કોવીડ-૧૯નું સંક્રમણ અનલોકમાં વધી રહયું હોવા છતાં લોકો ગંભીર બેદરકારી દાખવી હરતા ફરતા હોવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટકોર કરી હતી. તેમ છતાં વેરાવળ-સોમનાથ ભૂમિ ઉપર વસતા લોકો કોરોનાની ગાઇડલાઇન્સ પાળવા અંગે ગંભીર બેદરકારી દાખવી રહયા હોય તેમ માસ્ક વગર જયાં ત્યાં હરતા ફરતાના દ્રશ્યો જોવા મળે છે. આવી બેદરકારી દાખવતા લોકો સામે પોલીસ તંત્રે લાલ આંખ કરી ઝુંબેશ શરૂ કરી છે. જેમાં ગઈકાલે એક જ દિવસમાં વેરાવળ શહેરમાં માસ્ક વગર ફરતા ૧૫૦ જેટલા લોકોને પકડી લઇ તેઓ પાસેથી રૂ.૩૦ હજારનો દંડ વસુલ કરવાની સાથે માસ્ક પહેર્યા વગર બાઇકો ફેરવતા ૨૪ વાહનો ડીટેઇન કરવાની કડક કાર્યવાહી કરી છે. આ અંગે માહિતી આપતા પીઆઇ આર.કે. પરમારે જણાવેલ કે, કોવીડ-૧૯ની મહામારીને લઇ સરકાર દ્વારા લોકોએ માસ્ક પહેરી બહાર નિકળવું, વેપારીઓએ દુકાનમાં, રેકડીઘારકો સહિત સૌ કોઇએ વ્યવસાય કરતા સમયે માસ્ક ફરજીયાત પહેરવું, ઇમરજન્સી કામ વગર બહાર ન નિકળવું જેવી સતર્કતા દાખવવા ગાઇડલાઇન્સ જાહેર કરી તેનો અમલ કરવા અપીલ પણ કરી છે. તેમ છતાં વેરાવળમાં લોકો અને વેપારીઓ, પાથરણાવાળા સરકારની ઉપરોકત ગાઇડ લાઇન્સનો અમલ ન કરી બિન્દાસ્ત માસ્ક વગર વેપાર કરતા અને હરતા ફરતા હોવાનું ધ્યાને આવતાં જેથી લોકોમાં જાગૃતતા આવે અને સૌ કોઇ ગાઇડ લાઇન્સનો સ્વયં ફરજીયાત પાલન કરતા થાય તે હેતુસર પોલીસ સ્ટાફની જુદી-જુદી ટીમો બનાવવામાં આવેલ અને આ ટીમોએ દિવસભર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં માસ્ક વગર ફરતા અને વેપાર કરતા લોકોને પકડી પાડવા કડક તાકીદ સાથે પેટ્રોલીંગ કરાવવામાં આવેલ છે. જેમાં ૧૫૦ જેટલા લોકો માસ્ક વગરના પકડાયા છે જે તમામ પાસેથી રૂ.૨૦૦ લેખે રૂ.૩૦ હજારનો દંડ વસુલ કરેલ છે. આ ઉપરાંત ટ્રાફીક ડ્રાઇવ પણ શરૂ કરવામાં આવેલ જેમાં માસ્ક વગર મોટર સાયકલો સાથે ફરી રહેલ ર૪ જેટલા વાહનોને ડીટેઇન કરવામાં આવેલ છે. પોલીસ તંત્રની આ કડક ઝુંબેશ આગામી દિવસોમાં સતત ચાલુ રહેશે જેથી શહેરીજનો સ્વયં સરકારની ગાઇડ લાઇન્સનો ચુસ્તપણે અમલ કરે અન્યથા કડક આકરી કાર્યવાહીનો સામનો કરવો પડશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews