સસ્તા અનાજના દુકાનદારો ૧૭ મેથી અનાજ વિતરણ નહીં કરે

0

સસ્તા અનાજની દુકાનદારોના એપ્રીલ અને મે મહિનાનું કમિશન સરકારે ન આપતા આગામી ૧૭ મેથી શરૂ થનારા અનાજ વિતરણથી રાજ્યના દુકાનદારોએ અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય ફેરપ્રાઈઝ શોપ્સ એેસોસીએશનના પ્રમુખ મહિપતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પાછલા એપ્રીલ અને મે મહિના દરમ્યાન કોરોના મહામારીના કારણે એનએફએસએ અને નોન એનએફએસએ રેશનકાર્ડ ઉપર નિઃશુલ્ક અનાજનું વિતરણ સસ્તા અનાજની દુકાનના વેપારીઓ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. વેપારીઓ જીવના જોખમે અનાજ વિતરણ કરી રહ્યાં છે છતા પણ બે મહિના થવા આવ્યા છતા વેપારીઓની મહેનતનું કમિશન સરકાર આપવા તૈયાર નથી.એપ્રિલ મહિનામાં વિતરણ કરવાના થતા એનએફએસએના જથ્થાના નાણાં અમે માર્ચ મહિનામાં ભર્યાં હતાં. એ જથ્થો અમારી દુકાનો પર આવ્યો અને તુરંત નિશુલ્ક વિતરણની ઘોષણા સરકારે કરી હતી. જેથી અમારા પૈસાથી આવેલો જથ્થો સરકારે એક રીતે મફત વિતરણ કરાવ્યો અને અમારા રાજ્યભરમાં કુલ ૧૭૦૦૦ દુકાનદારોના એક દુકાનદાર દીઠ ૨૦ હજાર રૂપિયા સરેરાશ જમા રાખી દીધા હતા જે રૂપિયાનો જવાબ પુરવઠા વિભાગ આપવા તૈયાર નથી. જ્યારે અમારા રૂપીયા ભર્યાથી આવેલો ફેબ્રુઆરી અને માર્ચનો બંધ સ્ટોક જથ્થો પણ અમારી પાસે નિઃશુલ્ક વિતરણ કરાવી દીધો છે જેનો પણ સરકાર પાસે કોઈ હિસાબ નથી.એપ્રિલ અને મે દરમ્યાન જે નિઃશુલ્ક વિતરણ કરાવડાતા એક દિવસના રૂ.૧૬૦૦નો ખર્ચ દુકાનદારને થઈ રહ્યો છે.