કોરોનાનાં કહેરથી વેપારીઓ નવરાધૂપ, બજારોમાં માત્ર ૩૦ ટકા જ ઘરાકી, તહેવારોની રોનક ગઈ


કોરોના કહેરથી વેપારીઓ સાવ નવરાધૂપ થઈ ગયા છે. બજારોમાં ૩૦ ટકા જ ઘરાકી જાવા મળી રહી છે. તહેવારોની કોઈ રોનક જાવા મળતી નથી. લોકોની આર્થિક સ્થિતિ અતિ ખરાબ બની છે ત્યારે બીજી બાજુ મોંઘવારીનો મારો એમાં પણ પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત થઇ રહેલો ભાવવધારાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. છેલ્લા ૩ મહિનાથી કોરોનાએ લોકોના ધંધા ઠપ્પ કરી નાંખ્યા છે તેની અસર આવનારા તહેવારો ઉપર પણ દેખાશે. તે ઉપરાંત સૌરાષ્ટ્રના તમામ લોકમેળા રદ થવાની પુરેપુરી શક્યતા છે તેમજ અનલોક-૨માં વેપારીમાં ધારે તેવી મોકળાશ મળી નથી, જુલાઈ મહિનામાં જયાપાર્વતી ગુરૂપૂર્ણિમા દિવાસો જેવા તહેવારો ઉજવાશે પણ સાદગીથી. તહેવારોની શરૂઆત થવામાં છે છતાય બજારમાં કોઇ પણ પ્રકારની રોનક હજુ જોવા મળતી નથી. તહેવારોની ૭૦ ટકા ઘરાકીને કોરોના ભરખી ગયો છે. હાલ બજારમાં માત્ર ૩૦ ટકા જ ઘરાકી જોવા મળી રહી છે. સરકારી કોઇ રાહત હજુ લોકોને મળી નથી. ગરીબ અને મધ્યમવર્ગની હાલત અતિખરાબ બની રહી છે. કોરોનાના કહેરથી લોકોની હાલત વેન્ટીલેટર ઉપર છે. વેપારીઓના જણાવ્યા મુજબ આ વખતે તહેવારો ઉપર ચીની માલની અછત રહેશે અને તેમના ધંધામાં પણ મંદી રહેશે. તહેવારોમાં ચીનથી સૌથી વધુ પ્રોડક્ટનું વેંચાણ થતું હોય છે. તેને લઇને પણ બજારમાં મંદીનો માહોલ જોવા મળે તો નવાઈ નહી. આમ ૨૦૨૦માં તમામ તહેવારોની ઉજવણી બજારમાં ફીકી રહેવાની શક્યતા હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. રક્ષાબંધન સહિતના તહેવારો ઓગસ્ટમાં હોય છે પણ તેની તૈયારીઓ એપ્રીલથી જ શરૂ થઇ જતી હોય છે તે ઉપરાંત જુન સુધીમાં ઘણા સોદાઓ થઇ જાય છે પરંતુ આ વખતે કોરોનાની મહામારીને લીધે તેમજ લોકડાઉનને કારણે તૈયારીઓ શરૂ જ નથી થઇ. જેથી બજાર બંધ જેવી સ્થિતિમાં જ હોય જેના કારણે આ વખતના તહેવારોની ઉજવણીમાં દર વર્ષ જેવો ઉલ્લાસ દેખાતો નથી.
જૂનાગઢ સહિત રાજયભરમાં ચીનથી રાખડીનું રો-મટિરિયલ આવતું હતું
દર વર્ષે બજારમાં મોંઘી રાખડીઓ વેંચાતી હતી. જૂનાગઢ સહિત ગુજરાતમાં રાખડીનું રો-મટીરીયલ ચીનથી આવતું હતું જેની તૈયારી એપ્રિલથી વેપારીઓ કરતા હોય છે પરંતુ આ વર્ષે ચીનથી રો-મટીરીયલ નહી આવતા મોટાભાગની રાખડીઓ ભારતમાં જ બનશે. કોરોનાનાં કારણે રાખડીનું વેંચાણ ઘટવાની સંભાવના હોવાનું વેપારીઓ જણાવ્યું હતું.
ચીન ઈફેકટનાં કારણે ફટાકડાનાં ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો
કોરોના બાદ ભારત-ચીન સંબંધોમાં તિરાડ પડતા તેની મોટી અસર ફટાકડા બજારમાં પડી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. બજારમાં સસ્તા ભાવે ચાઈનીઝ ફટાકડાની બોલબાલા હતી તે ઉપરાંત લગ્ન સીઝન ફેઈલ જતા ફટાકડા બજારમાં મંદીનો માહોલ આવ્યો છે. આ વર્ષે દિવાળી પણ બગડશે અને ફટાકડાનાં ભાવમાં તોતીંગ વધારો આવ્યો હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.
અન્ય રાજયોમાંથી સપ્લાય ચેઈન તૂટી જતા મુશ્કેલીમાં વધારો
અન્ય રાજયોમાંથી આવતો માલ પણ પૂરતી માત્રામાં મળતો ન હોવાથી તેના કારણે સપ્લાય ચેઈન તૂટી ગઈ છે. વેપારીઓને પૂરતો સ્ટોક નહી મળતા અનેક વસ્તુઓમાં ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. તે ઉપરાંત પૂરતા પ્રમાણમાં રો-મટીરીયલ પણ નહી પહોંચતા અનેક મુશ્કેલી પડી રહી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. અને બહારનાં રાજયનાં કામ કરતાં મજુરો પણ પરત આવ્યા નથી તેથી પણ મુશ્કેલી પડી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!