વેરાવળમાં ૬૦ ફુટ રોડ ઉપર સોમનાથ સોસાયટીના સાર્વજનીક પ્લોટમાં નગરપાલીકા તંત્રે ગાર્ડન બનાવવા તજવીજ શરૂ કરતા વિરોધ વંટોળ ઉભો થયો છે. સોસાયટીના રહીશોને વિશ્વાસમાં લીધા વગર મનઘડત રીતે નગરપાલીકા તંત્રે ગાર્ડન બનાવવાની કામગીરી શરૂ કરી હોય જે અટકાવવા અંગે ૫૦ જેટલા રહીશોએ ચીફ ઓફીસરને આવેદનપત્ર પાઠવી માંગણી કરી છે. વેરાવળની સોમનાથ સોસાયટીમાં રહેતા મણીભાઇ ડાંગોદરા, ઇશ્વર મસાણી, પ્રકાશ ગીરગીલાણી, કનૈયાલાલ નારવાણી, હિતેશ ઠકરાર, કિશોર ઢાલાણી સહિતનાએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ કે, આ સોસાયટીના સાર્વજનીક પ્લોટમાં ગાર્ડન બનશે તો રહીશોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવી ભિતી છે. જેમ કે, સોસાયટીના સાર્વજનીક પ્લોટમાં ઘણા વર્ષોથી નવરાત્રીના નવ દિવસ બાળાઓ માતાજીની આરાધના કરવા ગરબે ઘુમે છે. હોમ હવન, ગણપતિ ઉત્સવ, હોળી ઉત્સવ જેવા ધાર્મીક ઉત્સવો-કાર્યક્રમો ઉજવાય છે. જો ગાર્ડન બને તો ધાર્મીક કાર્યક્રમો છીનવાય જશે. આ સાર્વજનીક પ્લોટમાંથી પસાર થતા ધોરીયામાંથી ત્રણેક સોસાયટીઓનાં ગંદા પાણી સામે ૬૦ ફૂટ રોડ ક્રોસ કરી મુખ્ય ગટર સુધી જાય છે. હવે જો પ્લોટમાં દિવાલ બનશે તો ધોરીયો ડેડ થઇ જશે. જેથી આ સોસાયટીમાં ત્રણેક સોસાયટીના ગંદા પાણી ફરી વળવાની સમસ્યા કાયમી સર્જાયેલ રહેશે. જો આવુ થાય તો રહીશો ઉપર મેલેરીયા, ચીકનગુનીયા જેવા ગંભીર રોગોનો કાયમી ખતરો સર્જાયેલો રહેશે. સોસાયટીની પૂર્વ ગલીમાં થઇને સાર્વજનીક પ્લોટમાં ૬૦ ફૂટ રોડ સુધી જવાનો વર્ષો જુનો રસ્તો બંધ થશે. જે બંધ કરવાનો નગરપાલીકાને કોઇ અધિકાર નથી. સાર્વજનીક પ્લોટ સોસાયટીની માલીકીનો છે. ચાર વર્ષ પૂર્વે ૨૦૧૬માં આ સાર્વજનીક પ્લોટમાં રેતી-પથ્થરો રાખી અમુક લોકો વેપાર કરી ગંદકી ફેલાવે છે જે અટકાવવા સોસાયટીના રહીશોએ તત્કાલીન ચીફ ઓફીસર સમક્ષ રજુઆત કરેલ હતી.