જૂનાગઢ શહેરમાં પાણીની પાઈપ-લાઈન અને ગટરનાં કામ માટે ખોદકામની કામગીરી હાથ ધરાશે

0

જૂનાગઢ શહેરનાં કેટલાક વિસ્તારોને આવરી લેતી પાણીની પાઈપલાઈન તેમજ ગટરની કામગીરી અંતર્ગત જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે અને આ જાહેરનામા અંતર્ગત આણંદપુરથી પાદરીયા સુધી પાણીની લાઈન નાખવામાં આવશે તો બીજી તરફ ડ્રેનેજની કામગીરી માટે જે-જે વિસ્તારોને આવરી લેવામાં આવેલ છે તેને લઈને ચિત્તાખાના ચોકથી કાળવા ચોક સુધીમાં ૩૦ દિવસ સુધી પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે અને લોકોની અવરજવર માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમજ જાહેરનામાનો ભંગ કરનાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાનો આદેશ પણ જારી કરવામાં આવેલ છે. જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી દ્વારા ગઈકાલે જાહેર કરવામાં આવેલા જાહેરનામાં સમાવિષ્ટ વિગતો મુજબ ચિત્તાખાના ચોકથી આઝાદ ચોક, એમ. જી. રોડ, કાળવા ચોક સુધી મુખ્ય ડ્રેનેજ લાઇન નાંખવાની હોય ૮ મેથી ૭ જૂન (૩૦ દિવસ) સુધી ચિત્તાખાના ચોક, આઝાદ ચોક, એમ.જી. રોડ કાળવા ચોક સુધી જાહેર જનતાને તેમજ કોઇપણ પ્રકારના વાહનોની અવર જવર માટે પ્રતિબંધ ફરમાવેલ છે. આ સમય ગાળા દરમ્યાન ગાંધીચોકથી તળાવ દરવાજા અને વણઝારી ચોકથી પોલીસ હેડક્વાર્ટર તેમજ શિતળાકુંડ સુધી મોર્ડન ડાઇનીંગ હોલના રોડનો તમામ પ્રકારના વાહનો તેમજ રાહદારીઓ માટે વૈકલ્પિક રસ્તા તરીકે અવર જવર કરવા ફરમાવેલ છે. દરમ્યાન પાઇપ લાઇનની કામગીરી પુર્ણ થતી જાય તેમ તેમ રોડ ઉપરના માટીના ઢગલાનું દબાણ દૂર કરી રસ્તો શરૂ કરવાની કાર્યવાહી મહાનગરપાલિકાએ કરાવવાની રહેશે. તેમ આ જાહેરનામામાં જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી દ્વારા ફરમાવવામાં આવેલ છે. જૂનાગઢ તાલુકાનાં આણંદપુરથી પાદરીયા સુધીની પાઈપલાઈન નાંખવાની કામગીરી હાથ ધરાશે આણંદપુરથી પાદરીયા ટ્રીટમેન્ટ પ્લાન્ટ થઇ આદર્શ નિવાસી શાળા સુધી પીવાના પાણીની લાઇન નાંખવાની કામગીરી કરવામાં આવશે. આ કામગીરીમાં પાઇપ લાઇન મેવાસા-બાવાના, આણંદપુર, ખડીયા, ડુંગરપુર, પાદરીયા વગેરે ગામોના સર્વે નંબર ધરાવતા ખેડૂતોના ખેતરોમાંથી પસાર થશે. ત્યારે જેતે ખેડૂતને સરકારના નિયમાનુસાર પાક નુકસાનીનું વળતર આપવામાં આવશે. આ કામગીરી ૮ મેથી લઇને ૬૦ દિવસ સુધી ચાલનાર હોય પાઇપલાઇનથી ૧૦૦ મિટરની ત્રિજયામાં જૂનાગઢ મહાનગરપાલિકાની પાઇપ લાઇનની કામગીરી સાથે સંકળાયેલા વ્યક્તિ સિવાયની અન્ય ૪ થી વધુ વ્યક્તિએ એકત્ર થવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. જાહેરનામાનો ભંગ કરનાર તેમજ કામગીરીમાં વિક્ષેપ નાંખનાર સામે નિયમાનુસાર કાર્યાવહી કરવામાં આવનાર હોવાનું જૂનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. સૌરભ પારધીએ જણાવ્યું છે.

error: Content is protected !!