જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. દરમ્યાન જૂનાગઢ શહેરના નાથીબુ મસ્જિદ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરીને જીવન ગુજારતા અમીનાબેન યુનુસભાઈ આમદાણી રહે. નાથીબુ મસ્જિદ પાસે, જૂનાગઢ (મો ઃ- ૭૨૨૬૦ ૬૨૫૯૧)એ પોતાની પુત્રી સાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, હાલમાં લોકડાઉનનું જાહેરનામું હોય, પોતાના પતિ યુનુસભાઈ મજૂરી કરે છે, પરંતુ હાલમાં લોકડાઉન ચાલુ હોય, પોતાને આર્થિક મુશ્કેલી હોવાનું જણાવી, પોતાને કેન્સરની બીમારી છે અને જેની સારવાર નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ રાજકોટ ખાતે ચાલે છે. પોતે કેન્સરની સારવાર અનુસંધાને રાજકોટ જવું જરૂરી છે અને વાહનોની અવર જવર બંધ હોય, પોતાની પાસે કોઈ આર્થિક સગવડ પણ ન હોવાનું જણાવી, ગળગળા થઈ ગયેલ હતા. કેન્સરગ્રસ્ત મહિલાએ શક્ય હોય તો, પોતાને નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ રાજકોટ કે, જે તિરૂપતિ નગર નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની સામે આવેલ છે, ત્યાં સારવાર લેવાળાવવા દેવામાં આવે તો, પોતે પોલીસ ખાતાની આભારી થશે તેવું જણાવેલ હતું. પોતાની પાસે માં અમૃતમ કાર્ડ હોય, જે નાથાલાલ પારેખ હોસ્પિટલમાં આપવામાં આવે તો, સારવાર મળી શકે તેમ હોવાનું જણાવી, પોતાને અહીંયાથી રાજકોટ પહોંચાડવાની સગવડ કરી આપવા વિનંતી કરીને જણાવવામાં આવેલ હતું. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, સીપીઆઈ પી.એન.ગામીત, પીએસઆઇ જે.એચ.કચોટ, ટ્રાફિક પી.એસ.આઈ. એ.સી.ઝાલા, હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ, કમલેશભાઈ, અશોકભાઈ, કમાન્ડો ભગાભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા કેન્સર ગ્રસ્ત મહિલા અમીનાબેનને રાજકોટ સારવાર કરવા માટે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર પાસ વાળી કારમાં મોકલવા વ્યવસ્થા કરવામાં આવેલ હતી. બીજા દિવસે અમીનાબેન તેમજ અમીનાબેનની દીકરી રાજકોટ ખાતે નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ ખાતે સારવાર કરાવી, રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.આઇ. ખુમાનસિંહ વાળા તથા પો.કો. હાર્દિકસિંહ દ્વારા કેન્સર હોસ્પિટલ ખાતેથી વાહનની વ્યવસ્થા કરી, તેઓની મદદથી જૂનાગઢ પરત આવી ગયા હતા. જૂનાગઢ શહેરના કેન્સરગ્રસ્ત મહિલા અમીનાબેન યુનુસભાઈ આમદાણીએ જૂનાગઢ પોલીસને પોતાને કેન્સરની સારવાર કરાવી અને કિમોથેરાપીનો ડોઝ અપાવવા માટે મદદ કરવામાં આવેલી, તેનાથી પ્રભાવિત થઈ, રાજકોટ કેન્સર હોસ્પિટલ ખાતે સારવાર કરાવી, પરત આવી, સીધા જ જુનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે રૂબરૂ આવી, જૂનાગઢ પોલીસનો ખુબ આભાર વ્યક્ત કરેલ અને જણાવેલ કે જૂનાગઢ પોલીસ પોતાની પડખે ઊભી રહી ના હોત તો, લોકડાઉનના સમયમાં અને પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે પોતે સારવારથી વંચિત રહી જતા અને કદાચ કેન્સર રોગનો ફેલાવો વધી જાત. તેવું જણાવી ગળગળા થયેલ અને આભારની લાગણી વ્યક્ત કરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, સીપીઆઈ પી.એન.ગામીત, ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી.ઝાલા, જે.એચ.કચોટ, સહિતની ટીમ દ્વારા જૂનાગઢની કેન્સરગ્રસ્ત મહિલાને સારવાર અપાવવા પોતાના ખર્ચે વાહનની સગવડ કરાવી આપી, રાજકોટ શહેર પોલીસની મદદથી રાજકોટ કેન્સર હોસ્પિટલ ખાતે સારવાર પણ કરાવી આપવામાં આવેલ હતી. તેમજ અમીનાબેનના પરિવારને અનાજ કરિયાણાની કીટની પણ વ્યવસ્થા કરવામાં આવેલ હતી.