જૂનાગઢના રેલ્વે સ્ટેશનથી ગઇ રાત્રે ૧૪૫૦ જેટલા શ્રમિકો સાથે મધ્યપ્રદેશનાં મેઘનગર જવા ત્રીજી ટ્રેન રવાનાં કરવામાં આવી હતી. આ ટ્રેનમાં બેસવાનો સૈથી વધુ આનંદ નાના બાળકોને હતો. તેમનાં ચહેરાઓ ઉપર કુતુહલતા સાથે આનંદ છલકાતો હતો. બડવાની મધ્યપ્રદેશનાં કુવરસિંહ, ભીખમરામ અને બાલુભાઇને પોતાનાં બાળકો પરિવાર સાથે શ્રમિક ટ્રેનમાં ઘરવાપસીની તક મળી હતી. વંથલી, માણાવદર, અને માળીયા હાટીના તાલુકાનાં ખેતરોમાં રોજગારી મેળવતા આ શ્રમિકો ગુજરાત અને મધ્યપ્રદેશ સરકાર સાથે જિલ્લા વહિવટી તંત્રએ કરેલ વ્યવસ્થા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે માળીયાહાટીના પ્રાંત અધિકારી સાકરીયા, મામલતદારશ્રી ગોહીલ, મામલતદાર નારણભાઇ રામ, નાયબ મામલતદાર ખોડભાયા દ્વારા શ્રમિકોને તાલુકા મથકે બસ દ્વારા જૂનાગઢ લાવી ફુડ પેકેટ અને પર્યાપ્ત પાણીની બોટલો આપવામાં આવી હતી. જેથી શ્રમિકોને મુસાફરી દરમ્યાન કોઇ મુશ્કેલી ના પડે. જૂનાગઢ સીટી મામલતદાર ચૌહાણ ગ્રામ્ય મામલતદાર અઘેરા પણ શ્રમિકોને વતનવાપસીમાં સહયોગી થયા હતા. જૂનાગઢ જિલ્લાનાં કૃષિક્ષેત્રમાં સૈથી વધુ શ્રમિકો મધ્યપ્રદેશથી આવી રોજગારી મેળવે છે. અંદાજીત ૧૫ હજાર જેટલા શ્રમિકો મધ્યપ્રદેશના છે. જે પૈકી ૧૦૯૦૦ જેટલા શ્રમિકો પણ ટ્રેન અને બસ દ્વારા માદરે વતન પહોંચી ગયા છે. આ શ્રમિકોએ જૂનાગઢ જિલ્લાને કર્મભૂમિ બનાવી છે. કેમ કે કોરોના ખતમ થતાં સોરઠમાં ફરી પરત આવશે.