ગુજરાત રાજ્યમાં શિક્ષકોના ઓનલાઈન આંદોલન બાદ ગુજરાત પોલીસમાં પણ કોન્સ્ટેબલોના ગ્રેડ પે વધારવા મુદ્દે સોશિયલ મીડિયામાં આંદોલન શરૂ કરાયું હતું. જેને પગલે રાજ્યના ડીજીપીએ સોશ્યલ મીડિયામાં પોલીસને ગેરમાર્ગે દોરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. તેમજ ગાંધીનગરમાં પોલીસને ગ્રેડ પે મુદ્દે ઉશ્કેરણી કરનારા ત્રણ લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. જાે કે ગુજરાત ડીજીપીએ તાકિદ કરી છે કે, પોલીસની નોકરી અન્ય સરકારી નોકરી કરતા અલગ છે, માટે પગારની ચિંતા કરનારા પોલીસની નોકરી પસંદ ના કરે. વિગતવાર વાત કરીએ તો શિક્ષકોના પગારમાં ગ્રેડ પે ડાઉન કરવાના વિરોધમાં ઓનલાઈન આંદોલન બાદ સરકાર ઝુકી અને તેમના પગારમાં ઘટાડો મૌકૂફ રાખ્યો છે. આ ડિજિટલ આંદોલનને સફળતા બાદ રાજ્યમાં પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલના પગારનો ઓછો ગ્રેડ હોવાથી તેમના પગાર ગ્રેડમાં વધારો કરવાની માંગ સાથે સોશ્યલ મીડિયામાં પોલીસનું આંદોલન શરૂ થયું હતું. આ મામલે ગંભીરતાથી લઈને ગુજરાત ડીજીપી શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, સોશ્યલ મીડિયામાં પોલીસનો ગ્રેડ પે વધારવા અંગેના મેસેજ ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર છે. પોલીસ કર્મચારીઓની ઉશ્કેરણી કરનારાને છોડવામાં આવશે નહીં. વધુમાં તેમણે કહ્યું કે, કોરોના મહામારી સામે દેશ લડી રહ્યો છે. ત્યારે પોલીસ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવી રહી છે. ત્યારે આવા કપરા સમયમાં ગ્રેડ પે વધારાના મુદ્દાને લઈને પોલીસ કર્મચારીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કેટલા તત્ત્વો કરી રહ્યા છે. આવા તત્ત્વો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને હિંસક આંદોલન શરૂ કરવાના ઈરાદાથી પોલીસ કર્મચારીઓને ગેરમાર્ગે દોરવાનું ગેરકાયદે કામ કરી રહ્યા છે જેને કોઈ પણ સંજાેગોમાં ચલાવી લેવાશે નહીં. આવી ગેરકાયદે તમામ પ્રવૃત્તિઓ ઉપર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. આવી પ્રવૃત્તિ સામે ધી પોલીસ એક્ટ ૧૯રર મુજબ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તથા એપીડેમિક ડીસીઝ એક્ટ હેઠળ ગુનો બને છે. આવી પ્રવૃત્તિમાં સામેલ તમામ વિરૂદ્ધ કાયદાકીય રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે. જાે કોઈ પોલીસ કર્મચારી આવી પ્રવૃત્તિમાં ભાગ લેશે અથવા પરોક્ષ રીતે સમર્થન આપશે અથવા સોશિયલ મીડિયા ઉપર ભડકાઉ મેસેજ ફેલાવશે તો તેવા કર્મચારી સામે ખાતાકીય અને કાયદાકીય પગલાં લેવામાં આવશે. આવી કોઈ બાબત ધ્યાને આવે તો સંબંધિત કર્મચારી સામે શિસ્ત વિષયક કાર્યવાહી કરવા ડીજીપીએ સૂચના આપી છે. જાે કે, એલઆરડી પોલીસ ભરતીના ઉમેદવારોને ઉશ્કેરવા અંગે ત્રણ આરોપી સામે ગુનો ગાંધીનગરના સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ગુનામાં આરોપી કમલેશ સોલંકી, ભોજાભાઈ ભરવાડ અને હસમુખ સકસેનાની સંડોવણી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews