ધો.૧૦નું ૬૦.૬૪ ટકા પરીણામ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછું

0

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધો. ૧૦નું પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે.
ધો. ૧૦નું પરિણામ ૬૦.૬૪ ટકા આવ્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં ૬ ટકા નીચું પરિણામ આવ્યું છે. તેમજ છેલ્લા પાંચ વર્ષનું ઓછું પરીણામ નોંધાયું છે.
ધો. ૧૦ની પરીક્ષા ૯૩૧ પેટા કેન્દ્રો ઉપર લેવાયેલ. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ ૭,૯૨,૯૪૨ જેનું પરિણામ ૬૦.૬૪% આવ્યું છે. જ્યારે પુનરાવર્તિત ૨,૧૨,૩૩૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જેનું પરિણામ ૯.૧૦% આવ્યું છે જ્યારે ખાનગી અને એક્ષ્ટર્નલમાં કુલ ૧૭,૧૭૮ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેનું પરિણામ ૬.૧૨% આવ્યું છે. નિયમિત, પુનરાવર્તિત અને એક્ષ્ટર્નલ વિદ્યાર્થીઓનું પરિણામ ગત વર્ષ ૨૦૧૯ની સરખામણીમાં ૩ થી ૬% નીચું આવ્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર થયેલ ધો. ૧૦ના પરિણામમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં વધુ પરિણામ મેળવતુ કેન્દ્ર સપ્રેડા (બનાસકાંઠા જિલ્લો)નું ૯૪.૭૮% આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતુ કેન્દ્ર દાહોદ જિલ્લાનું રૂવાબારીનું કેન્દ્ર ૧૪.૦૯ ટકા આવ્યું છે. જ્યારે સુરત જિલ્લો ૭૪.૬૬% સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં ટોચ ઉપર છે. ત્યારે દાહોદ જિલ્લો ૪૭.૪૭% સાથે ઓછું પરિણામ મેળવ્યું છે.
ધો. ૧૦ના પરિણામમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૦૦% પરિણામ મેળવતી શાળાઓની સંખ્યા ગત વર્ષની સરખામણીમાં ઘણી ઓછી આવી છે. ૨૦૧૯માં ૧૦૦% પરિણામ મેળવતી શાળાઓ ૩૬૬ હતી. જ્યારે ૨૦૨૦માં ૧૦૦% પરિણામ મેળવતી શાળાઓ ૨૯૧ છે. ૩૦% કરતા ઓછું મેળવતી શાળાઓ ૧૮૩૯ છે. ૦% પરિણામ મેળવતી શાળાઓની સંખ્યા ૧૭૪ છે. ધો. ૧૦માં છ-૧ ગ્રેડ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૧૯માં ૪૯૭૪ હતી. જે ૨૦૨૦માં ૧૬૭૧ થઇ છે. છ-૨ ગ્રેડમાં ૨૩,૭૫૪ તેમજ મ્-૧ ગ્રેડમાં ૫૮,૧૨૮ તેમજ મ્-૨ ગ્રેડમાં ૧,૦૫,૯૯૧ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
ધો. ૧૦માં અંગ્રેજી માધ્યમનું પરિણામ ૮૬.૭૫% આવ્યું છે. જ્યારે ગુજરાતી માધ્યમની પરિણામ ૫૭.૫૪% આવ્યું છે.
આ વર્ષે કોવિડ-૧૯ કોરોના વાયરસથી ઉદ્બવેલ અત્યંત કઠીન પરિસ્થિતિમાં પણ શિક્ષક ભાઈ-બહેનોએ કરેલ ઉત્તરવહી-મૂલ્યાંકનની કામગીરી તથા મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રના નિયામકો તેમના સ્ટાફ અને બોર્ડના અધિકારી – કર્મચારીઓના અથાગ પ્રયત્નોને કારણે પરિણામ તૈયાર કરવાની કામગીરી પુર્ણ થયેલ છે.
પરીક્ષામાં કુલ ૮૦૪૨૬૮ નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી ૭૯૨૯૪૨ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને ૪,૮૦,૮૪૫ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત ઉમેદવારોનું પરિણામ ૬૦.૬૪ ટકા જાહેર કરવામાં આવે છે. જયારે રિપીટર ઉમેદવાર તરીકે ૨૨૦૯૩૧ ઉમેદવારો નોંધાયા હતા તે પૈકી ૨૧૨૩૩૮ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી ૧૯૩૧૩ ઉમેદવારો સફળ થતાં તેઓનું પરિણામ ૯.૧૦ ટકા આવ્યું છે. આ ઉપરાંત ખાનગી ઉમેદવાર તરીકે નોંધાયેલ કુલ ૧૯૫૩૦ ઉમેદવારો પૈકી ૧૭૧૭૮ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી ૧૦૫૧ ઉમેદવારો પ્રમાણપત્રને પાત્ર બનેલ છે, તેઓનું પરિણામ ૬.૧૨ ટકા આવેલ છે.

error: Content is protected !!