ગીર સોમનાથ જીલ્લાનાં ઉનાના નવાબંદર ખાતે મુંબઇથી આવેલ યુવાન કોરોના પોઝીટીવ આવ્યો

0

કોરોનાની શરૂઆતથી લોકડાઉન-૩ સુધી કોરોના કહેરથી બચી રહેલ ગીર સોમનાથ જીલ્લાના તાલુકાઓ હવે રેડઝોન વિસ્તારોમાંથી આવતા લોકોના કારણે હવે કેસો વધી રહયા છે. દરમ્યાન ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના નવાબંદર ખાતે બે દિવસ પૂર્વે આવેલ ૪૮ વર્ષીય વ્યકિતનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દોડતુ થયું છે. છેલ્લા ચારેક દિવસ દરમ્યાન અન્ય જીલ્લાઓના તથા રાજયના રેડઝોન વિસ્તારમાંથી ગીર સોમનાથ જીલ્લામાં આવેલા હોવાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા ૧૩ વ્યકિતઓ કોરોના પોઝીટીવ આવ્યા હોવાથી સ્થાનીક તંત્ર ચોંકી ઉઠયુ છે. જેના કારણે ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સતર્કતાના કડક પગલા ભરી રહયુ છે. દરમ્યાન તા.૧૦ મે ના રોજ મુંબઇથી ખાનગી કારમાં પરમીશન સાથે ત્રણ વ્યકિતઓ ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના જુદા-જુદા ગામોમાં પહોચેલ હતા. આ તમામને કોરોન્ટાઇન કરાયા હતા. આ ત્રણ વ્યકિતઓ પૈકી ઉનાના નવાબંદર ખાતે કોરોન્ટાઇનમાં રહેલ જગદીશ વીરજી (ઉ.વ.૪૮) નામના વ્યકિતમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાયા હોવાથી નમુના લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ હતા. તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા સ્થાનીક આરોગ્ય વિભાગના અધિકારીઓએ જગદીશભાઇ વિરજી પાસેથી તેમના સંપર્કમાં કોણ કોણ આવેલા સહિતની વિગતો એેકત્ર કરવા આરોગ્ય તંત્ર, રેવન્યુ તંત્ર, પોલીસ તંત્ર ધંધે લાગ્યા છે. ગીર સોમનાથ જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોનાના ૧૮ પોઝીટીવ કેસો નોંધાયા છે જે પૈકી ૩ કેસના દર્દીઓ સ્વસ્થ થઇ રીકવર થયા છે. જયારે બાકીના ૧૫ની સારવાર ચાલી રહી છે. દરમ્યાન ગીર સોમનાથ જીલ્લામાંથી શંકાસ્પદ લક્ષ્ણો ધરાવતા ૫૯ લોકોના નમુના લેવાયેલ હતા. જે તમામના રીપોર્ટ નેગેટીવ આવેલ છે. જયારે ગીર સોમનાથ જીલ્લામાંથી વધુ શંકાસ્પદ લક્ષણો ધરાવતા ૪૦ લોકોના નમુના લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ હોવાનું આરોગ્ય અધિકારી ડો. ચેતન મહેતાએ જણાવેલ છે.