કોરોના મહામારીને પગલે લોકડાઉનને લીધે સમગ્ર સરકારી તંત્રની કામગીરી ઠપ થઈ ગયા બાદ હવે અનલોક-૧મા પુનઃ તંત્ર ધબકતું થઈ રહ્યું છે. ત્યારે વિકાસના કામો પણ ફરીથી ધમધોકાર શરૂ થાય તેવા પ્રયાસો પણ સરકાર દ્વારા આરંભી દેવાયા છે. જેના ભાગરૂપે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ યોજના આવાસ યોજના માટેના વિકાસ કામો માટે સુરતમાં તથા રાજયના અન્ય જિલ્લામાં જીઆઈડીસીને તથા ઉર્જા વિભાગ સહિતને વિકાસના કામો માટે હજારો ચો.મીટર જમીનની ફાળવણી મંજુર કરી હતી. મુખ્યમંત્રીએ કોરોનાના આ કાળમાં પણ વિકાસની ગતિ અટકે નહી અને આંતરમાળખાકીય સુવિધા સાથોસાથ આવાસ, ઉર્જા, ઉદ્યોગના કામો પણ ત્વરાએ હાથ ધરી રાજયની વિકાસયાત્રાને પૂર્વવત વેગવાન બનાવવાના ઉદાત ભાવથી એક જ દિવસમાં રાજયમાં મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પ૦૮૭પ ચોરસ મીટર જમીન સુરત મહાનગરમાં ફાળવી છે. એટલું જ નહીં, કચ્છના રાપર તાલુકાના ચિત્રોડમાં ઔદ્યોગિક વસાહત માટે ૭ લાખ પ૦ હજાર ચોરસ મીટર જમીન જીઆઈડીસીને ફાળવવાનો પણ નિર્ણય તેમણે કર્યો છે. જયારે ઉત્તર ગુજરાત મોડાસા-અરવલ્લીમાં અને દક્ષિણ ગુજરાતના નવસારીમાં ગ્રામીણ ક્ષેત્રોમાં વીજ પુરવઠો અસરકારક અને સતત પહોંચાડવા બે સબ સ્ટેશન્સ માટે કુલ મળીને ૪૯૯૦૦ ચો.મીટર જમીન ગુજરાત એનર્જિ ટ્રાન્સમિશન લિમિટેડ જેટકોને આપવાનો પણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ શહેરી ક્ષેત્રો અને નગરો-ગામોના વિવિધ વિકાસ કામો માટે જે જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે તેમાં, સુરત મહાનગરપાલિકાના પાંચ અલગ અલગ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત પીપીપી ધોરણે આવાસ નિર્માણ માટે જમીન ફાળવણી કરી છે. તેમણે સુરત મહાનગરપાલિકા બહારના વિસ્તારોમાં એટલે કે આઉટગ્રોથ વિસ્તારોના નાગરિકો માટે ભૌતિક આંતરમાળખાકીય સુવિધા વૃદ્ધિના કામો માટે રૂ.૩ર,૯૯ કરોડના કામો પણ મંજુર કર્યા છે. મુખ્યમંત્રીએ સરહદી વિસ્તાર કચ્છના રાપર તાલુકાના ચિત્રોડમાં ઉદ્યોગોની સ્થાપના દ્વારા આ અંતરિયાળ વિસ્તારમાં રોજગારી અને આર્થિક આધાર મળી રહે તેવી નેમ સાથે ચિત્રોડના સર્વે નંબર ૭૧૪ પૈકીની ૭ લાખ પ૦ હજાર ચોરસ મીટર જમીન ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ-જીઆઈડીસી ભુજને આપવાનો પણ નિર્ણય લીધો છે. આ ઉપરાંત બે નવરચિત જિલ્લા અરવલ્લી અને નવસારીના ગ્રામીણ વિસ્તારોમાં વીજ પુરવઠો સરળતાએ પહોંચાડવાના હેતુથી બે સબસ્ટેશન્સ નિર્માણ માટે પણ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકોને જમીન ફાળવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews