વેરાવળ નજીક હાઇવે ઉપર આવેલ ડારી ટોલ બુથ કચેરીના બિલ્ડીંગનો ટોલકર્મીઓનો સ્ટાફ ગેરકાયદેસર રીતે રહેણાંક તરીકે ઉપયોગ કરી ગંદકી ફેલાવવાની સાથે વિદેશી દારૂ ઢીંચી ગેરવર્તન કરતા હોવા અંગે આ વિસ્તારમાં આજુબાજુમાં ખેતીની જમીન ધરાવતા ખેડુતોએ ગીર સોમનાથ જીલ્લા કલેકટર અને પોલીસ તંત્રને લેખીત અરજી કરી ટોલકર્મીઓના ત્રાસમાંથી મુકત કરાવવા માંગણી કરી છે. વેરાવળ હાઇવે ઉપર ડારી ટોલબુથની આજુબાજુ ખેતર ધરાવતા ખેડુત કરશનભાઇ સોલંકી, હમીર દેશાભાઇ સોલંકીએ ગીર સોમનાથ જીલ્લા કલેકટર અને પોલીસ તંત્રને કરેલ લેખીત અરજીમાં જણાવેલ કે, ડારી ટોલનાકાની આજુબાજુ બંન્ને તરફ અમારી ખેતીની જમીન આવેલી છે. જયાં અમો પરીવાર સાથે રહી ખેતી કરીએ છીએે. ટોલબુથના કચેરીનાં બિલ્ડીંગની પાછળ અમારી જમીન તરફ જવાનો રસ્તો આવેલ છે. ત્યારે આ ટોલબુથ ઉપર વહીવટી કામગીરી માટે ઓફીસનું બિલ્ડીંગ બનાવવામાં આવેલ છે. આ ટોલબુથના બિલ્ડીંગનો છેલ્લા એકાદ વર્ષથી ટોલબુથ ઉઘરાવતી ખાનગી કંપનીનાં કર્મચારીઓ ગેરકાયદેસર રીતે રહેણાંક મકાન હોય તે રીતે ગેરકાયદેસર ઉપયોગ કરી રહયા છે. જેથી આ કર્મીઓ ઓફીસના બિલ્ડીંગમાં ખાવાનું બનાવી, વાસણો સાફ કરી તેનું ગંદુ પાણી અમારી જમીનમાં જાહેરમાં કચરો, એંઠવાડ ફેંકી ગંદકી ફેલાવી રહયા છે. બિલ્ડીંગમાં દારૂની નિયમિત મહેફીલ થતી હોય તેમ દારૂની ખાલી બોટલો પણ અમારી જમીનમાં ખુલ્લામાં નાંખી રહયા છે. વધુમાં ટોલ કંપનીના કર્મીઓ અડધા શરીરને ઢાંકતા કપડા પહેરી અર્ધનગ્નવસ્થામાં બિલ્ડીંગની બહાર આસપાસ નિયમિત ફરી અપશબ્દો બોલે છે. આવા અસહય ત્રાસના કારણે અમારા પરીવારજનોને અને ખાસ મહિલાઓને ત્યાંથી નિકળવુ તથા ખેતરમાં કામ કરવામાં ભારે મુશ્કેલી થઇ રહી છે. જો કે આ અંગે ટોલબુથના જવાબદારોને રજુઆત કરવા જઇએ ત્યારે ઉલ્ટાનું અમારી સાથે ઝગડો કરવા લાગે અને અપશબ્દો બોલી અમારા માણસો અહીંયા જ રહેશે તમારાથી થાય તે કરી લ્યો ? તેવી ધમકી પણ આપે છે. ત્યારે ટોલ ઉઘરાવતી ખાનગી કંપનીના કર્મીઓ દ્વારા ટોલબુથ બિલ્ડીંગનો ગેરકાયદેસર રહેણાંક તરીકે ઉપયોગ બાબતે અને અસહય ત્રાસ અંગે યોગ્ય પગલા ભરી કડક કાર્યવાહી કરી અમો ખેડુતોને આ પરેશાનીમાંથી મુકત કરાવવાની માંગણી કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews