દેવભૂમિ દ્વારકા જિલ્લાનું કલ્યાણપુર મથક ખનીજ ચોરી માટે હવે કુખ્યાત બની રહ્યું છે. કલ્યાણપુર તાલુકામાં અવારનવાર ઝડપાતી ખનીજચોરીમાં સ્થાનિક તંત્રની બેદરકારી તથા ઉદાસીનતા ઉડીને આંખે વળગે તેવી બની રહી છે. આ વચ્ચે ચારેક દિવસ પૂર્વે રાજકોટ રેન્જના આર.આર.સેલ વિભાગ દ્વારા કરોડો રૂપિયાની ખનિજચોરી ઝડપી પાડી, સ્થાનિક તંત્રને ઊંઘતું ઝડપી લેવામાં આવ્યું હતું. કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામ નજીક એક લીઝની જમીનમાંથી નાના-મોટા અને રૂપિયા અઢી કરોડના વાહનો સાથે સાત શખ્સોને ખનીજચોરી કરતા આર.આર.સેલ વિભાગે દરોડો પાડી ઝડપી લીધા હતા. આ સમગ્ર ઓપરેશન દરમ્યાન કલ્યાણપુર પંથકનું પોલીસ તંત્ર તથા સરકારી તંત્ર ઊંઘતું ઝડપાઈ હોય તેમ આટલા મોટા પ્રમાણમાં થઈ રહેલ ખનીજ ચોરી અંગે અનેક સવાલો તથા આક્ષેપો ઊભા થયા હતા. કલ્યાણપુર તાલુકામાં થતી ખનીજચોરીમાં પોલીસ તંત્રની સાંઠગાંઠના આક્ષેપો વચ્ચે આર.આર.સેલના આ દરોડાથી જિલ્લા પોલીસ વડા રોહન આનંદએ આકરૂ વલણ અખત્યાર કરી, કલ્યાણપુરના પીએસઆઈ ઝેડ.એલ.ઓડેદરાને તાત્કાલિક અસરથી કલ્યાણપુર પંથકનો ચાર્જ છોડાવી, તેમને લીવ રિઝર્વમાં મુકી દેવામાં આવ્યા છે. આટલું જ નહીં, પી.એસ.આઈ. ઓડેદરાની તાકીદની અસરથી બદલી કરી, તેમનો ચાર્જ એલ.આઈ.બી.નાં પી.આઈ.વાગડિયાને સોંપી દેવામાં આવ્યો છે. આ સાથે કલ્યાણપુરના સમગ્ર બોકસાઇટ ચોરી પ્રકરણ તથા દરોડાના આ સમગ્ર પ્રકરણની તપાસ ઉચ્ચ અધિકારીઓ તથા અન્ય જિલ્લાની એજન્સીને સોંપવામાં આવી હોવાનું પણ જાણવા મળેલ છે. આમ કલ્યાણપુર તાલુકામાં આર.આર.સેલના દરોડાએ ભૂમાફિયાઓ તથા સ્થાનિક પોલીસ તંત્રમાં ભારે દોડધામ સાથે ચકચાર પ્રસરાવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews