જંગલ વિસ્તારમાં સિંહોની રંજાડ કરી તેનો વિડીયો બનાવી સોશ્યલ મીડીયામાં વાયરલ કરનાર બે શખ્સોને વન વિભાગે ઝડપી લઇ વેરાવળ કોર્ટમાં રજૂ કરતા રીમાન્ડ મંજુર થયેલ છે. વેરાવળ તાલુકાની હદમાં વિશાલ નાથા ચાવડા તથા સાવન હમીર પંપાણીયાએ ગેરકાયદેસર રીતે સિંહને રંજાડ કરી અને તેનો વિડીયો બનાવી ટીકટોક તેમજ અન્ય સોશ્યલ મીડીયામાં વાયરલ કરતા વેરાવળ વન વિભાગના આર.એફ.ઓ. એચ.આર. રતનપરાના ધ્યાને આવતા આ બનાવ અંગે ગુન્હો નોંધી બંને આરોપીઓની અટક કરી તપાસ હાથ ધરેલ હતી. જેમાં આ આરોપી ભુતકાળમાં પણ અન્ય આવા ગુન્હા સાથે સંકળાયેલ હોય જેથી આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ આરોપીઓને વેરાવળના એડી. ચીફ. જયુડી. મેજી. શ્રી શાહની કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરતા ફોરેસ્ટ વિભાગ દ્વારા એ.પી.પી. નિગમ જેઠવાએ વન્ય પ્રાણી અધિનીયમની જોગવાઇઓ તેમજ હાલના ગુન્હાની ગંભીરતા અને આરોપીની તપાસમાં આવશ્યકતા હોવાની દલીલો કરેલ જેને ધ્યાને લઇ આ બંને આરોપીઓના રિમાન્ડ મંજુર કરી આરોપીઓને આર.એફ.ઓ. રતનપરાને સોંપવા હુકમ કરેલ છે. આ રીમાન્ડ હુકમથી આ વિસ્તારમાં સિંહોને રંજાડતા તત્વોમાં ફફડાટ પ્રસરેલ છે.