હાથ ધોવા કે હાથ સેનિટાઇઝ કરવા?

કોરોના વાયરસ ફેલાવવાથી અને તેનો ડર લોકોના મનમાં પેસી જવાથી હાથ સેનિટાઇઝ કરવાની એક ફેશન થઈ ગઈ છે. સરકારે જાહેરાત પણ એવી રીતે કરી છે કે લોકો હાથ ક્યારે ધોવા અને ક્યારે સેનિટાઇઝ કરવા તેનો ભેદ સમજી શકતા નથી. આવું જ માસ્કનું પણ છે. ક્યારે માસ્ક પહેરવું, કેવી રીતે પહેરવું, કયું માસ્ક પહેરવું, માસ્ક પહેર્યા પછી કઈ કાળજી રાખવી ? આ અંગે કોઈ યોગ્ય માહિતી કોઇની પાસે નથી એટલે “બજાર” કોરોનાનો ડર બતાવીને માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરનો બહોળો ધંધો કરી રહ્યું છે. સત્ય હકીકત એ છે કે US Department of Health and Human Services અંતર્ગત કાર્યરત Centers for Disease Control and Prevention, World Health Organization (WHO) તથા ભારત સરકારનું આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય, આ તમામ એક અવાજે એવું કહે છે કે, જ્યાં હાથ ધોવાની સગવડ નથી ત્યાં જ હેન્ડ સેનિટાઇઝ કરવા જોઈએ. જ્યાં સુધી હાથ ધોવાની સગવડ હોય ત્યાં સુધી હાથને સેનિટાઇઝ કરવાની અનિવાર્યતા નથી.
હેન્ડ સેનિટાઇઝર માટે પણ ચોક્કસ નિયમો છે. હેન્ડ સેનિટાઇઝર કેવું હોવું જોઈએ તે અંગે સામાન્ય પ્રજાને ખબર જ નથી અને એટલે નકલી અને જેનાથી કોઈ ફાયદો ન થાય તેવા હેન્ડ સેનિટાઇઝર વાપરી રહ્યા છે અને તેની આડઅસરો લાંબાગાળે દેખાશે. એની પાછળનું કારણ એ છે કે આપણા દેશમાં “લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે” એ કહેવતને બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી કંપનીઓ સાચી પાડી રહ્યા છે. સામાન્ય પ્રજાના અજ્ઞાનને આવી લેભાગુ કંપનીઓ “એનકેશ” કરીને રૂપિયા કમાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય તથા આપણા દેશના ધારા-ધોરણો અનુસાર હેન્ડ સેનિટાઇઝર કેવું હોવું જોઈએ તે નક્કી થયેલું છે. હેન્ડ સેનિટાઇઝરમાં ૮૦% ઈથનોલ અથવા ૭૫% આઇસોપ્રોપાઈલ આલ્કોહોલ અથવા ૮૦% એન-પ્રોપાનોલ હોવું અનિવાર્ય છે. એકંદરે એવું નક્કી થયું છે કે ઉપર દર્શાવેલમાંથી કોઈપણ એક અથવા તો બે કે ત્રણેના કોમ્બિનેશનમાં ઓછામાં ઓછું ૬૦% તો હોવું જ જોઈએ. ૮૦%થી ૯૦% હોય તો તે સૌથી ઉત્તમ હેન્ડ સેનિટાઇઝર કહેવાય. સરેરાશ પકડીએ તો ઉપરના ત્રણમાંથી કોઈપણ એક અથવા તો બે કે ત્રણેના કોમ્બિનેશનમાં ઓછામાં ઓછું ૭૫% આલ્કોહોલ હોવું અનિવાર્ય છે. આપણા દેશમાં ખુલ્લા બજારમાં મળતા કેટલાં હેન્ડ સેનિટાઇઝરમાં આ પ્રમાણ જળવાયું છે? સરકારે કે કોર્પોરેશને બજારમાં ઠેર-ઠેર મળતા હેન્ડ સેનિટાઇઝર પ્રજાના જાહેર આરોગ્યના ધારા-ધોરણો અનુસાર છે કે નહીં તે અંગે ક્યારેય વ્યાપક તપાસ કરી છે ખરી? જો સાચેસાચી તપાસ કરવામાં આવે તો બજારમાં મળતા ૯૦% હેન્ડ સેનિટાઇઝર ‘રિજેક્ટ’ થઈ જાય એવી પરિસ્થિતિ છે. જો ઓછામાં ઓછું ૬૦% અને સારી ગુણવત્તાવાળું ગણતરીમાં લઈએ તો ઓછામાં ઓછું ૭૫% આલ્કોહોલ હોય તેવું હેન્ડ સેનિટાઇઝર જ વાપરી શકાય. ૬૦%થી ઓછું આલ્કોહોલ હોય અથવા મિથેનોલ હોય તેવા હેન્ડ સેનિટાઇઝર ફાયદો કરવાને બદલે નુકશાન કરી શકે છે. તદુપરાંત બીજો પ્રશ્ન એ છે કે હેન્ડ સેનિટાઇઝરને હથેળીમાં લઈને તેને બંને હથેળીઓને આંગળીઓ સહિત અને આંગળીઓની ટોચ સહિત ઘસવાનું હોય છે. આવી રીતે ઘસ્યા પછી ઓછામાં ઓછી ૩૦ સેકન્ડ રહેવા દેવાનું હોય છે કે જેથી એ સુકાઈ જાય. આ સાચી રીત છે. શું આ અંગે સામાન્ય પ્રજાને જાગૃત કરી છે ખરી? જો સાચી રીતે હેન્ડ સેનિટાઇઝર વાપરવામાં ન આવે તો તેનો કોઈ અર્થ રહેતો નથી. શું આ અંગે વ્યાપક જાહેરાત કરીને પ્રજાને જાગૃત કરવાની ફરજ સરકારના જાહેર આરોગ્ય વિભાગની નથી?
હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. જ્યાં સુધી હાથ ધોવાની સગવડ હોય ત્યાં સુધી હાથને સેનિટાઇઝ કરવાની અનિવાર્યતા નથી એવું દુનિયાના મોટાભાગના નિષ્ણાતો કહી રહ્યા છે. તેવા સંજોગોમાં હાથ કેવી રીતે ધોવા, શેનાથી ધોવા, હાથ ધોયા પછી નળ કેવી રીતે બંધ કરવો જેવી બાબતો અંગે સામાન્ય પ્રજાને જાગૃત કરવી અનિવાર્ય છે.
હાથ કેવી રીતે ધોવા તે અંગે પ્રદીપભાઈ ખીમાણી જણાવે છે કે, બંને હાથની હથેળીઓને કાંડા સુધી પાણીના નળ નીચે રાખીને ભીના કરવી. ત્યારબાદ બંને હથેળીઓમાં સાબુ લગાડવો. સાબુ લગાડ્યા પછી બંને હથેળીઓમાં સાબુને કાંડા સુધી ઘસીને ફીણ કરવું. આંગળીઓને પણ બરાબર ઘસીને ફીણ કરવું. ત્યારબાદ પાણીનો નળ ચાલુ કરીને તેની નીચે હથેળીઓ મૂકીને બંને હથેળીઓ મસળીને કાંડા સુધી લાગેલા સાબુને અને તેના ફીણને ધોઈ નાખવું. આવી રીતે હાથ ધોયા પછી ધોયેલા હાથથી નળ બંધ ન કરવો. ધોયેલા હાથથી નળ બંધ કરવાથી નળ ઉપર લાગેલા બેક્ટેરિયા ફરી પાછા હથેળીઓમાં લાગી જાય. એટલે નળને હાથની કોણીથી બંધ કરવો અથવા તો નળ પાસે રાખેલા સ્વચ્છ કપડાંથી નળ બંધ કરવો. ત્યારબાદ સ્વચ્છ કપડાંથી કે નેપકિનથી હાથને વ્યવસ્થિત રીતે લૂછી નાખવા. બસ આવી રીતે હાથ ધોવાથી કોઈપણ પ્રકારના હેન્ડ સેનિટાઇઝરની જરૂર નહીં પડે. હવે ક્યારે ક્યારે હાથ ધોવા તે અંગે પ્રદીપભાઈ ખીમાણીએ જણાવ્યું કે, જમતા પહેલાં કે રસોઈ બનાવવાનું શરૂ કરતાં પહેલાં, શાકભાજી કે ફ્રૂટ કે દૂધ લઈને ઘરે આવીને તરત, કોઈપણ પ્રકારની ખરીદી કરીને આવ્યા પછી તરત, ચહેરા ઉપર હાથ ફેરવો એ પછી તરત, પેશાબ કે સંડાસ ગયા પછી, છીંક ખાવ તે સમયે જો હાથ આડો રાખ્યો હોય તો તે પછી તરત, જાહેર સ્થળમાંથી આવ્યા પછી તરત, રિક્ષા કે પબ્લિક ટ્રાન્સપોર્ટ કે ખાનગી વેહિકલમાં ઘરે પહોંચ્યા પછી તરત, માસ્ક કાઢ્યા પછી તરત, કોઈ બીમાર વ્યક્તિને મળીને આવ્યા પછી તરત, કોઈ પ્રાણી કે પક્ષીને અડક્યા પછી તરત, ડાયપર બદલાવ્યા પછી તરત, નાના બાળકને હાથમાં લેતા પહેલાં ભૂલથી કોઇની સાથે હાથ મિલાવ્યો હોય તો તે પછી તરત હાથ ધોવાની આટલી કાળજી લેવામાં આવશે તે આરોગ્ય માટે ખૂબ જ સારૂં રહેશે. એટલે જ દુનિયાભરના નિષ્ણાતો કહી રહ્યા છે કે જ્યાં સુધી હાથ ધોવાની સગવડ હોય ત્યાં સુધી હાથને સેનિટાઇઝ કરવાની અનિવાર્યતા નથી. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ચીલાચાલુ હેન્ડ સેનિટાઇઝર ન વાપરવું જોઈએ. ચીલાચાલુ હેન્ડ સેનિટાઇઝર વાપરવાથી ફાયદો ઓછો અને નુકશાન વધારે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!