ગુજરાતમાં લોકડાઉન સમયે અનેક ભુલો અને અણઆવડતનું પ્રદર્શન કરનાર રાજય સરકારની હાઈપાવર કમિટીના કારણે લોકોએ ભારે હેરાનગતિ વેઠવી પડી હતી તેજ રીતે અનલોક બાદ સરકારે જાહેર કરેલા વિવિધ પેકેજની અમલવારીમાં પણ વિવિધ ખાતાઓ વચ્ચે સંકલનનો અભાવ બહાર આવ્યો હતો. આવી જ સ્થિતિ મુખ્યમંત્રીએ અનલોક દરમ્યાન જાહેર કરેલા ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૨’માં સર્જાયેલ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાના વેપારીઓ અને મધ્યમવર્ગના લોકો-કારીગરોને રૂ.૧ લાખથી માંડી રૂ.અઢી લાખ સુધીની ૪ ટકા વ્યાજે લોન આપવા માટે ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૨’ જાહેર કરી હતી. આ માટે રાજયના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા.૨૦ જૂનના રોજ પરીપત્ર પણ બહાર પાડી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ આ યોજના હેઠળ રૂ.૩૦૦ કરોડની ફાળવણી કરી હોવાનું જાહેર કર્યું હતું અને આ યોજનામાં ગુજરાત રાજય સહકારી બેંક, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો તથા રાજયમાં આવેલ તમામ નાગરીક સહકારી બેંકો દ્વારા રૂ.એક લાખથી રૂ.અઢી લાખની મર્યાદામાં ધિરાણ આપશે તેવું જણાવ્યું હતું. આ યોજનામાં લોન લેનાર વ્યક્તિએ ૪ ટકા અને રાજય સરકાર ૪ ટકા વ્યાજ ભોગવશે તેવી જોગવાઈ કરવામાં આવી છે પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ તા.૧ જુલાઈથી આ યોજના અમલી બની ગઇ હોવા છતા હજુ સુધી મોટાભાગની સહકારી બેંકમાં આ અંગે કોઇ વ્યવસ્થા ગોઠવાઈ નથી અને જે બેંકોમાં વ્યવસ્થા ગોઠવાઈ છે તેના દ્વારા અરજદાર પાસેથી પુરૂ ૮ ટકા વ્યાજ માંગવામાં આવે છે. જયારે સરકાર દ્વારા ૪ ટકા વ્યાજ જમા થાય ત્યારે સીધા ખાતામાં જમા આપવાનું જણાવે છે પરીણામે લોન લેવા ઈચ્છતા લોકો અવઢવમાં મુકાઈ ગયા છે. સરકારે સ્પષ્ટ જાહેર કર્યું છે કે લોન લેનાર વ્યક્તિએ માત્ર ૪ ટકા વ્યાજ ભરવું પડશે. જયારે ૪ ટકા વ્યાજ રાજય સરકાર ભોગવશે અને સીધુ બેંકોને આપશે પરંતુ સહકારી બેંકોને રાજય સરકાર ઉપર ભરોસો જ હોય નહીં તેમ લોન લેનાર લોકો પાસેથી પુરેપુરૂ ૮ ટકા વ્યાજ માંગવામાં આવે છે અને સરકાર તેના હિસ્સાનું ૪ ટકા વ્યાજ બેંકોને આપે ત્યારે સીધુ ખાતેદારોના ખાતામાં જમા કરી દેવાશે તેવું જણાવવામાં આવે છે. બેંકોના સુત્રોએ જણાવ્યું હતું કે આ નવી યોજના છે અને સરકાર તેના હિસ્સાનું નિયમિત ૪ ટકા વ્યાજ જમા કરાવશે કે કેમ તે અંગે અત્યારથી કાંઇ કહી શકાય નહીં. લોન અપાયાના છ માસ બાદ સરકાર નિયમિત વ્યાજ જમા કરાવશે કે કેમ તે ખબર પડશે માટે હાલ લોન લેનાર વ્યક્તિ પાસેથી જ પુરૂ ૮ ટકા વ્યાજ વસુલવામાં આવશે.
બે લોન લેવી પડશે : નાગરિક બેંક
રાજકોટ નાગરીક બેંકની ઢેબરરોડ શાખામાં ટેલીફોન ઉપર આત્મનિર્ભર યોજના હેઠળ લોન અંગે પુછપરછ કરતા જવાબ મળેલ કે તમારે તો ૮ ટકા વ્યાજ જ ભરવાનું રહેશે. સરકાર જયારે તેના હિસ્સાનું ૪ ટકા વ્યાજ બેંકમાં જમા કરાવશે ત્યારે સીધુ તમારા ખાતામાં જમા આપવામાં આવશે. જયારે નાગરીક બેંકની મુખ્યશાખામાં રૂબરૂ ઈન્કવાયરી કરતા જણાવેલ કે, તમારે પહેલા રૂ.૧૫ હજારથી ૨૫ હજારની લોન લેવી પડશે ત્યાર બાદ આત્મનિર્ભર યોજના-૨ની લોન આપશું.
૮ ટકા વ્યાજ વસુલાશે : પીપલ અને સીટીઝન બેંક
જૂનાગઢની જ પીપલ્સ કો. ઓપરેટીવ બેંકમાં આત્મનિર્ભર યોજના-૨ અંગે ઈન્કવાયરી કરતા જવાબ મળ્યો હતો કે તમારે આ યોજના હેઠળ લોન લીધા બાદ ૮ ટકા પુરૂ વ્યાજ ચુકવવું પડશે. રાજય સરકાર તેના હિસ્સાનું ૪ ટકા વ્યાજ છુટુ કરે ત્યારે સીધુ તમારા ખાતામાં જમા અપાશે. આજરીતે સીટીઝન બેંકમાંથી પણ જવાબ મળ્યો હતો કે લોન લેનારે ૮ ટકા વ્યાજ ભરવું પડશે અને આગામી સોમવારથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવશે. જૂનાગઢની સહકારી બેંકો અને મંડળીઓ પણ પહેલા ૮ ટકા વસુલશે પછી સરકાર આપશે ત્યારે જમા કરશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews