જૂનાગઢ શહેરમાં ઠેક-ઠેકાણે રસ્તાઓ જુદી-જુદી કામગીરી અંતર્ગત ખોદી નાંખવાનાં કારણે સમગ્ર શહેર અને આસપાસ બહારગામથી આવતાં વાહન ચાલકોને પણ મુશ્કેલીજનક પરિસ્થિતિ સર્જાતી હોય છે. ઘણીવાર તો એવું બને છે કે કોઈ રસ્તા ઉપરથી પસાર થતાં હોવ અને ત્યાં કામગીરી તો પૂર્ણ થઈ ગઈ હોય છે પરંતુ પૂર્વવત જે-તે માર્ગ રીપેર થયો ન હોવાનાં કારણે રસ્તા ઉપરથી પસાર થતી વખતે કાંકરા, કપચીઓ ગોફણની જેમ ઉડતી હોય છે અને ગોફણની માફક ઉડતાં આ કાંકરાઓ ઘણીવાર અકસ્માતનું નિમિત્ત પણ બનતા હોય છે. આ બાબતે જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર તત્કાલ રસ્તા પ્રશ્ને પગલાં ભરે તેવી માંગણી ઉઠી છે. જૂનાગઢ શહેરનાં જવાહર રોડ ઉપર ભુગર્ભ ગટરનાં પાઈપ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ કામગીરી બાદ હાલ ત્યાંથી પસાર થતાં વાહન ચાલકોને રસ્તા ઉપર પડેલી પથ્થરની કપચીઓનો માર સહન કરવો પડે છે. તેમજ દુકાનદારોને પણ સતત ધુળનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તામાં પડેલાં મોટા પથ્થર વાહનનાં ટાયર સાથે અથડાય અને ત્યાંથી બંદુકથી ગોળીની જેમ ઉડતાં હોય છે અને પસાર થતાં રાહદારીઓને પોતાનું નિશાન બનાવતાં હોવાની પણ ફરીયાદો ઉઠી છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરનાં ચિત્તાખાના ચોકથી કાળવા ચોક સુધીનાં રસ્તાઓમાં પણ છેલ્લાં દોઢ માસથી ગટરની લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે જેને લઈને વેપારીઓ ત્રાહીમામ પોંકારી ઉઠ્યાં છે. કાળવા ચોકથી તળાવ દરવાજાનાં મુખ્ય રસ્તાઓ ઉપર ભુગર્ભ ગટરનાં પાઈપ નાખવાની કામગીરીથી વાહન કેમ ચલાવવું તે મુશ્કેલજનક બન્યું છે અને જ્યાં પણ રસ્તાઓને ડાયવર્ડ કરી અને ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે. ત્યાં પણ પસાર થવું હોય તો ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાય છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરનાં બસ સ્ટેશન વિસ્તાર, ડો.ચિખલીયાનાં દવાખાના પાસે પણ ગટરનાં પાઈપ નાંખવાની કામગીરી ચાલતી હોય અને ત્યારબાદ આ રસ્તાને એક માર્ગીય કરી અને સમથળ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેને લઈને બસ સ્ટેન્ડથી ઝાંસીની રાણી સર્કલ વાયા ઝાંઝરડા રોડ, સરદારબાગ, મોતીબાગ વગેરે વિસ્તારોમાં જવા માટે લોકો અહીંથી પસાર થતાં હોય જેથી વંથલી દરવાજાથી રાયજીબાગ દરવાજા સુધી દિવસમાં અનેકવાર ટ્રાફિકજામ જેવી સ્થિતી સર્જાઈ રહી છે. આ ઉપરાંત બાયપાસની કામગીરી પણ ચાલી રહી હોય જેને લઈને ભારે મોટા વાહનો જૂનાગઢ શહેરમાંથી જ પસાર થતાં હોય ત્યારે અનેક વાહનો અને તેનાં ચાલકો આડેધડ વાહન ચલાવવાનાં કારણે પણ લોકોને સતત ત્રાસરૂપ બની રહ્યાં છે. જૂનાગઢ શહેરમાં જ્યાં પણ ચાલતી ભુગર્ભ ગટરની કામગીરી વહેલી તકે પૂર્ણ કરી અને રસ્તા ઉપર ડામર પાથરી અથવા તો સિમેન્ટ રોડ બનાવી અને જૂનાગઢ શહેરની જનતાની મુશ્કેલીઓનો અંત લાવવાની માંગણી આમ જનતામાંથી ઉઠવા પામી છે. લોકોમાં હવે વિરોધ કરવાની ત્રેવડ ગુમાવી દીધી છે. બંદૂકનાં નાળચે હવે પ્રજાને જાજા સમય બાનમાં રાખી શકાશે નહીં તેવો રોષ ઉઠયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews