ગીર સોમનાથ જીલ્લામાં કોરોના પોઝીટીવ આવેલા સુત્રાપાડાના વાવડી તથા આજુબાજુના ગામોમાંથી ૭ સહિત ગીર સોમનાથ જીલ્લાના જુદા-જુદા તાલુકાઓમાંથી શંકાસ્પદ લક્ષ્ણો ધરાવતા કુલ ૩૨ લોકોના નમુના લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ છે. ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકામાંથી ૭, વેરાવળમાંથી ૩, તાલાલામાંથી ૭, કોડીનારમાંથી ૪, ઉનામાંથી ૫, ગીરગઢડામાંથી ૨ અને સીવીલમાંથી ૪ મળી કુલ ૩૨ નમુના આરોગ્ય વિભાગે લીધા છે. જયારે ગીર સોમનાથ જીલ્લાના જુદા-જુદા તાલુકાઓમાંથી લેવાયેલા કુલ ૧૯ શંકાસ્પદના નમુનાઓનો ગઈકાલે નેગેટીવ રીપોર્ટ આવેલ છે. ગીર સોમનાથ જીલ્લામાં વાવડીનો વ્યકિત કોરોના પોઝીટીવ આવ્યા બાદ સુત્રાપાડા પંથકના વાવડી, ઉંબરી, મોરાસા, બાવાની વાવ, વડોદરાઝાલા, પ્રશ્નાવાડા વાડી વિસ્તારવાળા કલસ્ટાર ઝોનના ગામોમાં રહેતા કુલ ૧૧,૩૫૪ લોકોના આરોગ્યનું નિયમિત ૩૩ ટીમો ચેકઅપ કરી રહી છે. આ રહીશો પૈકીના ૬૦ વર્ષથી વધુ ઉંમરના ૧,૧૧૪ વૃધ્ધો, પાંચ વર્ષથી નીચેની ઉંમરના ૭૨૧ બાળકો, સગર્ભા-ધાત્રી ૧૦૫ માતાઓ અને અન્ય બીમારીવાળા ૨૪૯ દર્દીઓ મળી કુલ ૨,૧૮૯ લોકોના આરોગ્યની ખાસ તકેદારી આરોગ્ય વિભાગે રાખવાનું શરૂ કર્યુ છે. કારણ કે આ ૨,૧૮૯ લોકોને કોરોનાનું ઇન્ફેકશન ઝડપથી થઇ શકે તેવી શકયતા હોવાથી ખાસ ધ્યાન રાખવા ઉપરથી સુચના સાથે નિર્દેશો મળ્યા હોવાનું જાણવા મળેલ છે.