વેરાવળ તાલુકાના બોળાસ ગામે આવેલ રાષ્ટ્રીય સરકારી શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં ચાલતી લાલીયાવાડીની ચોંકાવનારી હકકીત તાજેતરમાં જાહેર થયેલા ધો.૧૦ ના પરીણામ બાદ સામે આવી છે. જેમાં શાળામાં ગણિત-વિજ્ઞાનના શિક્ષક છ મહિનાથી ગેરહાજર હોવાથી ધો.૧૦ ના ૫૪ વિદ્યાર્થીઓ પૈકી ૩૬ વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાનમાં નાપાસ થયા છે. જેને જાગૃત વાલીઓ દ્વારા ગીર સોમનાથ જીલ્લા શિક્ષણાધિકારીને લેખીત ફરીયાદ કરી જવાબદારો સામે પગલા ભરવા માંગણી કરી છે. તો આ ચોંકાવનારા ખુલાસા બાદ જીલ્લા શિક્ષણ વિભાગે તટસ્થ તપાસ કરાવવામાં આવશે તેવી જાહેરાત કરી બચાવની ભૂમિકામાં આવ્યું છે. ગીર સોમનાથ જીલ્લામાં શિક્ષણની વરવી વાસ્તવિકતા રજૂ કરતો ચોંકાવનારો કિસ્સો જીલ્લા મથક વેરાવળ તાલુકાના બોળાસ ગામની રાષ્ટ્રીય સરકારી શાળાનું ધો.૧૦ નું આવેલ પરીણામ ઉપરથી પ્રતિત થાય છે અને વાસ્તવમાં વિદ્યાર્થીઓની સાથે ગીર સોમનાથ જીલ્લાનું શિક્ષણ વિભાગ પણ નાપાસ થયું હોય તેવો અહેસાસ શિક્ષણવિદો કરી રહયા છે. આ અંગે વાલી નિલેશ મકવાણાના જણાવ્યાં મુજબ તાજેતરમાં અમારા ગામની રાષ્ટ્રીય સરકારી માધ્યમિક શાળાનું ધો.૧૦નું પરીણામ આવેલ હતું. જેમાં શાળામાં ધો.૧૦ માં અભ્યાસ કરતા ૫૪ વિદ્યાર્થીઓ પૈકી ૩૬ વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાન વિષયમાં નાપાસ થયા છે. આ પરીણામ અંગે શાળામાં રૂબરૂ જઇ તપાસ કરી તો શાળામાં ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષક છેલ્લા છ માસથી ગેરહાજર હોય વિદ્યાર્થીઓને છ માસથી કોઇએ બંન્ને વિષયનો અભ્યાસ જ કરાવેલ ન હોવાની ચોંકાવનારી વિગત જાણવા મળી હતી. બેજવાબદાર શિક્ષણ વિભાગના પાપે જ શાળામાં ધો. ૧૦માં અભ્યાસ કરતા ૩૬ જેટલા વિદ્યાર્થીઓનું ભાવી અધ્ધરતાલ બન્યું હોવાનો આક્ષેપ કરેલ હતો. જયારે નાપાસ થયેલ અજય નામના વિદ્યાર્થીએ પણ અમારી શાળામાં શિક્ષક જ ગેરહાજર હોય તો અમો શિક્ષણ ક્યાંથી મેળવીએ..? અમોએ અનેકવાર શિક્ષકની ગેરહાજરી બાબતે આચાર્યનું ધ્યાન દોરેલ હતું. આ બાબતે શાળાના આચાર્ય અરવિંદભાઈ કરગઠીયાએ જણાવેલ કે, ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકના લગ્ન હોવાથી તેઓ થોડા સમય માટે રજા ઉપર ગયા બાદ લાંબા સમય સુધી હાજર ન થઇ ગેરહાજર રહયા હતા. જે બાબતે સમયાંતરે ઉચ્ચકક્ષાએ જાણ કરવામાં આવી હતી. તો બીજી તરફ ગીર સોમનાથ જીલ્લા શિક્ષણધિકારી બી.એસ. કૈલાએ બોળાસની શાળાના પરીણામ બાબતે વાલીની ફરીયાદ મળી છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે. જેનો રીપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવો બચાવ કરેલ હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews