ઓરેન્જ ઝોનમાં સમાવિષ્ટ ગીર સોમનાથ જીલ્લામાં હવે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે અને તે પણ ખાસ અમદાવાદ, સુરત જેવા મહાનગરોમાંથી આવતા વ્યક્તિઓની ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ તાલાલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની આવક નોંધાઈ છે. જો કે ગીર સોમનાથ જિલ્લાની બોર્ડર ચેક પોસ્ટ ઉપર હાલ સઘન ચેકિંગ પણ હાથ ધરાઈ રહ્યું છે. પ્રતિદિન ૫૦ થી વધુ બસો અને સેંકડો ફોરવ્હીલ મારફતે હજારો લોકો ગીર સોમનાથ જિલ્લામાં પ્રવેશ કરી રહ્યા છે. મહાનગરોના રેડઝોન વિસ્તારોમાંથી મોટી માત્રામાં ગીર સોમનાથ જિલ્લામાં લોકોના પ્રવેશથી સ્થાનિકો પણ ચિંતિત બન્યા છે. તાલાલા તાલુકા ના ૪૪ ગામના સરપંચોના સંગઠન દ્વારા તંત્રને લેખિતમાં રજુઆત કરી બહારથી આવતા લોકોને ફરજીયાત ફેસિલિટી કોરેન્ટાઇન કર્યા બાદ જ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશ આપવા જણાવેલ છે. સરકાર દ્વારા છૂટ આપવાના પગલે હજારો લોકો પરમીશન મેળવી ગીર સોમનાથ જિલ્લામાં પ્રવેશ કરી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં ૨૩ હજારથી વધુ લોકો ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવ્યા છે. જો કે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અજય પ્રકાશના જણાવ્યા મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેડઝોનમાંથી પરમીશન નહી આપવા સરકારમાં લેખિત રજુઆત પણ કરેલ છે છતાં પરમીશન અપાતી હોવાથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે જેને કારણે તંત્ર પણ ચોંકી ઉઠયું છે. હાલ તાલાલા તાલુકામાં વધુ પ્રમાણમાં લોકોની આવકને કારણે ગ્રામ્ય સ્તરે જુદા જુદા સમાજના હોલ, શાળાઓમાં સાત જેટલા વધુ કોરેન્ટાઇન સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે અને બહારથી આવતા લોકોને ફરજીયાત કોરેન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. વતનમાં આવવાની તાલાવેલીના પગલે મહાનગરોમાંથી કોરોનાનો ગીરના ગામડાઓમાં પગ પેસારો થઈ રહ્યો છે જેના પગલે ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન અને લોકો માટે મોટો પડકાર સર્જાયો છે.