જૂનાગઢનાં મેઘાણીનગરમાં એકલવાયું જીવન ગાળતાં ૭૪ વર્ષનાં વૃધ્ધાની નિર્મમ હત્યા

0

જૂનાગઢ શહેરનાં બિલખા રોડ ઉપર આવેલાં મેઘાણીનગરમાં એકલવાયું જીવન ગાળતાં ૭૪ વર્ષનાં વૃધ્ધા ઉપર જીવલેણ હુમલો કરી અને તેમને મોતને ઘાટ ઉતારી ૭ તોલા સોનું, રોકડ વગેરે મળી ર.રપ લાખની લુંટ કરી જવાનો બનાવ બનવા પામતાં સનસનાટી મચી જવા પામી છે. ગઈકાલે બપોર બાદ મેઘાણીનગરમાં એક મકાનમાં વૃધ્ધાનો મૃતદેહ પડ્યો હોવાની વાત જારી થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસની કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ લોકોનાં ટોળેટોળાં પણ મૃતક વૃધ્ધાનાં મકાન પાસે એકઠાં થયાં હતાં. વૃધ્ધાની હત્યા અંગે મોડી રાત્રે ગુનો દાખલ થતાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર બિલખા રોડ ઉપર મેઘાણીનગરમાં રહેતાં લતાબેન ભાનુપ્રસાદ મહેતા (ઉ.વ.૭૪)વાળાનો મૃતદેહ તેમનાં ઘરમાંથી જ મળી આવ્યો હતો. કોઈએ પોલીસને જાણ કરતાં જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તેમજ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ જે.પી.ગોસાઈ અને પોલીસટીમ તેમજ એલસીબી, એસઓજી, એ ડીવીઝન પોલીસ, ડોગ સ્કવોડ, એફએસએલ વગેરેની ટુકડી બનાવનાં સ્થળે દોડી ગઈ હતી. વૃધ્ધાનાં મૃતદેહનો કબ્જા મેળવી અને તપાસની કામગીરી હાથ ધરી હતી. એવું જાણવા મળે છે કે લતાબેન મહેતાને સંતાનમાં બે દિકરા છે અને તેઓ રાજકોટ રહે છે અને તેમાં એક શિક્ષક છે અને બીજા દિકરો ખાનગી પેઢીમાં નોકરી કરે છે અને તેમનાં પતિ પણ શિક્ષક હતાં તેઓનું દોઢ વર્ષ પહેલાં જ અવસાન થયું છે. દરમ્યાન ગઈકાલે દોઢ વાગ્યા સુધી લતાબેન મહેતા ઘરમાં જ હતા અને તેમનાં પુત્ર સાથે પણ વાતચીત કર્યા હોવાનું સામે આવ્યું છે. દરમ્યાન ગઈકાલે રાત્રીનાં ૯.૩૦ કલાકે મૃતક વૃધ્ધાનાં પુત્ર કમલેશ ભાનુપ્રસાદભાઈ મહેતા (ઉ.વ.પર, રહે.રાજકોટ) એ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આ કામનાં ફરીયાદીનાં માતા લતાબેન મહેતા તેમના ઘરે એકલા હતા તે દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સે ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કરી કોઈપણ હથીયારથી માથામાં ગંભીર ઈજાઓ કરી મરણજનારે પહેરેલ સોનાના દાગીના જેમાં બંને કાનની સળવાળી બુટીઓ, જાડો ચેઈન, બંને હાથની બંગડી મળી આશરે ૭ તોલા સોનું તથા રોકડા રૂપિયા મળી કુલ રૂ.ર.રપ લાખની લુંટ કરી મોત નિપજાવતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દરમ્યાન એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ જે.પી.ગોસાઈએ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મૃતક વૃધ્ધા સોનાના દાગીના પહેરતા હતા અને આ દાગીના પડાવી લેવા અને લુંટી લેવાનાં ઈરાદે અજાણ્યા શખ્સે તેમની હત્યા કરી અને બાદમાં દાગીના સહિતનો મુદ્દામાલ હડપ કરીને નાશી ગયો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ મનાઈ રહયું છે. દરમ્યાન આ હત્યા કેસનો ભેદ ઉકેલવા માટે જૂનાગઢ જીલ્લા પોલીસવડા સૌરભસિંઘ, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ પોલીસ તંત્રની વિવિધ ટીમો બનાવી અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે અને શંકમદોને રાઉન્ડઅપ કરી અને તેની ઉંડાણપૂર્વકની પુછપરછ હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!