જૂનાગઢ શહેરના પત્રકાર સાગરભાઈ ઠાકરને દિલ્હી ખાતેના પત્રકાર દ્વારા માહિતી મળેલ કે, દિલ્હીના આચાર્ય ઋષિદેવજીને જૂનાગઢમાં કોઈ અજાણ્યા શખ્સોએ નશીલા પદાર્થ કે ઝેર પાઈને લૂંટી લેવાની કોશિશ કરવામાં આવેલ છે. જૂનાગઢ અને આસપાસના લોકોને તેઓને તાત્કાલિક સહાયતા કરવા વિનંતી કરીને આ પોસ્ટમાં વેદ ઋષિ, બ્લોક નં. ૫૪/૫૫, પૃથ્વી પાર્ક ૦૨, મીરાનગર, જૂનાગઢનું સરનામું લખવામાં આવેલ હતું. આ અંગેની જાણ સાગરભાઈએ જૂનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને કરી હતી. વોટ્સએપ પોસ્ટમાં જણાવેલ બાબતની ગંભીરતાને ધ્યાને લઇ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા આ બાબતે તાત્કાલિક તપાસ હાથ ધરવા સુચનાઓ અપાતા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ એન.કે.વાજા, હે.કો. મેહુલભાઈ, દેવાભાઈ, કનકસિંહ, કમાન્ડો જીજ્ઞેશભાઈ, સહિતની ટીમ દ્વારા તાત્કાલિક જણાવેલ સરનામે તપાસ હાથ ધરવામાં આવતા આ મકાનમાં વેદ ઋષિ નામનો માણસ તેમના પિતા મારૂતિ પવાર તેમની બહેન લક્ષ્મીબેન અને ડ્રાઈવર આશિષ પવાર હાજર મળી આવેલ હતા. આચાર્ય વેદ ઋષિને જીવિત જોઈને અને તેના પિતા, બહેન અને ડ્રાઈવર હાજર હોય પોલીસે હાશકારો અનુભવેલ હતો.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ એન.કે.વાજા તથા સ્ટાફ દ્વારા આચાર્ય વેદ ઋષિની પૂછપરછ કરવામાં આવતા, પોતે મૂળ મધ્યપ્રદેશના છીંદવાડા જીલ્લાનો રહેવાસી છે અને હાલ દિલ્હીમાં પોતાની પત્ની દયા આર્ય તથા પાંચ વર્ષના પુત્ર વિભુ સાથે રહે છે અને વેદ ઋષિ ડોટ કોમ નામથી ઓન લાઇન બુક સેલ કરવાનું કામ કરે છે. પોતાને પોતાની પત્ની દયા આર્ય સાથે અણબનાવ હોઈ એક વર્ષ પહેલા તેની પત્નીએ દિલ્હી કોર્ટમાં ભરણ પોષણની અરજી દાખલ કરેલ હતી. આચાર્ય વેદ ઋષિને ફેસબુક, વોટ્સએપ સોશ્યલ મીડિયા ઉપર જૂનાગઢની યુવતી સાધના દવે (નામ બદલાવેલ છે.) સાથે સંપર્ક થતા પ્રેમ સંબંધ બંધાયેલ હતો. જૂનાગઢની યુવતીને પણ પોતાના પતિ સાથે અણબનાવ હોઈ તેણીએ આચાર્ય વેદ ઋષિને જૂનાગઢ બોલાવેલ અને મકાન ભાડે રાખી સાથે રહેવાની અને જૂનાગઢ ખાતેથી ઓન લાઇન બુક વહેંચવાનો ધંધો કરવાનું પ્રલોભન આપી આંબા આંબલી દેખાડેલા હતા. આચાર્ય વેદ ઋષિને જૂનાગઢમાં પોતાનો ધંધો પણ ચાલશે અને પોતાને પોતાની પત્ની સાથે અણબનાવ હોઈ પોતાને નવી પત્ની મળશે અને પોતાનું જીવન નિરાંતે જૂનાગઢમાં વિતાવશે તેવું વિચારી પોતાના માણસ રાજુભાઇ સાથે પોતાનો સરસામાન અને ચોપડીઓ લઈને જૂનાગઢમાં આવી ગયેલ હતો. યુવતીએ જૂનાગઢમાં પોતાને આ મકાન પણ ભાડે અપાવેલ હતું પણ ફેસબુકમાં દેખાતા ફોટા, વોટ્સએપ અને મોબાઈલ ફોનમાં થયેલ વાતો અને રૂબરૂ મળ્યા પછી સાક્ષાત અનુભવે યુવતીને આચાર્ય વેદ ઋષિ પ્રત્યે અણગમો થતા યુવતી આ માણસ સાથે રહી શકશે નહીં એવું લાગતા મકાન ભાડે અપાવી અદ્રશ્ય થઈ ગયેલ હતી. આચાર્ય ઋષિ દેવ દ્વારા અવાર નવાર ફોન કરવા છતાં યુવતીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધેલ અને પોતે ઉલમાંથી ચુલમાં પડશે એવું વિચારી આચાર્ય વેદ ઋષિ સાથે બિલકુલ સંપર્ક કાપી નાખેલ હતો. પોતાના માણસ રાજુભાઇ સાથે પણ ચોપડાના હિસાબ બાબતે માથાકૂટ થતા રાજુભાઇ પણ પરત દિલ્હી જતો રહેલ હતો. દરમ્યાન આચાર્ય વેદ ઋષિ જૂનાગઢની યુવતીએ સંપર્ક બંધ કરાતા માનસિક સ્થિતિ બગડી ગયેલ અને ફેસબુક ઉપર પોસ્ટ મૂકી, પોતાને કોઈ અજાણ્યા યુવકોએ નશીલા પદાર્થ અથવા ઝહેર પાઈને લૂંટ કરવાની કોશિશ કર્યા અંગેની પોસ્ટ મુકેલ અને પોતાના પિતાનો સંપર્ક થતા તેના પિતા અને બહેન ડ્રાઈવર આશિષ સાથે તેને લેવા જૂનાગઢ આવી ગયેલ હતા. જૂનાગઢ પોલીસ દ્વારા આચાર્ય દેવ ઋષિ, તેના પિતા, બહેન અને ડ્રાઈવરને ટ્રક ભાડે કરાવવા મદદ કરેલ હતી અને જમવાની તકલીફ હોય તો પોલીસને જાણ કરી સહાનુભૂતિભર્યો વહેવાર કરવામાં આવતા આચાર્ય દેવ ઋષિ અને તેના કુટુંબીજનો ભાવ વિભોર થયેલ હતા. જૂનાગઢ ગુજરાત પોલીસના વહેવારથી પ્રભાવિત થઈ આભાર વ્યક્ત કરેલ અને હાજર તમામ પોલીસ અધિકારીઓ તથા સ્ટાફને વાલ્મિકી રામાયણ, મનુ સ્મૃતિ, જેવા પુસ્તકો આગ્રહપૂર્વક ભેટ આપ્યા હતા. આચાર્ય વેદ ઋષિ અને તેના કુટુંબીજનોએ પોતાના જીવન દરમ્યાન આવી પોલીસ પહેલીવાર જોઈ એવી લાગણી વ્યક્ત કરેલ હતી.