કોડીનારમાં અમદાવાદથી આવેલ યુવાનને કોરોનો પોઝીટીવ આવતા તંત્ર એલર્ટ

0

ગીર-સોમનાથ જીલ્લો કોરોના મુકત થયાના સાત દિવસ બાદ ફરી જીલ્લાના કોડીનાર ખાતે અમદાવાદથી આવેલ એક પુરૂષનો રીપોર્ટ પોઝીટીવ આવતા ગિર સોમનાથ જીલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર ફરી દોડતું થયેલ છે.
કોરોના વાયરસથી સમગ્ર વિશ્વ પ્રભાવિત થયું છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં ત્રીજા તબક્કામાં લોકડાઉન અમલમાં છે. ગુજરાત રાજ્યમાં ઘણા કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થયા છે જેમાં ગીર સોમનાથ જીલ્લામાં પણ કોરોનાગ્રસ્ત દંપતિમાં પ્રથમ પતિ બાદ પત્ની પણ સાજા થઇ જતા રજા આપવામાં આવી હતી ત્યારબાદ ગત તા.૩૦ એપ્રીલે સુત્રાપાડા તાલુકાના વાવડી ગામનો પુરૂષ કોરોનામુક્ત થતા અમદાવાદ સરકારી હોસ્પિલ કોવીડ-૧૯ ખાતેથી તેઓને રજા આપવામાં આવતા જીલ્લાના કોરોના વાયરસના ત્રણ દર્દીઓ સાજા થઇ જતા જીલ્લો કોરોના મુક્ત થયેલ પરંતુ કોરોના જીલ્લાનો પીછો છોડતો ન હોય તેમ બુધવારે અમદાવાદથી કોડીનાર એક પરીવારના ચાર સભ્યો આવેલ હતા અને આ પરીવારને કોડીનાર ખાતે ઉભા કરાયેલા સરકારી ફેસેલીટી કોરોન્ટાઇન કેન્દ્રમાં રાખવામાં આવેલ હતા અને પરીવારના ચારેય સભ્યોના નમૂના લઇ પરીક્ષણ અર્થે મોકલાવેલ જેમાં આ પરીવારના કીશોરભાઇ પરમાર (ઉ.વ.૩પ) નામના યુવાનનો રીપોર્ટ પોઝીટીવ આવતા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ સહીતનું સમગ્ર તંત્ર દોડતું થયેલ છે. ગીર-સોમનાથ જીલ્લા વહીવટી અને આરોગ્ય તંત્રએ કોડીનારમાં સર્તકતાની કામગીરી શરૂ કરેલ હોવાનું જાણવા મળેલ છે.
૬૦ શંકાસ્પદ દર્દીના રીપોર્ટ નેગેટીવ
ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાંથી કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા ૬૮ લોકોના નમુના લેવાયા હતા. જે પૈકીના ૬૦ લોકોનો રીપોર્ટ નેગેટીવ આવેલ જયારે ૮ લોકોના રીપોર્ટ બાકી છે. જીલ્લામાંથી વધુ ૫૬ શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના નમુના લેવામાં આવેલ છે જેમાં વેરાવળ ૧૦, કોડીનાર ૮, ઉના ૯, સુત્રાપાડા ૬, ગીરગઢડા ૬, તાલાળા ૯ વેરાવળ સિવિલમાંથી ૮ કુલ ૫૬ નમુના લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ હોવાનું આરોગ્ય અધિકારી ડો.ચેતન મહેતાએ જણાવેલ છે.