ગુજરાતમાં સિંહોની સંખ્યા ૬૭૪ : ર૯ ટકાનો વધારો

0

ગુજરાતમાં સિંહોની સંખ્યામાં ૨૯ ટકાનો જબ્બર વધારો થયો છે અને ગીર અને તેની આસપાસના જંગલોમાં ૬૭૪ જેટલા સિંહો વસવાટ કરતા હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં પૂનમ અવલોકન દ્વારા સિંહોની ગણતરીનું કામકાજ હાથ ધરવામાં આવ્યુ હતુ જે દરમ્યાન આ વિગત બહાર આવી છે. અત્રે એ નોંધનીય છે કે કોરોનાને કારણે સિંહોની દર પાંચ વર્ષે થતી અધિકૃત વસ્તી ગણતરી કરવાનું કામ હાલ થંભાવી દેવામાં આવ્યું છે પરંતુ વન વિભાગ દ્વારા તા.૫ અને ૬ જૂનના રોજ સિંહોની ગણતરી કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન એવુ જણાયું હતુ કે, કુલ ૬૭૪ સિંહ વસવાટ કરી રહ્યા છે. મે ૨૦૧૫માં સિંહોની જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવી હતી ત્યારે કુલ સંખ્યા ૫૨૩ નોંધવામાં આવી હતી તેમા હવે ૧૫૧ સિંહોનો વધારો થયો છે. આ અંગેનો સત્તાવાર આંકડો ટૂંક સમયમાં બહાર પાડવામાં આવે તેવી શકયતા છે. ર૦૧૫ની સાલમાં ૨૨૦૦૦ ચોરસ કીલોમીટરના વિસ્તારમાં સિંહો વસવાટ કરતા હતા જયારે હવે તેમા ૩૬ ટકાનો વધારો થયો છે અને સિંહોના વસવાટનો વિસ્તાર ૩૦૦૦૦ ચો.કિ.મીનો થયો છે. બિનસત્તાવાર માહિતી મુજબ સિંહોની વસ્તી ૧૦૦૦ને વટાવી ગઈ છે, રાજ્યમાં હાલ ૧૫૯ સિંહ અને ૨૬૨ સિંહણ છે. ૧૯૯૦માં ૯૯ સિંહ હતા અને ૯૫ સિંહણ હતી. જ્યારે ૨૦૧૫માં ૧૦૯ સિંહ અને ૨૦૧ સિંહણ હતી. જ્યારે ૨૦૨૦માં ૧૫૯ સિંહ, ૨૬૨ સિંહણ, બાળ વનરાજોની સંખ્યા ૧૩૮ છે. ૧૯૯૦માં જંગલમાં ૨૮૪ વનરાજો હતા અને તે વધીને હવે ૬૭૪ થયા છે.

error: Content is protected !!