કોરોના જેવી મહામારીનો સામનો જૂનાગઢ સહિત સમગ્ર દેશ અને વિશ્વનાં દેશો પણ કરી રહ્યાં છે. કોરોનાથી બચવા અને આ બિમારીને મૃતપ્રાય કરી નાંખવાનાં શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. કોરોનાની કટોકટીનાં સમયમાં પણ અખબારી ક્ષેત્રે સતત કાર્યરત રહી અને લોકોને સમયસર અખબાર આપી અને અખબારી ધર્મ અદા કરનારા
સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરિવાર અને સ્ટાફમિત્રોનું ગઈકાલે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા થર્મલ સ્ક્રિનીંગ સાથે મેડીકલ ચેકઅપની કામગીરી કરવામાં આવી હતી. કોરોના સંક્રમણને અટકાવવાનાં પ્રયાસરૂપે લોકોનાં આરોગ્યની તપાસણી થઈ રહી છે. ત્યારે સિવિલ હોસ્પિટલ જૂનાગઢની ટીમે પણ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા સૌરાષ્ટ્ર ભૂમિ પરિવારનાં તમામ સભ્યોનું થર્મલ સ્ક્રિનીંગ કર્યું હતું.
કોરોના વાયરસનાં રોગચાળા સામે ભારત અને વિશ્વનાં દેશોમાં એક શિત યુધ્ધ ચાલી રહ્યું છે. જૂનાગઢ સહિત ભારતમાં લોકડાઉનનો ત્રીજા તબક્કો ચાલી રહ્યો છે જો કે જૂનાગઢ ગ્રીનઝોનમાં આવેલું છે અને કેટલીક રાહતો મળી છે તેમ છતાં આરોગ્ય સહિતની તપાસ માટે સતત કાળજી લેવામાં આવી રહી છે. કોરોના વોરિયર્સ એટલે કે કટોકટીનાં સમયે સતત જાગતા રહી અને યુધ્ધભૂમિ ઉપર જેમ ફરજ બજાવતાં હોય તેવા પોલીસ, આરોગ્ય તંત્ર, વહિવટી તંત્ર, પ્રેસ-મિડીયા તેમજ સેવાભાવી સંસ્થાઓ, સરકારી તંત્રની વિવિધ અતિ આવશ્યક સેવાઓ આ સહુકોઈ પોતપોતાની ફરજ આજે બજાવી રહેલ છે. જૂનાગઢમાંથી પ્રસિધ્ધ થતાં સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક અખબારનાં તંત્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય, સહતંત્રી અભિજીત ઉપાધ્યાય અને તમામ કર્મચારીગણ દ્વારા આજની કટોકટીનાં સમયમાં પણ સતત અખબારી ધર્મ અદા કરવામાં આવી રહ્યો છે અને તેની છેક ઉપર સુધી નોંધ લેવાઈ છે. પ્રજાની સમસ્યાને વાચા આપી અને પ્રજાને સાચા અને સચોટ સમાચારો સતત આપવામાં અવ્વલ નંબરે રહેલાં સમગ્ર સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરિવારનાં કર્મચારીગણ અને સભ્યો પ્રત્યે સંવેદનાના સુર વ્હેતા કરી અને તેઓનાં આરોગ્યની પણ ચિંતા કરી અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલનાં અલમોનરી પ્રિટીકલ ચેષ્ટ સ્પેશ્યાલિસ્ટ ડો.ચિંતન યાદવનાં માર્ગદર્શન હેઠળ સંજય બહેચા અને પેરામેડિકલ ટીમ ગઈકાલે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક કાર્યાલય ખાતે આવી હતી અને સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરિવારનાં કાર્યરત તમામ સ્ટાફ, કર્મચારીગણનું થર્મલ સ્ક્રિનીંગ સાથે મેડીકલ ચેકઅપની કામગીરી કરવામાં આવી હતી.
આ ટીમ દ્વારા ડાયાબીટીસ, બીપી સાથે આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. તેમજ હાલ જયારે સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ થઈ રહ્યું છે ત્યારે આ બિમારીમાંથી કઈ રીતે બચવું તેમજ સાવચેતી અને જાગૃતિ દાખવવા તેમજ પરેજી પાળવા માટેનું સુચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અલમોનરી પ્રિટીકલ ચેષ્ટ સ્પેશ્યાલિસ્ટ તરીકે છેલ્લાં બે વર્ષથી ફરજ બજાવી રહેલા ડો.ચિંતન યાદવ અને સંજય બહેચા તેમજ તેમની ટીમ દ્વારા જે સંવેદના દર્શાવવામાં આવી હતી અને સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરિવારનાં કર્મચારીગણનું મેડીકલ ચેકઅપ કરી અને તેમની પ્રત્યે જે લાગણી દર્શાવવામાં આવી હતી. તે બદલ સૌરાષ્ટ્ર ભૂમિનાં તંત્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય, સહતંત્રી અભિજીત ઉપાધ્યાય તેમજ સ્ટાફ પરિવાર દ્વારા આભારની લાગણી વ્યકત કરી આ આરોગ્ય ટીમને ધન્યવાદ પણ પાઠવવામાં આવ્યા હતાં.