સોમનાથ-કોડીનાર નેશનલ હાઇવેનું કામ વેગવંતુ બન્યું

0

લાંબા સમયથી અનેક કારણોસર ખોરંભાયેલ સોમનાથ-કોડીનાર વચ્ચેનાં ૪૧ કીમીની નેશનલ હાઇવેની કામગીરી વેગવંતી બનતા વાહનચાલકોને પડી રહેલ મુશ્કેલીમાં ઘણી રાહત મળી રહી છે. સંભવતઃ આવતા વર્ષ સુધીમાં આ હાઇવેની કામગીરી પુર્ણ થતા સોમનાથ આવતા પ્રવાસીઓને ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારના ડ્રીમ હાઇવે પ્રોજેકટમાંનાં એક એવા સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવેનું કામ ચાલી રહયુ છે. જેમાં સોમનાથથી કોડીનારને જોડતા ૪૧ કીમી હાઇવેનું કામ અનેક કારણોસર ઉદભવેલ મુશ્કેલીના લીધે ખોરંભાય ગયું હોવાથી બિસ્માર હાઇવેના લીધે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહયા હતા. જેને ધ્યાને લઇ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશ અને સ્થાનીક તંત્રએ રસ લઇ મુશ્કેલીઓ દુર કરાવી દેતા ઘણા દિવસોથી ખોરંભાયેલ હાઇવેનું કામ વેગવંતુ બની ગયુ છે. આ ૪૧ કીમીના હાઇવેનું કામ કરી રહેલ એજન્સીનાં અધિકારી સુનીલના જણાવ્યા મુજબ સ્થાનીક તંત્રે અમુક જમીન અધિગ્રહણના કિસ્સા ઉકેલવા સક્રીય હોવાથી હાઇવેનું કામ ઝડપભેર ચાલી રહયુ છે. હાઇવેના કામમાં પ્રાંચી બાયપાસનું ૩.૫ કીમીનું, ગોરખમઢી બાયપાસનું ૨ કીમી, કાજલી બાયપાસનું ૧ કીમી, કોડીનારનું ૭ કીમી મળી અંદાજીત ૨૦ કીમી જેવું કામ પુર્ણ થઇ ચુકયુ છે. આ હાઇવેમાં અનેક મોટા બ્રીજ આવતા હોય જેનું કામ પણ ટુંક સમયમાં શરૂ થશે. આ હાઇવે દેશનો પ્રથમ નેશનલ સીસી હાઇવે બની રહેલ છે. સંભવતઃ આગામી વર્ષના મધ્ય સુધીમાં બાકી રહેતુ હાઇવેનું કામ પણ પુર્ણ થઇ જવાની આશા છે. સીસી નેશનલ હાઇવે બની ગયા બાદ યાત્રાધામ સોમનાથ, સાસણ અને દિવ આવતા દેશ-વિદેશના પર્યટકો, સ્થાનીક ઉદ્યોગો, વેપારીઓ, ખેડુતો, લોકોને ખાસો ફાયદો થશે. અત્રે નોંધનીય છે કે, સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે સીસી બનાવવા પાછળ આગામી દિવસોમાં સોમનાથ-સાસણગીર અને દિવ વિસ્તારને વિશ્વમાં પર્યટનક્ષેત્રેનું હબ બનાવવાનો છે. આ સાથે આ હાઇવે મત્સ્યોદ્યોગના હબ એવા વેરાવળ બંદરને પીપાવાવ પોર્ટ સાથે જોડતો હોવા ઉપરાંત આ વિસ્તારમાં કાર્યરત અંબુજા, સિધ્ધી, જીએચસીએલ, રેયોન જેવા મોટા ઉદ્યોગોને પણ જોડતો હોવાથી ઉદ્યોગો મોટાપ્રમાણમાં વિકસી શકે તેમજ સ્થાનીક રોજગારી પણ વધારવાનો હોવાનું જાણકારો જણાવી રહેલ છે. જેથી આગામી વર્ષોમાં આ હાઇવે ગીર સોમનાથના વિસ્તારના વેપારશ્રેત્રે માટે પાયાનો પથ્થર બની રહેશે તેવું નિષ્ણાંતો કહી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!