પોલીસ અને સરકારની નજરથી બચી પોતાના ગેરકાયદેસર ધંધા ચલાવવા માટે આજકાલ બે નંબરીયાઓ અને બુટલેગરો દ્વારા નિત નવા હથકંડા અપનાવવામાં આવતા હોય છે. નશીલા પદાર્થ રૂપી દારૂ અને બિયર જેવા કેફી પીણાની હેરાફેરી માટે બુટલેગરો પણ નવા નવા પેતરાં શોધતા હોય છે. ત્યારે તાજેતરમાં જ પ્રકાશમાં એક આવો અજીબો ગરીબ કિસ્સો ઓખા રેલવે સ્ટેશન ઉપર જોવા મળ્યો કે જયાં મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન ઉપરથી ઓખા સ્ટેશન ઉપર આવેલ એક માલગાડીમાં ૪૮ બોક્સમાં ભરેલા બિયર સાથે પોરબંદરના બુટલેગરને રંગે હાથ રેલવે પોલીસે ઝડપી લીધો હતો.
ઓખા રેલવે સ્ટેશન ઉપર મેડિકલ ગુડ્સના નામે બુક કરાયેલા ૪૮ પાર્સલ બોક્સ ઉતારવામાં આવ્યા હતાં, પાર્સલને ધ્યાનથી જોતા રેલવે પોલીસકર્મીને શંકાસ્પદ હોય તેમ જણાતાં તે તમામ પાર્સલની તપાસ હાથ ધરી હતી, ત્યારે તપાસ દરમ્યાન તેમાંથી ૨૨૮૩ નંગ બિયરના ટીન મળી આવ્યા હતાં. પરંતુ આ મુદ્દામાલ ક્યાંથી આવ્યો છે અને તેની ડિલિવરી કોણ લેવા આવે છે તેની ઊંડાણ પૂર્વક ચકાસણી કરવા માટે છટકું ગોઠવવામાં આવ્યુ હતું ત્યારે પોરબંદરના ખાટકી વાસમાં રહેતો આસીફ ઈકબાલ મહંમદ કાસમાણી નામનો એક બુટલેગર બોલેરો જીપ લઈને ત્યાં આવ્યો હતો અને મેડીકલના નામે પકડાયેલા ૪૮ પાર્સલ સ્ટેશન ઉપરથી છોડાવી પોતાની જીપમાં મુકવા જતી વેળાએ છટકું ગોઠવીને વોચ રાખીને બેસેલા રેલવે પોલીસ અધિકારીઓ સહિત ફરજ ઉપરના સ્ટાફે ડિલિવરી લેવા આવેલા આરોપીને સમગ્ર મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી લીધો હતો. જેમાં ૨૨૮૩ નંગ બિયરના ટીન કુલ કિંમત ૨,૨૮,૩૦૦ સાથે આરોપીની બોલેરો ગાડી અને મોબાઈલ સહિત કુલ ૬,૩૦,૮૦૦ની રકમનો મુદ્દામાલ રંગે હાથ પકડી પાડેલ. ત્યારે મુંબઇથી અસગર નામના વ્યક્તિએ પાર્સલ મોકલ્યું હોવાનું અને કેશોદના વતની ભરત પટેલ નામના વ્યક્તિના નામે પાર્સલ નોંધાયેલ હોવાનું બહાર આવતા રેલવે પોલીસે ઉપરોક્ત બન્નેય ગુનેગારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે મેડીકલના નામે બિયર કૌભાંડ મામલે જામનગર રેલવે પોલીસ સ્ટાફ સહિત ઓખા રેલવે પોલીસ દ્વારા ગુડ્સ ટ્રેનમાં ચાલતા બિયર સપ્લાયના ગોરખધંધાનો પર્દાફાશ કરી કેફી પદાર્થોના હેરાફેરીનું સફળ ઓપરેશન પાર પાડ્યું હતું, જેમાં પીએસઆઈ જાડેજા સહિત હેડ કોન્સ્ટેબલ અમિત પરબતભાઈ, ભરતસિંહ હનુભા, ભરત વિજાણંદભાઈ, લાલજીભાઈ ધીરાભાઈ સહિતનાઓએ ઓપરેશન સફળ બનાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews