ઉના શહેર અને તાલુકો ગેરપ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયો હોવા ઉપરાંત પંથકમાં પોલીસ તંત્રની મીઠી નજર હેઠળ અને સાંઠગાંઠથી ગેરકાયદે અસામાજીકત પ્રવૃતિ ખુલ્લેઆમ ધમધમતી હોવાનો સનસનીખેજ આક્ષેપ ઉનાના કોંગી ધારાસભ્ય પૂંજાભાઈ વંશે ગીર સોમનાથ જીલ્લા પોલીસવડાને કથળેલ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુધારવા અંગે રજુઆત કર્યા બાદ પત્રકાર પરીષદમાં કર્યો હતો. હાલ તો ઉનાના કોંગી ધારાસભ્યના ખુલ્લા આક્ષેપો બાદ ગીર સોમનાથ પોલીસ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે જેનું આગામી દિવસોમાં શું પરીણામ આવે તે જોવું રહેશે. ગઈકાલે ઉનાના કોંગી ધારાસભ્ય પુંજાભાઇ વંશ પ્રતિનિધિ મંડળ સાથે પોલીસવડાને મળી થોડા સમય પહેલા ઉનામાં ઘટેલ ફાયરીંગની ઘટનામાં નોંધાયેલા બે ગુનામાં એક તરફી કાર્યવાહી થઇ રહી હોય જે બાબતે મૌખીક-લેખીત રજુઆત કરી હતી. જેમાં જણાવેલ કે, ગુજરાત રાજયમાં રોજબરોજ આવી બનતી ઘટનામાં સીટની રચના કયારેય થતી નથી. ત્યારે ઉનાના ફાયરીંગ પ્રકરણમાં સીટની રચના કયાં કારણોસર કરવામાં આવી છે ? ઉના ભાજપના પાલીકા પ્રમુખ કે.સી. રાઠોડે નોંધાવેલ ફરીયાદમાં જણાવેલ ૮ આરોપીઓને દવાખાના ખાટલાએથી ચાલુ સારવાર હોવા છતાં ધરપકડ કરી છે. જયારે આ બનાવ સામસામે હોવા છતાં સામાપક્ષની ફરીયાદ કોર્ટે આદેશ કર્યા પછી ૩૫ દિવસ બાદ પોલીસે દાખલ કરી હતી. જેમાં આરોપીમાં ભાજપના પાલીકા પ્રમુખ કે.સી. રાઠોડ સહિતના શખ્સોના નામો હોવા છતાં ફરીયાદ નોંધાયાના દસ દિવસ બાદ પણ ધરપકડ કરવામાં આવી ન હોવાથી ખુલ્લેઆમ ફરી રહયા છે. આ આરોપીઓ સત્તાપક્ષ સાથે જોડાયેલા હોવાથી પોલીસ તંત્ર મદદ કરતુ હોવાનું સ્પષ્ટ જણાય છે. આ ગંભીર ગુના હોવા છતાં આરોપીઓની ધરપકડ ન થાય તે તંત્રની નિષ્પક્ષતા અંગે શંકા ઉપજાવે છે. આ ઘટનામાં મારી (પુંજાભાઇ વંશ)ની કોઇ ભૂમિકા કે ફરીયાદમાં નામ ન હોવા છતાં સીટ તપાસના કામે ચાર વખત સમન્સ મોકલી કલાકો સુધી પુછપરછ કરી હતી. ત્યારબાદ ધારાસભ્ય પુંજાભાઇ વંશે કોંગી નેતા અમુભાઇ સોલંકી સહિતનાઓ સાથે પત્રકાર પરીષદ યોજી હતી. જેમાં ગીર સોમનાથ પોલીસ તંત્ર રાજકીય ઈશારે કામ કરતું હોવાનો ધારાસભ્ય પુંજાભાઈ વંશે ગંભીર આક્ષેપ લગાવતા જણાવેલ કે, ઉના પંથકમાં અગાઉના રેન્જ આઇજી સુભાષ ત્રીવેદીના સમયગાળામાં ગેરકાયદે પ્રવૃતિઓ બંઘ થઇ ગઇ હતી. આ અધિકારીની વિદાય બાદ ફરી પંથકમાં ઠેર-ઠેર ફુલીફાલીને બેફામ બની છે. પાડોશી સંઘપ્રદેશ દિવમાંથી વિદેશી દારૂની વાહનોમાં હેરાફેરી, ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર-ઠેર દેશી દારૂના હાટડાઓ ધમધમે છે, ગેરકાયદે ખનીજ-રેતીના ખનન જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓ બેરોકટોક ધમધમી રહી છે અને તે પણ પોલીસ તંત્ર સાથેની સાંઠગાંઠ અને મીઠી નજર હેઠળ ચાલી રહી છે. જો કે, પત્રકાર પરીષદના અંતે ઉના પંથકમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓના વિડીયો મીડિયા સમક્ષ જાહેર કર્યા હતાં. વધુમાં જણાવેલ કે, ઉના-ગીરગઢડા પંથકમાં ગેરકાયદે મોટાપાયે થતા ખનીજ-રેતીના ખનન મુદે તો તાજેતરમાં જ ભાજપના આગેવાને જ મુખ્યમંત્રીને પત્ર લખી કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે. જેમાં સ્પષ્ટ જણાવેલ કે, ખનીજ ચોરીની પ્રવૃતિથી આર્થીક રીતે મજબુત બની ગયેલા ખનીજ માફીયાઓ પંથકના સજજન લોકો પાસેથી ખંડણીઓ ઉઘરાવવા, જમીન-મિલ્કતો ઉપર ગેરકાયદેસસર કબ્જાે કરી લેવા જેવી ગેરપ્રવૃતિઓ કરી રહયા છે. આ બઘી ગેરપ્રવૃતિઓનું મુખ્ય કારણ ગેરકાયદે ખનીજ ખનનથી થતી કરોડોની કમાણી છે. જેથી આ ગેરકાયદે પ્રવૃતિને સીટની રચના કરી જડમુડથી ડામવાની માંગણી કરી હતી. ત્યારે સત્તાધારી પક્ષના આગેવાનની આ વાત ઉપરથી જ સ્પષ્ટ થાય કે, અમારી લાંબા સમયથી ઉના પંથકમાં કથળેલી કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિની ફરીયાદને સત્તાધારી ભાજપના આગેવાનની રજુઆતથી સમર્થન મળવાની સાથે સાચી હોવાનું કહી શકાય.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews