અલીરાજપુર મધ્યપ્રદેશના રામુ મોનલાઈ,ખુમસિંહ મેરડા, જોગડિયા ગાવડકર સહિતના શ્રમિકો ભેંસાણ ખાતે મેંદરપરામાં ખેતીનું ભાગીયું રાખી રોજગારી મેળવતા હતા. આ શ્રમિકો ઉપરાંત ભેંસાણના ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજૂરી કરતા બારસો જેટલા શ્રમિકો ખાસ ટ્રેન મારફત જૂનાગઢથી મધ્યપ્રદેશ જવા રવાના થયા હતા. લોકડાઉન પછી વતન વાપસીની ચિંતા કરતા શ્રમિકો માટે જિલ્લા વહીવટી તંત્રએ રેલ્વે સ્ટેશને પહોંચાડવા સાથે ભોજન અને પીવાના પાણી સહિતની વ્યવસ્થા કરી હતી. આરોગ્ય ટીમ દ્વારા સ્ક્રિનિંગ અને મેડિકલ ચેકઅપ કરાયું હતું. નાના બાળકો અને સામાન સાથે રેલ્વે સ્ટેશન આવી પહોંચેલા આ શ્રમિકો જિલ્લા વહીવટી તંત્રની વ્યવસ્થા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા રહી શકયા ન હતા. સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા સાથે મોઢે રૂમાલ કે માસ્ક પહેરી રેલવે તંત્ર અને પોલીસ દ્વારા અપાતી સૂચનાનું પાલન થાય તેની તકેદારી લેતા હતા. ગુજરાત અને મધ્યપ્રદેશ સરકારના સંકલનથી આ શ્રમિકોને માદરે વતન પહોંચાડવાની સમગ્ર પ્રક્રિયા પાર પડી હતી. રેલવેના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા રેલ્વેમાં સોશ્યલ ડીસ્ટન્સ જળવાય તેમજ આરોગ્યની કાળજી લેવાય તેની તકેદારી લેવાઈ હતી. ઘર વાપસીનો આનંદ વ્યક્ત કરતાં નાના બાળકે કહ્યું કે, હું મારા ઘરે દાદા-દાદીને મળીશ. નાના બાળકની વાતમાં સૂર પુરાવતા તેના પિતા રામકુએ કહ્યું કે વતન વાપસીનો આનંદ છે પણ આ ભૂમિ અમારી કર્મભૂમિ છે. કોરોના ખતમ થતા અમે બધા પરત આવીશું. અહીં અમને રોજગારી મળે છે. અમારા બાળકો પણ અહીંના વાતાવરણથી ટેવાઈ ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત બીજા દિવસે રેલ્વેના સહયોગથી ખાસ ટ્રેનની વ્યવસ્થા કરી શ્રમિકોને મધ્યપ્રદેશ પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે. હજુ તબક્કાવાર આયોજન કરી જૂનાગઢ જિલ્લામાંથી વતન જવા માગતા શ્રમિકો માટે વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લા કલેકટર ડો.સૈરભ પારઘીના માર્ગદર્શન હેઠળ શ્રમિકોને વતન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.