જૂનાગઢના મધુરમ વિસ્તારમાં ટ્રક માલિક સાથે ટ્રક ભાડે લઈ અને રૂપિયા ન ચૂકવતાં ભાડું ન આપી વિશ્વાસઘાત કર્યાની ટ્રક માલિકે ફરિયાદ નોંધાવતાં છેતરપીંડી કરનારને ઝડપી લઈ પૂછપરછ કરતાં આરોપીએ છેતરપીંડીના પાંચ ગુનાની કબુલાત કરતાં પોલીસે ‘સી’ ડીવિઝન પોલીસે આરોપીને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગતો મુજબ જૂનાગઢ શહેરના મધુરમ બાયપાસ વિસ્તારમાં રહેતા રાજશીભાઈ રણમલભાઈ મોઢાએ પોતાનો ટ્રક જીજે-૧૧યુ-૮૮૩૧ કિંમત રૂ. ૪,૦૦,૦૦૦ ની દોલતપરામાં રહેતા ભરતભાઇ દેવાભાઈ કુછડીયા તથા તેમના પત્ની રેખાબેન ભરતભાઇ કુછડીયા (બંને રહે. દોલતપરા, કસ્તુરબા સોસાયટી, જૂનાગઢ)ને રૂ. ૫૦,૦૦૦ ના ભાડા પેટે ૧૧ માસ માટે આપેલ હતો. તે દરમ્યાન લોક ડાઉન થતા, લખાણ થઈ શકેલ ના હતું. આ વખતે આ બને આરોપીઓ રાજશીભાઈ મોઢા પાસે જઈને પોતે રૂપિયા આપી દેશે, તેવો વિશ્વાસ આપી, ટ્રક ભાડે લઇ ગયેલ હતા. ત્યારબાદ બે માસ બાદ આ બને આરોપીઓએ ટ્રકનું ભાડું પણ આપેલ ના હતું અને ટ્રક પણ સગેવગે કરી દીધી હતી. તેથી આરોપીઓ વિરૂધ્ધ વિશ્વાસઘાત છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ આપતા, સી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપસિંઘ પવાર અને જૂનાગઢ જિલ્લા પોલીસવડા સૌરભ સિંઘની સૂચના અને ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ એન.કે.વાજા તથા સ્ટાફના હેડ કોસ્ટેબલ ભગવાનભાઈ, મેહુલભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કનકસિંહ, રોહિતભાઈ, સહિતની ટીમ દ્વારા તપાસ કરી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ ભરતભાઇ દેવાભાઈ કુછડીયા (જાતે મેર ઉ.વ. ૨૪) તથા રેખાબેન ભરતભાઇ કુછડીયા (જાતે મેર ઉવ. ૨૪ રહે. દોલતપરા, કસ્તુરબા સોસાયટી, જૂનાગઢ)ને બાતમી આધારે પકડી પાડી, આ ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ છે.
પકડાયેલ બંને આરોપીઓ પતિ-પત્ની છે અને તેમને કોઈ કામધંધો ના હોઈ, રૂપિયાની જરૂરિયાત હોઈ, ફરિયાદીની ટ્રક રાજકોટનાને વેંચી નાખેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી. પકડાયેલ બને બંટી બબલી આરોપીઓની વધુ સઘન પૂછપરછ કરવામાં આવતા, આ આરોપી ભરત દેવાભાઈ કુછડીયાએ ગાંધીગ્રામ રાજીવનગર વિસ્તારમાં રહેતા મુકેશભાઈ મનજીભાઈ પરમારની ટ્રક પણ વિશ્વાસમાં લઇ, ભાડે રાખી, વહેંચી નાખ્યાની પણ કબૂલાત કરવામાં આવતા, તેઓની પણ ફરિયાદ લઈ, અલગ બીજો ગુન્હો દાખલ કરાવવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. ઉપરાંત, પકડાયેલ બને આરોપીઓએ રાજકોટ જિલ્લાના પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી પીજેન્દ્ર રતિલાલ વાઢીયા નામના ઇસમના ત્રણ ઈંગ્લીશ ડોગ વહેંચાતા રાખી, તે ડોગ પણ બારોબાર વહેંચી નાખી, છેતરપિંડી કરેલાની કબૂલાત કરતા, આ બાબતે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં પણ ગુન્હો નોંધવા તજવીજ કરવામાં આવેલ છે. ઉપરાંત, પોરબંદર ખાતેથી દીપકભાઈ લાખાભાઈ ગરચર રબારી રહે. ઝૂરી બાગ, પોરબંદરની ટોરસ ટ્રક જીજે ૧૧ વાય ૮૭૭૧ કિંમત રૂ. ૧૩,૪૦,૦૦૦/- તથા મહેશભાઈ સુભાષભાઈ ભુતૈયા (જાતે મેર રહે. પોરબંદર) ની ટોરસ ટ્રક જીએ ૦૪ એકસ ૭૩૧૫ કિંમત રૂ. ૧૩,૪૫,૦૦૦/- ની પણ વિશ્વાસઘાત છેતરપિંડીથી મેળાવેલાની કબૂલાત કરવામાં આવતા, પકડાયેલ આરોપી ભરત કુછડીયાએ કુલ પાંચ ગુન્હા આચર્યા હોવાનું તપાસ દરમ્યાન જાણવા મળેલ છે. આમ, પકડાયેલ બંટી બબલી આરોપીઓએ એક અને આરોપી ભરત કુછડીયાએ અન્ય ચાર ગુન્હા મળી, કુલ પાંચ છેતરપિંડીના ગુન્હાઓ કરેલાની કબૂલાત કરવામાં આવતા, છેતરપીંડી વિશ્વાસઘાતના પાંચ ગુન્હાઓ ડિટેકટ થયેલા છે. પકડાયેલ બંને આંતરજિલ્લા આરોપીઓ ભૂતકાળમાં જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હની ટ્રેપ ના ગુન્હામાં અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મારામારી અને એટ્રોસિટીના ગુન્હાઓમાં પણ પકડાયેલ છે.
પકડાયેલા બંને આંતરજિલ્લા આરોપીઓએ બીજા કોઈ ગુન્હાઓ આચરેલા છે કે કેમ? બીજા કોઈ ગુન્હામાં વોન્ટેડ કે પકડવાના બાકી છે કે કેમ? આ ગુન્હાઓમાં બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ ? વગેરે મુદ્દાઓ સબબ પુછપરછ હાથ ધરી, પોલીસ રીમાન્ડ મેળવવા વધુ તપાસ ‘સી’ ડિવિઝન ઇન્ચાર્જ પીએસઆઇ એન.કે.વાજા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં હજુ પણ વિશ્વાસઘાત છેતરપિંડીના વધુ ગુન્હાઓ ડિટેકટ થવાની સંભાવના છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews