જૂનાગઢમાં કાળા બજારીયાઓને પ્રોત્સાહન મળે તેવો ખેલ : અનેક લોકોની ફરીયાદ

કોરોના વાયરસની ગંભીર બિમારીનાં આ સમયકાળમાં ચોથા તબક્કાનાં લોકડાઉનમાં ગ્રીન ઝોનમાં રહેલા જૂનાગઢમાં પાન-બીડી, તમાકુનાં હોલસેલ વેપારીઓને વેપાર ધંધો કરવા માટેની રજામંદી આપવાની માંગણી જે-તે એસો.દ્વારા અવારનવાર કરવામાં આવી હતી અને ખાસ તો બંધાણીઓ, વ્યસનીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈ હોલસેલ વેપારીઓને પાન-બીડી-તમાકુનો વેપાર કરી શકે તેવી છુટ આપતું જાહેરનામું જારી કરવામાં આવેલ અને પરિસ્થિતિ થાળે પડી જશે. તેવું લાગતું હતું પરંતુ તમાકુ પાન, બીડીની દુકાનો ખોલવાની મંજુરી આપવા છતાં હોલસેલનાં વેપારીઓ દુકાન ખોલવા તૈયાર નથી અને કાળા બજારને ઉત્તેજન આપવાનો ખેલ પાડવામાં આવી રહ્યો હોવાની ચોંકાવનારી લોક ચર્ચા અને વિગતો બહાર આવતાં સનસનાટી મચી જવા પામી છે. નાના વેપારીઓને ફરજીયાત રૂ. પ૦ હજારનો માલ ખરીદ કરે તો જ માલ આપશું તેવો વણલખ્યો નિયમ બનાવીને ગ્રામ્ય તથા શહેરનાં નાના દુકાનદારોને હેરાન કરાઈ રહયા છે. જૂનાગઢ શહેરમાં લોકડાઉનનાં અમલકાળ દરમ્યાન કફોડી હાલત પાન, બીડી, તમાકુનાં બંધાણીઓને થઈ હતી અને દુર-દુરથી વધારે રૂપિયા દઈને પણ વ્યસનીઓ માલ મંગાવતા હતા અને પોતાનું વ્યસન પોષતા હતાં. આ દરમ્યાન તંત્રએ ચોથા તબક્કાનાં લોકડાઉનમાં હોલસેલનાં વેપારીઓની રજુઆતને ધ્યાને લઈ અને હોલસેલની દુકાનો ખોલવા મંજુરી આપી દિધી છે. પ્રથમ દિવસે જ હોલસેલની દુકાનોએ લાંબી-લાંબી લાઈનો બંધાણીઓની અને નાના વેપારીઓની થઈ હતી. આ દુકાનો ખુલતાં હવે કાંઈક પરિસ્થિતિ થાળે પડશે તેમ લાગતું હતું પરંતુ જૂનાગઢનાં જાગૃત નાગરીકોમાંથી વધુ એક ફરીયાદ ઉઠવા પામી છે અને તેનું કારણ એ છે કે હોલસેલ ડિલર્સ અગાઉ જે તમાકુનાં વેંચાણ માટે છુટ આપવાની માંગણી કરતાં હતા અને છુટ મળી છે ત્યારે હવે દુકાનો બંધ રાખીને બેસી ગયાં છે. જેનાં પરિણામે પરિસ્થિતિ વણસી ગઈ છે. નાના વેપારીઓ અને બંધાણીઓમાં એવી પણ ચર્ચા ઉઠવા પામી છે કે હોલસેલનાં દુકાનદારો પોતાની પાસે માલ નથી અથવા તો કોઈ અન્ય કારણસર દુકાનોને તાળા મારીને રાખે છે અને બીજી તરફ પાછલે બારણેથી પોતાની પાસે રહેલાં સ્ટોકનો બેફામ કાળા બજાર કરવામાં આવતો હોવાની વ્યાપક લોક ફરીયાદો પણ ઉઠી છે. તમાકુ-બીડી-સિગારેટ-સોપારી-બજર સહિતનો માલ-સામાનનો હોલસેલ ધંધો કરતી દુકાનો બંધ હોવાનાં લીધે બધી જ વસ્તુઓ કાળા બજારમાં વહેંચાય છે અને ખુબીની વાત એ છે કે આવી વસ્તુઓનો જે લોકો કાળા બજાર કરે છે તેમની પાસે માલ પણ પહોંચી જતો હોય છે અને આ બધી જ વસ્તુઓનાં ચાર ગણાં ભાવ લેવા માટેનું એક વ્યવસ્થિત તંત્ર ગોઠવાઈ ગયું હોવાની પણ ચર્ચા છે. જૂનાગઢનાં જાગૃત નાગરીકોએ તમાકુની ઉત્પાદન કરતી કંપનીઓને ઈ-મેઈલ મારફત ફરીયાદો પણ કરી છે કે પહેલાં હોલસેલ ડિલર્સો તમાકુ વેંચાણ માટે દુકાનો ખોલવાની માંગણી કરતાં હતા અને હવે છુટ મળી છે તો શા માટે દુકાનો બંધ રાખે છે તે અંગેની તપાસ કરવી જાઈએ. એટલું જ નહીં આ બાબતમાં જા તથ્ય જણાય તો તમાકુની કંપનીઓએ હોલસેલનાં વેપારીઓને માલ સપ્લાય બંધ કરી અને એજન્સી પણ રદ કરી દેવાની માંગણી ઉઠવા પામી છે. તેમજ હોલસેલનાં વેપારીઓનાં ફાર્મહાઉસ અને ગોડાઉનોમાં પણ ચેકીંગ કરવામાં આવે તો ઘણો જ માલ પકડાય તેવી શકયતા પણ રહેલી છે. આમ દરેક પાસા અંગે જીએસટી તંત્રએ પણ પગલા લેવા લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે અને સરકારી તંત્રને જાગૃત નાગરીકોએ અરજ અહેવાલ કર્યાં છે. આગામી દિવસોમાં જૂનાગઢ શહેરમાં હોલસેલનાં વેપારીઓ દુકાન બંધ રાખી રહ્યાં છે ત્યારે ત્યાં કંપનીનાં અધિકારીઓ તથા અન્ય સરકારી ચેકીંગ આવવાની પણ શકયતા જાવાઈ રહી છે.

error: Content is protected !!