કલ્યાણપુરનાં મેવાસામાં ઝડપાયેલી તોતિંગ ખનીજ ચોરી પ્રકરણમાં પાવર ચોરી પણ પ્રકાશમાં આવી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ગત તારીખ ૨૨મીનાં રોજ આર.આર.સેલ દ્વારા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી અંગેનો દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળે એક આસામી દ્વારા ખનીજ ચોરી સાથે વીજચોરી પણ કરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું છે. એના અનુસંધાને તંત્ર દ્વારા ઉપરોક્ત આસામીને રૂપિયા ૩.૬૮ લાખ જેટલું બિલ પણ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે રહેતા ડાડુ પીઠાભાઈ કંડોરીયા નામના એક આસામીની સર્વે નંબર ૧૫૨ વાળી જગ્યા ઉપર ગત તા.૨૨મી મેના રોજ રાજકોટ રેન્જ વિભાગ દ્વારા દરોડો પાડી, રૂપિયા અઢી કરોડની કિંમતના વાહનો સાથે આઠ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સ્થળેથી કરોડો રૂપિયાની ખનિજચોરી થયાનું ખુલવા પામ્યું હતું. આના અનુસંધાને વીજ તંત્ર દ્વારા આ સ્થળે ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. કલ્યાણપુરના મેવાસા ગામના ડાડુ પીઠાભાઈ કંડોરીયાની જગ્યામાં પી.જી.વી.સી.એલ.ના નાયબ ઈજનેર સહિતના સ્ટાફે ચેકિંગ કરતા બોકસાઈટ ખાણમાં ગેરકાયદેસર વિજકેબલ જોડી, બે નંગ વીજ મોટર મારફતે બોકસાઈટના ખનન કરવામાં પાણી અવરોધરૂપ થતું હોય, તેના નિકાલ માટે ખાણમાંથી પાણીનું પમ્પિંગ કરી વાણિજ્ય હેતું માટે બિનઅધિકૃત રીતે વીજ ચોરી કરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું હતું. આથી પીજીવીસીએલના ડિવિઝનના અધિકારી દ્વારા રૂ.૩,૬૩,૪૮૩ની વીજચોરી તથા કમ્પાઉન્ડીંગ ચાર્જ રૂ. ૫,૦૦૦ ની ચોરીની ફરિયાદ અંગેની તજવીજ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!