માંગરોળ વીજ ડીવીઝન તાબાના માધવપુર સબ ડીવીઝન કચેરીના કોન્ટ્રાકટર દ્વારા ૨૦૧૪ થી ૨૦૧૮ સુધીના સમયગાળા દરમ્યાન જુદા જુદા પી.ઓ. અને રીલીઝોનાં લાઈનવર્કનું લાખોનું મટીરીયલ્સ ઉપાડી, કામ ન કરી મટીરીયલ્સ જમા ન કરાવી, આચરેલ કોભાંડની તપાસ થવા, આવુ મટીરીયલ્સ પરત તેમની પાસેથી જમા લેવા અને જમા ન કરાવે તો તેમની સામે પોલીસ ફરીયાદ દાખલ કરવા આરટીઆઈ એકટીવિસ્ટ હમીર ધામાએ ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી છે. ફરિયાદમાં એવા આક્ષેપો કર્યા છે કે માધવપુર પેટા વિભાગીય કચેરીમાં ૨૦૧૪ થી ૨૦૧૮નાં સમયગાળા દરમ્યાન કોન્ટ્રાક્ટરે સ્થાનીક અને ડીવીઝન તથા વીજ સર્કલ કચેરીના અધિકારીઓની સાથે મીલાપીપણુ કરી અને જુદા-જુદા લાઈન કામના કોન્ટ્રાકટોના પી.ઓ. અને રીલીઝો ઈસ્યુ થયા બાદ જુદા જુદા કામો માટેનું લાખોની કિંમતનું વીજ મટીરીયલ્સ મેળવી કોઈ પણ કામગીરી ના કરતા વીજ કંપનીને લાખોનો ચુનો લગાવેલ છે . ફરીયાદમાં એવો આક્ષેપ પણ કર્યો છે કે આ કોભાંડ રેકર્ડ આધારીત હોવા છતાં કોઈ ઓડીટમાં પણ ખુલેલ નથી જેમાં ઉચ્ચ અધિકારીઓની સંડોવણી હોય અને અન્ય કોન્ટ્રાકટરો પાસેથી ઉપલા અધિકારીઓ માટે જુદા-જુદા કામોની ટકાવારીની રકમ ઉઘરાવી અને તેના એજન્ટ તરીકે કામ કરતો હોય અને આ રીતે અધિકારીઓનો કૃપાપાત્ર વીજ કોન્ટ્રાકટર હોય તેની ગેરરીતીઓ બાબતે અધિકારીઓ આંખ આડા કાન કરી તેના કોભાંડને છાવરી રહેલ હોવાનું જણાવ્યું છે. ફરીયાદની સીલસીલાબદ્ધ હકીકત જોવામાં આવે તો કોન્ટ્રાક્ટરે ૨૦૧૪માં પી.ઓ.નંબર ૮૩૩૭૦ રીલીઝ નં.૨૪, ૧૯, ૧૭, ૧૫, ૧૩, ૧૨, ૬ અને ૨ તથા રીજેકટેડ પીઓ નંબર ૮૬૪૧૫નો માધવપુર વીજ સબ ડીવીઝનની વીજ લાઈનના કામ માટેનો માલનો જથ્થો ઉપાડી લીધા બાદ કોઈ કામ કરેલ નથી અને માલ જમા કરાવેલ નથી. તેમજ રીલીઝો ઓપન બોલે છે તેમજ રીલીઝ નં .૨૪, ૧૫, ૪ તથા ૨ જે પી.ઓ.નંબર અને રીલીઝ નંબર ફાળવ્યા બાદ કોન્ટ્રાકટર દ્વારા માલ ઉપાડી લીધા બાદ આ પી.ઓ. નંબર રીલીઝ નંબરને અધિકારી પોતાના લોગ ઈનમાંથી કેન્સલ બતાવી અને ઓનલાઈન દુર કરી કોભાંડ આચરે છે. જેમાં રીલીઝ કેન્સલ કરવામાં આવે છે પરંતુ ઉપાડેલ માલ પરત જમા કમાવવામાં આવતો નથી. આજ રીતે પીઓ નંબર રીજેક્ટ કરી માલ ઉપાડી લેવામાં આવેલ છે અને કૌભાંડ આચરવામાં આવેલા છે. આ બધો માલ જુદી જુદી તારીખોએ ઉપાડવામાં આવેલ છે. આવી પધ્ધતિથી વર્ષ ૨૦૧૫, ૨૦૧૬, ૨૦૧૭ અને ૨૦૧૮માં પણ સીરીઝ વાર કૌભાંડ આચરવામાં આવેલ છે. આ તમામ હકીક્ત રેકર્ડ ઉપર હોવા છતાં અને માલ ઈસ્યુ થયાને ૨૦૧૪થી ગણવામાં આવે તો છ વર્ષ થવા છતા કોઈ ઉઘરાણીના કાગળો પણ લખાયેલ નથી. અધિકારી અને કોન્ટ્રાક્ટર વચ્ચે થયેલી વાતચીતનો બોલતા પૂરાવા રૂપે ઓડીયો ક્લીપ પણ વાયરલ થઈ છે. આ કૌભાંડની તટસ્થ તપાસ કરવામાં આવે તો કોન્ટ્રાકટરને જેલમાં જવું પડે તેમજ તેની સાથે આ કોભાંડને ઢાંકવા અને બચાવવા આંખ મીચામણા કરનાર જુદા-જુદા તત્કાલીન અધિકારીઓ અને ઓડીટરો અને ડીવીઝન સ્ટોરના અધિકારીઓ તેમજ ખર્ચ વિભાગના અધિકારીઓ સહીતના કર્મચારીઓને પણ ઘરે બેસવાનો વારો આવે તેમ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews