Monday, January 18

જુથળ ગામે જમીનનાં રેકોર્ડ સાથે ચેડા કરવાના કેસનો ચુકાદો તત્કાલીન તલાટીમંત્રી સહિત બે શખ્સોને સાદી કેદ અને દંડ

જુથળ ગામે ખેડ ખાતાની જમીનના રેકર્ડ સાથે ચેડાં કરી, નામના ખોટા ઉમેરો કરી બોગસ એન્ટ્રી કરવાના ૧૫ વર્ષે જુના કેસમાં માંગરોળ કોર્ટે તત્કાલીન તલાટીમંત્રી સહિત બે શખ્સોને ત્રણ વર્ષની સાદી કેદની સજા અને ત્રણ હજારનો દંડ ફટકાર્યો છે. જયારે એક મહીલાને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ માંગરોળ તાલુકાના જુથળ ગામે ઠાકરશી પ્રેમજી સવાણીની જુદા જુદા ચાર સર્વે નંબર વાળી જમીનો આવેલી હતી. ઠાકરશીભાઈના પૌત્ર કાંતિભાઈ કરશનભાઈ સવાણીએ માંગરોળ કોર્ટમાં ફરીયાદ કરી હતી કે દાદાએ પોતાની હયાતીમાં ૧૯૯૦માં પોતાની ખેડ ખાતાની જમીન ઘર સમજુતિથી તેમના બંને દિકરાઓ કરશનભાઈ અને મુળજીભાઈને આપી દેતા વહેંચણી મુજબ ખાતા અલગ કરવા અરજી રજૂ કરી નમુના નં.૬ હક્કપત્રકમાં નોંધ દાખલ કરાવી હતી. ત્યારબાદ નિયમોનુસાર કાર્યવાહી બાદ બંનેના નામો દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ઠાકરશીભાઈના બીજા પુત્ર મુળજીભાઈના પ્રથમ પત્ની સાથે છુટાછેડા થયા હતા. ત્યારબાદ તેઓએ ઘરઘરણું કરતા આંગળીયાત પુત્ર કિશોર મોહન ઉર્ફે કિશોર મુળજી સવાણી, પુત્રી શારદાબેન તથા તલાટીમંત્રી તરીકે ફરજ બજાવતા તેઓના ફુઆ ધનજીભાઈ કરશનભાઈ કોરળીયા(રહે.ભાલકા, વેરાવળ)એ મેળાપીપણું રચી જમીનના રેકર્ડ સાથે છેકછાંક કરી, નામના ખોટા ઉમેરા કરી, રોજકામ કરી બોગસ એન્ટ્રી કરી હતા જેની તપાસ માંગરોળ પોલીસને મોકલતા આ સબંધે ઈ.પી.કો. ૪૬૪, ૪૬૫, ૪૬૬, ૪૭૪, ૩૪ મુજબ ગુનો દાખલ થયો હતો. આ કેસમાં ફરીયાદી તથા તલાટીમંત્રી સહિતનાની જુબાની, ફરીયાદીના દાદાની કબુલાત, જુથળ ગામનો ગામ નમુનો, એન્ટ્રીની પ્રમાણિત નકલ સહિતના મૌખિક અને દસ્તાવેજી પુરાવા તેમજ સરકારી વકીલ એમ.એચ.સિંધીની દલીલો ધ્યાનમાં લઈ જ્યુડી. મેજી. હર્ષદકુમાર પંડ્યાએ બંને આરોપીઓને કસુરવાન ઠેરવી ત્રણ વર્ષની સાદી કેદ તથા ત્રણ હજારનો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો. જયારે મહીલાને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!