ગીર-સોમનાથ જીલ્લા મહિલા હેલ્પ લાઇન ૧૮૧ની જીપમાં દારૂની હેરાફેરી કર્યાના ગુનામાં સહઆરોપી તરીકે નામ આવેલ એવા અભિયમ હેલ્પલાઇનના મહિલાકર્મીએ વેરાવળની સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરેલ જેને સરકારી વકીલની દલીલોના આધારે ના મંજૂર કરવામાં આવી છે. આ અંગે સરકારી વકીલ કેતનસિંહ વાળાએ માહિતી આપતા જણાવેલ કે, પાંચેક માસ પહેલા તા. પ-ર-ર૦ર૦ના વેરાવળના ગીતાનગર-૧માંથી પોલીસે રૂા.૩૮ હજારની કિંમતનો વિદેશી દારૂના મુદામાલ સાથે બુટલેગર અજય ઉર્ફે ગોપાલ બાંભણીયા (રહે. ઉનાવાળા)ને ઝડપી લીધેલ હતો. જયારે મીલન મકવાણા નામનો શખ્સ નાસી છુટેલ હતો. જેને પોલીસે ઝડપી લઇ આ દારૂનો જથ્થો કયાંથી આવેલ તેની તપાસ કરવા આવાસ યોજનામાં રહેતા અને મહિલા અભયમ ૧૮૧માં ફરજ બજાવતા મીનાક્ષીબેન તથા તેનો પતિ શાંતિલાલ ઉર્ફે ગોપાલ વાઢેરની સાથે ઉના ગયેલ જયાંથી રાહુલ નામના શખ્સે આ દારૂનો જથ્થો થેલામાં ભરી ૧૮૧ ગાડીમાં રાખી વેરાવળ પહોંચાડેલ હતો. મીનાક્ષીબેનના કહેવા મુજબ ઉપરોકત જણાવેલ સ્થળેથી કબ્જે કરેલ હતો. જેથી આ દારૂના ગુનામાં પોલીસે મહિલા હેલ્પ લાઇન ૧૮૧માં ફરજ બજાવતા મીનાક્ષીબેનનું આરોપી તરીકે નામ આવતા ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કરેલ હતા. દરમ્યાન મીનાક્ષીબેને આગોતરા જામીન મેળવવા વેરાવળ સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી. વેરાવળ સેસન્સ કોર્ટમાં જજ એમ.એમ. બાબી સમક્ષ આ અરજીની સુનાવણી વીડીયો કોન્ફરન્સ મારફત થયેલ હતી. જેમાં સરકારી વકીલ કેતનસિંહ વાળાએ દલીલો કરતા જણાવેલ કે, આરોપીઓ પૈકી મીનાક્ષીબેન વેરાવળ ખાતે ૧૮૧ અભયમમાં નોકરી કરતા હોય અને સહઆરોપીઓની સાથે મળી ૧૮૧ની ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરેલ હોય જેથી આરોપીને જામીન આપવામાં આવે તો પુરાવાનો નાશ કરે અને પ્રોહીબીશનના ગુન્હાઓનું પ્રમાણ સમાજમાં વધે તેમજ ગુજરાતમાં દારૂબંધીનો સખ્ત અમલ કરાવવા સરકારે કાયદામાં પણ કડક સુધારાઓ કરેલ હોય જેથી આવા કેસોમાં યંત્રવત જામીન આપવામાં આવે તો દારૂબંધીનો અમલ થઇ શકે નહીં તેવી દલીલો તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાને લઇ જજ એમ.એમ. બાબીએ આગોતરા જામીન અરજી ના મંજૂર કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews