માંગરોળ નાણાંની ઉચાપત પ્રકરણમાં પોષ્ટ માસ્તરને ત્રણ વર્ષની સાદી કેદ અને દંડ

0

માંગરોળ તાલુકાના ફુલરામા ગામે પોસ્ટ ઓફીસમાં ૨૦૦૬ના વર્ષમાં ખાતેદારોએ આપેલા રૂપિયા પાસબુકમાં જમા લઈ પરંતુ સરકારી રેકર્ડમાં જમા ન કરાવી નાણાંની ઉચાપત કરવાના કેસમાં માંગરોળ કોર્ટે બ્રાન્ચ પોસ્ટ માસ્તરને ત્રણ વર્ષની સાદી કેદ અને ૩ હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસની વિગત એવી છે કે વર્ષ ૨૦૦૬માં એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમ્યાન ફુલરામા ગામની પોસ્ટ ઓફીસના રીકરીંગ તથા બચતખાતાના ખાતેદારો પોતાના ખાતામાં હપ્તે હપ્તે રૂપીયા જમા કરાવતા હતા. જે બ્રાન્ચ પોસ્ટ નાઝીર તરીકે ફરજ બજાવતા નાથાભાઈ નથુભાઈ પરમાર ખાતેદારોની પાસબુકમાં જમા લઈ સહી, સિક્કા કરી આપતા હતા. પરંતુ જૂનાગઢ પોસ્ટ ઓફીસના આસિ. સુપ્રિ. અનિલ શાંતિલાલ ધનેશાને ટેલિફોન ઉપર અનેક ફરીયાદો મળતા સાત દિવસ સુધી વાર્ષિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગેરરીતિઓ અને ઉચાપત થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ખાતેદારો પાસેથી લીધેલી રકમ ઓફીસ પ્રોસિજર પ્રમાણે પાસબુકમાં જમા લઈ નોંધ કરવામાં આવી હતી, પરંતુ પોસ્ટ ઓફીસના હિસાબમાં નાણાં જમા લીધા ન હતા. આમ બચતખાતાના રૂા.૭૫૦ અને રિકરીંગના રૂા.૨૮૦૬ મળી કુલ ૩૫૫૬/- સરકારના વહિવટી રેકર્ડમાં જમા કરાવ્યા ન હતા. આ નાણાં પોતાના અંગત ઉપયોગમાં વાપરી, બચતકારો સાથે વિશ્વાસઘાત કરી નાણાંકીય ઉચાપત કરી હોવાની શીલ પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી. આ કેસ માંગરોળ કોર્ટમાં ચાલી જતા સાહેદોની જુબાની, ખાતેદારોના લેખિત નિવેદન તથા પાસબુકની નકલો, ફુલરામા બ્રાંચ પોસ્ટ ઓફીસનું ડેઈલી એકાઉન્ટ, આર.ડી. જનરલ સહિતના મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈ જ્યુડી. મેજી. હર્ષદકુમાર એ. પંડ્યાએ નાથાભાઈ નથુભાઈ પરમાર(રહે.ફુલરામા)ને કસુરવાર ઠેરવી ત્રણ વર્ષની સાદી કેદ, ત્રણ હજારનો દંડ તેમજ દંડ ભરવામાં કસુર કરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!