Thursday, January 21

ગુજરાતમાં ખાનગી ટ્રાવેલ્સના પૈડા થંભ્યા, નોનયુઝ બસનો ટેકસ દેવાનો જબ્બર વિરોધ


લોકડાઉનના કારણે સરકારી અને ખાનગી બસોના પરિવહન ઉપર બ્રેક મારી દેવામાં આવી હતી જે લોકડાઉન-૪માં છુટછાટ આપવામાં આવી હતી. હાલ ૫માં લોકડાઉનમાં ખાનગી બસને પણ કેટલીક શરતોને આધીન છુટછાટ આપવામાં આવી છે. પરંતુ ખાનગી બસને ૫૦ ટકા મુસાફરો સાથે બસ ચલાવવી પોસાઈ તેમ ન હોય તેમજ ગુજરાત સરકાર દ્વારા નોનયુઝ બસ ઉપર પણ ટેકસ ઉઘરાવવાનો નિર્ણય કરતા સમગ્ર ગુજરાત રાજયમાંથી બસઓપરેટરોમાંથી વિરોધ વંટોળ ઉઠવા પામ્યો છે અને તમામ ખાનગી બસોના પૈડા થંભાવી અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કોવિડ-૧૯ના કારણે ટ્રાવેર્લ્સની બસોનાં વ્યવસાયને થયેલ માઠી અસર થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૦ લાખ કરોડ રૂપિયાની સહાયની જાહેરાત દેશના નાગરિકો તથા ઉદ્યોગોને આર્થિક મદદ મળે તે અર્થે કરવામાં આવી છે. પરંતુ અમારો વ્યવસાય તેમાંથી વંચિત રહી ગયો હોય તેવું અમને લાગી રહ્યું છે. અત્યારના સંજોગોમાં ધ્યાનમાં લઈને આગામી ડિસેમ્બર ૨૦૨૦ સુધી પબ્લીક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ રાબેતા મુજબ થાય તેવા કોઈ સંજોગો જણાતા નથી. આવા સંજોગોમાં અમારો વ્યવસાય મૃતઃપ્રાય પરિસ્થિતિમાં ધકેલાઈ જશે અને તેનાથી અસંખ્ય બેકારીનો વ્યાપ વધશે. અગાઉ પણ આ બાબતે રજૂઆત કરી હોય પરંતુ આજદિન સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય સરકાર કે ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલ ન હોય તથા સરકારની ૫૦ની ગાઈડલાઈન મુજબ અમુક સમય મર્યાદાની છૂટછાટ તથા બસોની સીટીંગ કેપેસીટીના ૫૦% મુસાફરોનું વહન કરી શકીએ તેવા નિયમો સાથે ચાલવું અમારા માટે અશકય છે. જૂન માસ માટે અંદાજીત ૧૦,૦૦૦થી પણ વધારે બસો ગુજરાતભરમાંથી નોનયુઝ મૂકવામાં આવેલ છે તે ગુજરાતનાં સ્થાનિક આરટીઓ દ્વારા મંજૂર રાખવામાં આવે તે અર્થે અખીલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળ દ્વારા વિડિયો કોન્ફરન્સથી કારોબારી સભ્યોની મિટીંગ યોજવામાં આવેલ હતી જે મીટીંગમાં વિચાર વિમર્શ કર્યા બાદ સર્વાનુમતે નકકી કરવામાં આવેલ છે કે ગુજરાત રાજયની તમામ નાની મોટી પેસેન્જર ખાનગી બસો અનિશ્ચિત સમય માટે બંધ રાખવામાં આવશે અને જો ટૂંક સમયમાં અમારી માંગણીઓને સરકાર ધ્યાને નહીં લે તો ગુજરાતમાં ચાલતી કંપની બસ, સ્કૂલ બસ અને મેડીકલ લાઈનમાં ચાલતી તમામ બસો આ બંધમાં જોડાશે તેવો નિર્ણય લેવામાં આવેલ છે. વાહન સંચાલક મંડળ દ્વારા કરેલ રજૂઆતમાં માંગણી કરી છે કે આ ઉદ્યોગને લોકડાઉન ખૂલ્યા પછી એટલે કે જયારથી પેસેન્જર વાહન ચલાવવાની સરકાર તરફથી પરવાનગી મળે તે પછીથી ૬ માસ સુધી આરટીઓ તમામ ટેકસ એસજીએસટીમાંથી મુકિત આપવી તદુપરાંત પ્રોપર્ટી ટેકસ અને રાજયના ધોરીમાર્ગો ઉપર લાગું પાડવામાં આવેલ ટોલ ટેકસમાં માફી આપવામાં આવે. પેસેન્જર વાહનોને જુન ૨૦૨૦નો નોન યુઝ મૂકવા એડવાન્સ ટેકસમાંથી મુકિત આપવામાં આવે. જયારે લોકડાઉનનો સમયગાળો પૂરા થાય પછી અમારા વાહનો શરૂ કરતી વખતે મેઈન્ટેનન્સ, કરવા માટે વાહન દીઠ રૂપિયા ૩૫,૦૦૦ની આર્થિક સહાય સરકાર દ્વારા આપવામાં આવે. આ ટ્રાવેર્લ્સ ઉદ્યોગને ફરી રનીંગ કરવા વાહન દીઠ ૧,૦૦,૦૦૦ સુધીની વગર વ્યાજે લોન આપવામાં આવે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને બેંકોને ધિરાણના રીપેમેન્ટ ઉપર ૬ મહિના માટે મુકિતના આદેશ આપવામાં આવે તેમજ આ મુકિતના સમયમર્યાદા દરમ્યાન ધીરાણ ઉપરનું વ્યાજ પણ માફ કરવાની માંગણી કરવામાં આવી છે. સંપૂર્ણ લોકડાઉન સમય દરમ્યાન બ્રેક ડાઉન રહેલી લકઝરી બસો માટેના દિવસો + બીજા પંદર દિવસ માટે વીમાના સમયમાં વધારાના પ્રીમિયમ ભર્યા વગર એકસટેન્શન મળવું જોઈએ તવી રજૂઆત સરકારમાં કરવામાં આવી છે. સરકાર નોનયુઝ બસનો ટેકસ ઉઘરાવી અન્યાય કરે છે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખાનગી બસો જે નોનયુઝ છે તેનું રજીસ્ટ્રેશન તા.૯ જુન સુધીમાં કરી દેવામાં આવે અને તા.૨૫ જૂન સુધીમાં નોનયુઝ બસનો ટેકસ ભરવામાં આવે પરંતુ જે નોનયુઝ બસ છે. જે ચાલવાની જ નથી તો તેની આવક થવાની નથી તે પછી એડવાન્સ ટેકસ કઈ રીતે ચૂકવવો, લકઝરી જે સ્લીપર બસ છે તેનો ૩૬૦૦૦, ૨/૩ સીટીંગના ૧૮૦૦૦ અને  ૨/૨ના ૨૦,૫૦૦ ટેકસ ચૂકવવામાં આવે છે. તો બસ ચાલુ થયા વગર કેમ ટેકસ ચૂકવવો આ બાબતે યોગ્ય કરવા સરકારમાં રજૂઆત કરાઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!