રાજ્યમાં ૩૫૦૦૦ જેટલી જગ્યાઓ ખાલી : સરકાર રોજગારી નહીં આપે તો જન આંદોલનઃ શિક્ષિત બેરોજગારોની ચીમકી

0

શિક્ષિત બેરોજગારોની વિવિધ માંગણીઓ અને બેકારી ભથ્થાને લઈને શિક્ષિત બેરોજગાર સમિતિનાં યુવાનોએ રાજ્યપાલને સંબોધતુ આવેદનપત્ર નર્મદા જિલ્લા કલેકટરને આપ્યું હતું. રાજ્યનાં શિક્ષિત બેરોજગારોએ રોજગારી માટે હવે સરકાર સામે બાંયો ચઢાવી છે અને જન આંદોલનની ચીમકી આપી છે. શિક્ષિત બેરોજગાર સમિતિનાં યુવાનો સાથે ડેડીયાપાડાનાં ધારાસભ્ય મહેશ વસાવા, નર્મદા જિલ્લા બીટીપી અધ્યક્ષ ચૈતર વસાવા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન બહાદુર વસાવા સહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. શિક્ષિત બેરોજગાર યુવાનોએ રોજગારી માટે સરકાર સામે રીતસરનું આંદોલન રૂપી યુધ્ધનું એલાન કરી દીધુ હતું. શિક્ષિત બેરોજગાર યુવાનોએ પોતાની રજૂઆતમાં જણાવ્યું કે, “દરેક રાજકીય પક્ષો ચૂંટણી ઢંઢેરામાં શિક્ષિત બેરોજગારોને રોજગારીનું વચન આપે છે પણ ચૂંટણી જીત્યા બાદ ભૂલી જાય છે. ગુજરાતનાં ઉમરગામથી અંબાજી સુધીમાં વિસ્તારમાં રહેતા આદિવાસીઓ આકાશી ખેતી ઉપર નભે છે. અમે ભણી ગણી નોકરી કરીશું એવી અમારા માતા-પિતાની આશા ઠગારી નીવડી છે. સરકારે અનામત બાબતે જાતિવાદ ફેલાવી સરકારી નોકરીમાં રોષ્ટર ક્રમ સાથે છેડછાડ કર્યો છે જેથી બેરોજગારી વધી રહી છે.” બેરોજગારીને લીધે હતાશ થઈ શિક્ષિત યુવાનો આત્મહત્યા કરે છે જે ગંભીર બાબત કહેવાય. ગુજરાતમાં સરકારી ભરતી થતી હોવા છતાં ૩૫૦૦૦ જેટલી જગ્યાઓ ખાલી છે. બેરોજગારીની સંખ્યા લાખોમાં પહોંચી છે. સરકાર શિક્ષિત બેરોજગારનો આંકડો જાહેર કરી બેરોજગારી ભથ્થું આપે એવી અમારી માંગ છે. જો સરકાર શિક્ષિત બેરોજગારોને રોજગારી નહીં આપે તો અમે તમામ યુવાનો ગુજરાત સરકાર સામે આંદોલન કરીશું એવી સરકારને ચીમકી પણ આપી હતી. ડેડીયાપાડાનાં ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, સરકાર બેરોજગારી દૂર કરવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. દર વર્ષે સરકારી ભરતીઓ થાય છે તેમ છતાં પણ બેરોજગારીનો આંકડો વધી રહ્યો છે. જો આવુંને આવું રહ્યું તો દેશનું ભવિષ્ય અંધારા તરફ જશે એમા શંકાને કોઈ સ્થાન નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!