વેરાવળમાં કોરોના પોઝીટીવ આવેલા બે તબીબો અને કમ્પાઉન્ડરના કોન્ટેકટમાં ૪૫૦થી વધુ લોકો આવ્યાં ?

0

વેરાવળમાં કોરોના પોઝીટીવ આવેલા બે તબીબ અને એક કમ્પાઉન્ડરના કોન્ટેકટમાં આવેલા લોકોની માહિતી મેળવવા આરોગ્ય વિભાગે કામગીરી હાથ ધરી હતી. જેમાં પોઝીટીવ આવેલા બંન્ને તબીબ અને કમ્પાઉન્ડરના કોન્ટેકટમાં ૪૫૦થી વધુ લોકો આવેલા હોવાનો ચોંકાવનારી વિગત સામે આવી છે. આ વિગતના આધારે આરોગ્ય વિભાગે ૪૫૦ લોકોનો કોન્ટેકટ કરવાનું શરૂ કરી તમામને હોમ કોરોન્ટાઇન રહેવા સુચના આપવાની કામગીરી શરૂ કરી છે. આ ૪૫૦ લોકોના આરોગ્યની આગામી ૧૪ દિવસ સુધી સતત તપાસ કરવામાં આવશે. તો આ સાથે ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશે કન્ટેન્મેન્ટ અને બફરઝોન જાહેર કરવા તેમને મળેલ સત્તાની રૂએ પ્રતિબંધાત્મક આદેશ કરેલ છે. જેમાં આઈ.જી. મેમોરીયલ હોસ્પિટલનું બિલ્ડીંગ, ૮૦ ફૂટ રોડ વિસ્તારમાં આવેલ શ્રીરામ સોસાયટી, શિવમ મંડપ તથા પ્રિન્સ મોટર સ્કુલથી ડો.ધનશાણી તથા ભીખાલાલ સોનીના મકાનનો વિસ્તાર, ડાભોર રોડ ઉપર આવેલ શ્રીપાલ સોસાયટીમાં અશોક કનોજીયા તથા રસીક ભગવાન સાગાંણીના મકાનથી ઉત્તરે ડો. સીમા તન્ના તથા અનીલ દેવમુરારીના મકાન વચ્ચેના વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ વિસ્તારમાં અંદર કે બહારથી અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારમાં આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખોલવાનો સમય સવારના ૭ થી સાંજના ૭ સુધીનો રહેશે. આ હુકમ તાત્કાલીક અસરથી તા.૩૦-૬-૨૦૨૦ સુધી અમલમાં રહેશે.
આરોગ્ય વિભાગની ટીમોએ કન્ટેન્મેન્ટ ઝોનમાં આવતા ૨૧૪ ઘરોમાં રહેતા ૧૬૬૬ લોકોનાં આરોગ્યની તપાસણી કરી છે. આ સાથે આઇ.જી. મેમોરીયલ હોસ્પીટલને બંધ કરી સેનેટાઇઝ કરવામાં આવી છે. વેરાવળમાં ખાનગી આઇ.જી. હોસ્પીટલના તબીબો પોઝીટીવ આવ્યા બાદ અનેક પ્રશ્નો સાથે ચોંકાવનારી હકકીતો અંગે લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઇ છે. જે મુજબ કોરોનાના સમયમાં બહારના તબીબોનો કેમ્પ કઇ રીતે યોજાયો ? રાજકોટથી આવેલા તબીબો શનિવારે રાજકોટમાં કોરોના પોઝીટીવ આવ્યા બાદ પણ સતર્કતાના ભાગરૂપે સ્થાનીક તંત્રએ વેરાવળની ખાનગી હોસ્પીટલમાં ઓપીડી કેમ બંધ ન કરાવી ? આવા અનેક સવાલો લોકોમાં ચર્ચાય રહેલ છે. તંત્રની આવી બેદરકારીના કારણે સ્થાનીક લોકોમાં ભયની લાગણી પ્રસરી છે.

error: Content is protected !!