પેટાચૂંટણી જાહેર થાય તે પહેલાં ભાજપ-કોંગ્રેસ ચૂંટણીના કામે પરોવાયાં છે.આઠ વિધાનસભા બેઠકો ઉપર કોંગ્રેસના નિરીક્ષકોએ સ્થાનીક આગેવાનો સાથે રાજકીય મસલતો કરીને પરિસ્થિતિનો અંદાજ મેળવી લીધો છે. એટલું જ નહીં, આઠેય બેઠકોના નિરીક્ષકોએ પ્રદેશ નેતાગીરીને રિપોર્ટ સુપ્રત કરી દીધો છે. હવે પેટાચૂંટણીની ચર્ચા કરવા આગામી સપ્તાહમાં કોંગ્રેસના પ્રદેશના નેતાઓની બેઠક મળશે. ગુજરાત રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષપલટો કરતાં ડાંગ, લિંબડી, ગઢડા, કપરાડા, કરજણ, મોરબી, ધારી અને અબડાસા બેઠક ખાલી પડી છે. આ તમામ બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાનારી છે જેના પગલે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસના બે નિરીક્ષકોએ બેઠક દીઠ મુલાકાત લઇને સ્થાનિક આગેવાનોનો મત જાણ્યો છે. આ ઉપરાંત કોને ટિકીટ આપવી, જે તે બેઠક ઉપર સામાજીક-રાજ્કીય પરિસ્થિતિ શું છે, પક્ષપલટુ ધારાસભ્ય વિરૂધ્ધ કેવો માહોલ છે.આ બધીય બાબતો ઉપર અભિપ્રાય લેવાયો છે. નિરીક્ષકોએ તમામ મુદ્દાઓની જાણકારી સાથેનો એક અહેવાલ પ્રદેશ નેતાગીરીને સુપ્રત કર્યો છે. હવે નિરીક્ષકોના અહેવાલ આધારે ઉમેદવારની પસંદગીથી માંડીને ચૂંટણીની સ્ટ્રેટેજી ઘડવામાં આવનાર છે. સૂત્રોના મતે, આગામી સપ્તાહે પ્રદેશ કોંગ્રેસના નેતાઓની એક બેઠક મળનાર છે. આ બેઠકમાં પેટાચૂંટણીમાં પક્ષપલટુઓને હરાવવાના લક્ષ્ય સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત પેટાચૂંટણીમાં અલ્પેશ ઠાકોર-ધવલસિંહ ઝાલાને હરાવી કોંગ્રેસે સારો દેખાવ કર્યો હતો. આ વખતે પણ કોંગ્રેસના નેતાઓ આશા રાખી રહ્યાં છે કે, પેટાચૂંટણીમાં મતદારો પક્ષપલટુઓને ઘરભેગા કરશે. જો કે, કોરોનાની મહામારી વચ્ચે જાહેરસભા-રેલી વિના પ્રચાર કરવો અઘરો બન્યો છે ત્યારે મતદારોને કેવી રીતે રિઝવવા એ યક્ષપ્રશ્ન છે. આ સંજોગોમાં ઓછુ મતદાન થાય તેવી ભીતિએ પણ કોંગ્રેસની ઉંઘ ઉડાડી છે ત્યારે મતદારોને મતદાન મથક સુધી ખેંચી લાવવા એ અંગે પણ સ્ટ્રેટેજી ઘડવા તૈયારીઓ કરાઇ છે.
હાર્દિકને આગળ કરતાં ભાજપમાં ચિંતા
રાજ્યમાં વિધાનસભાની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી આગામી સમયમાં યોજાવાની હોય તેને લઈને ભાજપ-કોંગ્રેસ દ્વારા તૈયારીઓની સાથે રણનીતિ ઘડવાનું શરૂ કરી દેવાયું છે. જેમાં કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલને મહત્વનું પદ આપી જવાબદારી સોંપતા ભાજપની લોબીમાં સોપો પડી જવા પામ્યો છે. પેટાચૂંટણીમાં મોટાભાગની બેઠકો સૌરાષ્ટ્રની હોય અને તેમાં હાર્દિક પટેલ અસરકારક પૂરવાર થવાની શક્યતાની સાથે ભાજપ માટે વિરોધાત્મક વાતાવરણને લઈ ભાજપમાં બેઠકોનો દોર શરૂ થઈ જવા પામ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews