જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય લોકોને બહાર ન નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા લોકોને તકલીફમાં હોય તો લોકડાઉન દરમ્યાન કોઈપણ જરૂરિયાત હોય તો પોલીસ મદદ કરવાની જાહેરાત કરી હેલ્પ લાઇન શરૂ કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને જૂનાગઢ જિલ્લાના બિલખાના ભલગામ ગામે રહેતા અને સિંગ ભજીયા, મમરા, ભાખરવડી, ચવાણું, દાળિયા, વિગેરે નાસ્તાની ફેરી કરતા કૌશિક ખીમજીભાઈ ગોહેલ હિન્દૂ સગર (મો. ઃ- ૯૯૦૯૬ ૪૪૫૫૭) એ વોટ્સ એપ મેસેજથી જાણ કરેલ કે, પોતે અપંગ છે, પોતાની બહેનને કેન્સરની બીમારી હોઈ, પોતાની માં પણ બહેરા મૂંગા અપંગ હોઈ, પોતે આજુબાજુના ગામમાં નાસ્તાની ફેરી કરી ગુજરાન ચલાવે છે. હાલમાં લોક ડાઉન ચાલુ હોવાથી આજુબાજુના ગામ લોકોએ પોતાને ગામમાં આવવાની મનાઈ કરવામાં આવેલ છે. પોતાની પાસે રૂ. ૯૦,૦૦૦નો માલ પડેલ છે. પોતાને બીલખા ખાતે નાસ્તો વહેંચવા મંજૂરી આપવામાં આવે તો, પોતાને નુકશાન ના જાય. જેથી મદદ કરવા જાણ કરેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ કૌશિકભાઈ ગોહેલને બિલખા પીએસઆઇ એસ.કે. માલમ, હે.કો. સંજયભાઈ પાસે મોકલી મદદ કરવા જાણ કરવામાં આવતા બિલખા પોલીસ દ્વારા લોકડાઉનમાં છૂટછાટ મળતા, કૌશિકભાઈને પોતાનો નાસ્તો વેંચવા દુકાન ભાડે રાખી, મંજૂરી આપવામાં આવેલ હતી. જેને કારણે તેનો બધો સામાન વેંચાઈ ગયેલ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા, કૌશિકભાઈ ગોહેલ દ્વારા જૂનાગઢ પોલીસે પોતાના કપરા સમયમાં મદદ કરવામાં આવેલ હોય જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસ દ્વારા તેને અનાજ કરિયાણાની કીટ અથવા બીજી કોઈ જરૂરિયાત હોય તો જાણ કરવા પણ જણાવવામાં આવેલ હતું.