી વાકેફ કરી તેમની પાસબુક કઢાવી ખાતામાંથી પેન્શનના પૈસા ઉપાડી અપાવ્યાં હતાં. ત્યારબાદ સ્ટાફ તેને ધરે પરત મુકવા ગયેલ ત્યારે વૃધ્ધાનાં ઘરની પરિસ્થિતિ નિહાળી ચોંકી ઉઠયા હતા. વૃધ્ધાને અનાજની જરૂર હોવાનું જણાતા તુરત જ રાશન કીટ પણ આપી હતી.
આ બાબતે પીઆઇ એન.જી. વાધેલા, એલસીબીના કે.જે. ચૌહાણએ જણાવેલ કે લોકડાઉનની અમલવારીમાં સીનીયર સીટીઝનોને કોઇ મુશ્કેલી ન થાય સાથે માનવીય અભિગમ દાખવી મદદરૂપ બનવા માટે રેન્જ આઇજી મનિંદરસિંહ પવાર, ગીર સોમનાથ જીલ્લાનાં પોલીસવડા રાહુલ ત્રીપાઠીની સુચના મુજબ કામગીરી કરવા સ્ટાફને સુચના આપી હતી. જેથી ચેકપોસ્ટના અધિકારી-સ્ટાફે નિરાધાર વૃધ્ધાની મદદ કરી માનવીય અભિગમને સાર્થક કર્યુ છે.