ગીર સોમનાથ જીલ્લાની પાંચ સબરજીસ્ટ્રાર કચેરીઓ પૈકી ચાર ચાલુ રહેશે અને એક માત્ર કોડીનારની કચેરી બંધ રાખવાનો તથા કન્ટેઇન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયેલા ગીરગઢડાના બે ગામોના મહેસુલી વિસ્તારના દસ્તાવેજોની નોંધણી ઉપર હાલ બંધ રાખવાનો નિર્ણય તંત્રએ જાહેર કર્યો છે. ગુજરાત રાજય સરકારએ સબરજીસ્ટ્રાર કચેરીઓ શરૂ કરી દસ્તાવેજો નોંધાવા માટે જરૂરી ગાઇડલાઈન્સ જાહેર કરી છે. જે અનુસંધાને ગીર સોમનાથ જીલ્લા તંત્રએ ગીર સોમનાથ જીલ્લામાં કાર્યરત વેરાવળ, સુત્રાપાડા, ઉના, તાલાલા અને કોડીનારમાં આવેલ પાંચ સબરજીસ્ટ્રાર કચેરીઓ શરૂ કરવા કવાયત શરૂ કરી હતી. દરમ્યાન છેલ્લા બે દિવસમાં કોડીનારમાં એકીસાથે કોરોનાના ૯ પોઝીટીવ કેસો આવ્યા છે. જેના પગલે કોડીનાર સબરજીસ્ટ્રાર કચેરી બંધ રાખવાનો તથા ગીરગઢડા તાલુકાના બોડીદર તેમજ સોનપરા ગ્રામ પંચાયતના તમામ રહેણાંક અને મહેસુલી વિસ્તારના દસ્તાવેજ નોંધણી હાલ પુરતી બંધ રાખવાનો નિર્ણય કરેલ છે. જેથી હવે ગીર સોમનાથ જીલ્લામાં કોડીનાર સિવાયની ચારેય સબરજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી થશે. આ તમામ કચેરીઓના મુખ્ય અધિકારીઓએ સામાજીક અંતર અને સેનીટાઈઝેશન સહિતના તમામ તકેદારીના પગલા માટે સૂચના આપવામાં આવી છે. દસ્તાવેજ નોંધણી અર્થે આવતા પક્ષકારોએ ઓનલાઇન એપોઇટમેન્ટ લઇ અને ઓનલાઈન નોંધણી ફી ભરી દસ્તાવેજ નોંધણી અર્થે આવવાનું રહેશે. નિયત સમયથી ૨૦ મીનીટ પહેલા આવવાનું રહેશે તેમ નોંધણી નિરીક્ષકે એક યાદીમાં જણાવેલ છે.