દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રૌદ્ર રવિવારઃ ખંભાળિયા તાલુકામાં ૨૪ ઈંચ વરસાદથી વ્યાપક નુકશાની

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે મેઘરાજાએ મનમુકીને વરસવાની સાથે તેમનું રૌદ્ર સ્વરૂપ પણ દેખાડ્યું હતું. આ સાથે ખંભાળિયા પંથકમાં સાંબેલાધારે સાંજે બે કલાકમાં બાર ઈંચ સહિત ૨૪ ઈંચ જેટલો વરસાદ વરસાવી દેતા અનેક સ્થળોએ ખાના-ખરાબીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખંભાળિયા શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ત્રાટકેલા આ મુશળધાર વરસાદે વ્યાપક ખાનાખરાબી સર્જી દીધી હતી. ગાજવીજ અને પવન સાથે વરસેલા વરસાદથી લોકોમાં ભયનું મોજુ પ્રસરી ગયું હતું.
ખંભાળિયાના પોશ વિસ્તાર એવા રામનાથ સોસાયટી તથા નજીકના નારાયણનગર વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. જેના પગલે નારાયણનગરના એક વિસ્તારમાં કમરબુડ પાણીથી ત્રણ મોટરકાર ડૂબી ગઈ હતી. ભારે વરસાદના પગલે ખંભાળિયામાં આશરે બે ડઝન જેટલા જવાનો તથા આધુનિક શસરંજામ સાથે એનડીઆરએફની ટુકડી પણ બોલાવવામાં આવી છે.
મહાપ્રભુજી બેઠક પાસેથી ઘોડાપૂર વહયાઃ દિવાલ ધરાશાયી
ખંભાળિયા શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં ગઈકાલે વરસેલા મુશળધાર વરસાદના કારણે ધરમપુર વિસ્તારમાંથી વ્યાપક પ્રમાણમાં જળરાશિ વહેતા ખંભાળિયાના પાદરમાં આવેલી પ્રાચીન અને સુવિખ્યાત મહાપ્રભુજીની બેઠકમાં વિપુલ પ્રમાણમાં પાણી ઘૂસી ગયા હતા. બેઠકજીમાં ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ આવતા આ સ્થળે ભારે કફોડી હાલત થઈ હતી. આટલું જ નહીં, નદીના વહેણમાં અને નિર્માણાધિન પુલ પાસેથી ગ્રામ્ય વિસ્તારોના ઝાડી-ઝાંખરા બેઠકમાં તણાઈ આવ્યા હતા. આ ભયાવહ પુરના કારણે નજીક આવેલા પુલની રેલિંગ તૂટી ગઈ હતી અને આ વિસ્તારના એક આસામીની દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ હતી. આ ઉપરાંત ઘરમાં પણ નુકશાની થવા પામી હતી. ગત સાંજે આ વિસ્તારમાં જાણે ઘૂઘવતો દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. બેઠકમાં પાણી તથા કીચડના કારણે ભાવિકો માટે દર્શન બંધ રાખવામાં આવ્યા હતા. જોકે આ વિસ્તારમાં ભયાવહ પુરના પાણી રાત્રે ઓસરી જતા પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી.
ટ્રેકટર ઉપર વૃક્ષ પડયું
ખંભાળીયામાં ગઈકાલે સાંબેલાધાર વરસાદ વરસાં મ્યુનીસીપલ ગાર્ડનમાં રાખવામાં આવેલ ખંભાળીયા નગરપાલિકાનાં એક નવા નકોર ટ્રેકટર ઉપર તોતીંગ વૃક્ષ ધરાશાયી થતાં ટ્રેકટરના આગલા ભાગને વ્યાપક નુકશાન થવા પામ્યું હતું.
સુખનાથ મંદિર પાસે પુલમાં વ્યાપક નુકશાની
ખંભાળિયામાં સલાયા ગેઈટ વિસ્તારમાં આવેલા સુખનાથ મહાદેવના મંદિર પાસે નદી ઉપરના પુલમાં તાજેતરમાં જ પાલિકા તંત્ર દ્વારા જરૂરી સમારકામ હાથ ધરાયું હતું. તે ગઈકાલના આ વરસાદમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયું હતું. અને વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો.
ખંભાળિયામાં વરસાદથી માર્ગો ધોવાયા
ખંભાળિયા તાલુકામાં ગત સાંજે અતિભારે વરસાદના કારણે જામનગર રોડ ઉપર ચાલી રહેલ રોડ નિર્માણના કામ વચ્ચે આ વિસ્તારમાં ડાઇવર્ઝનના કારણે ટ્રાફિક જામ થયો હતો. ખંભાળિયાથી આશરે ચારેક કિલોમીટર દૂર જામનગર રોડ ઉપર ગઈકાલે કેટલાક વાહનો નીકળવા જતાં આ વિસ્તારમાં ખાડા તથા વરસાદી પાણીના કારણે વાહનોના થપ્પા લાગી ગયા હતા. અને આશરે બે થી ત્રણ કલાક સુધી ટ્રાફિક જામ થયાનું પણ જાણવા મળેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!