વેરાવળ-સોમનાથ જોડીયા શહેરમાં કોરોનાના લોકડાઉનના સમયગાળા દરમ્યાન નગરપાલીકા તંત્રએ વરસાદી પાણી ભરાય નહીં તે માટે પ્રીમોન્સુનની સઘન કામગીરી હાથ ધરી ગટરોમાંથી ૧૫૦૦ મેટ્રીક ટન જેટલો કાદવ-કીચડનો નિકાલ કર્યો છે. ચોમાસાની સીઝનને લઇ નગરપાલીકા કચેરીમાં કન્ટ્રોલરૂમ પણ શરૂ કરી દેવાયેલ છે.
જોડીયા શહેરમાં પાલીકા તંત્રએ કરેલ સફાઇ કામગીરી અંગે ચીફ ઓફીસર જતીનભાઇ મહેતાએ જણાવેલ કે, આગામી ચોમાસા દરમ્યાન શહેરના કોઇપણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાય નહીં અને લોકોને શકય તેટલી મુશ્કેલી ન પડે તે હેતુસર આયોજન ઘડી બે માસ પૂર્વે જ પ્રીમોન્સુનની સઘન કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. છેલ્લા બે માસમાં લોકડાઉન ચાલતુ હોવાના કારણે શહેરમાં સઘન સફાઇ અને ગટર સફાઇની કામગીરી ઝડપી રીતે કરવામાં આવી છે. જોડીયા શહેરની મુખ્ય ગટરોમાં ભરાયેલ કદડાની સફાઇ સાથે જે નાળાઓ થકી વરસાદી પાણીના નિકાલ થાય છે તેવા તમામ નાળાઓની સંપૂર્ણ સફાઇ કરાઇ છે. શહેરની મુખ્ય ગટરો જેવી કે ડાભોર રોડની ગટર, ૮૦ ફુટથી બજરંગ સોસાયટીની ગટર, પ્રભાસપાટણમાં ડોસીઆમ વિસ્તારની ગટર, શાંતિનગરની ગટર, સટ્ટાબજાર, લાબેલા વિસ્તારની ગટરો, ભીડીયા વિસ્તારમાં પણ ગટરોની તળીયા ઝાટક સફાઇ કરાવવામાં આવી છે. અંદાજે ૧૫૦૦ મેટ્રીક ટન જેટલો કાદવ-કીચડ, પ્લાસ્ટીકનો નિકાલ કરાયેલ છે. જોડીયા શહેરમાં છેલ્લા બે માસમાં નિયમિત સેનીટાઇઝીંગ તથા જંતુનાશક દવા છંટકાવની કામગીરી પણ કરાયેલ છે. હાલ શહેરીજનો અપાતું પીવાનું પાણી પણ કલોરીનયુકત કર્યા બાદ સપ્લાય કરવામાં આવી રહેલ છે. આગામી ચોમાસામાં જંતુનાશક પાઉડરના છંટકાવની જરૂરીયાતને ધ્યાને લઇ પર્યાપ્ત માત્રામાં જથ્થો પણ સ્ટોસક કરાયેલ છે. ચોમાસા દરમ્યાન વરસાદી પાણીના નિકાલમાં ઉપયોગી એવા ડી-વોટરીંગ પંમ્પો સર્વીસ કરી ચાલુ હાલતમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે. શહેરમાં કોઇ પણ જગ્યાએ ઝાડ પડે તો તેને તાત્કાલીક હટાવવા માટે ટ્રી-કટર તથા જેસીબી મશીન પણ રાખેલ છે. આ ઉપરાંત ખાસ ચોમાસાની સીઝન દરમ્યાન જોડીયા શહેરની નાની ગટરો કાયમી તળીયા ઝાટક રહે તે માટે નિયમિત સફાઇ કરાવતા રહેવા જે તે વિસ્તારના મુકાદમોને ખાસ માર્ગદર્શન સાથે તાકીદ કરાયેલ છે. ચોમાસા દરમ્યાન નગરપાલીકાની સફાઇ સહિતની ખાસ ટીમો રાઉન્ડ ધ કલોક કામગીરી માટે ખડેપગે રહે તે માટે આયોજન હાથ ધરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews