૧૬૦૦ કિ.મી.ના રાજયનો દરિયાઈ વિસ્તાર સુરક્ષિત થાય તેમજ દરિયાઈ આંતરરાષ્ટ્રીય સીમાને લઈ પાકિસ્તાન સિકયુરીટી દ્વારા ફિશીંગ બોટના કરાતા અપહરણને અટકાવવાના હેતુસર તથા માછીમારી કરવાની લાલચમાં દરિયાઈ સીમા નજીક પહોંચી જતા અન્ય રાજયોના માછીમારોને અટકાવવા ગુજરાત સરકાર દ્વારા કાયદામાં સુધારો કરવા વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. આ વટહુકમમાં માછીમારી કરતી બોટની તપાસ-જપ્તી કરવાની તથા મરીન પોલીસ સ્ટેશનના અધિકારીઓને વિશેષ સત્તા સોંપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ અંગે વધુ વિગતો આપતા ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે, પાકિસ્તાન સિકયુરિટી દ્વારા ભારતીય ફિશીંગ બોટના અપહરણ અટકાવવા બોટ માલિકો સામે કડક પગલા લેવાશે. ગુજરાત ૧૬૦૦ કિ.મી.નો દરિયાકાંઠો ધરાવે છે. જેમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીકના વિસ્તારમાં ગુજરાતના તેમજ અન્ય રાજયોના માછીમારો લાલપરી નામનું વિશિષ્ઠ પ્રકારનું સારૂં મત્સ્ય પકડવાની લાલચમાં પ્રવેશી જતા હોય છે. જેના કારણે પાકિસ્તાન સિકયુરિટી દ્વારા ભારતીય ફિશીંગ બોટોના અપહરણના બનાવો બનતા રહે છે. આ ઘટનાઓ અટકાવવાના હેતુસર બોટ માલિક સામે કડક પગલાં લેવા આવશ્યક હોઈ, સરકાર દ્વારા આ વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષાના સંદર્ભમાં રાજયની મરીન પોલીસને ગુજરાતના પ્રાદેશિક જળ વિસ્તારમાં માછીમારી કરતી કોઈપણ પ્રકારની ફિશીંગ વેશેલ્સ/બોટ/ક્રાફટ/ડીપસી બોટ અથવા અન્ય કોઈ યાંત્રિક રચના કે મછવોની તપાસ અને જપ્તીની સત્તાઓ આપવા માટે જરૂરી પ્રાવધાન કરવામાં આવ્યું છે. આ માટે રાજયના મરીન પોલીસ સ્ટેશનમાં નિમણૂક કરાયેલ પોલીસ સબ ઈન્સ્પેકટર કે તેનાથી ઉપરના દરજજાના અધિકારીઓને અમલ બજવણી અધિકારી જાહેર કરી તેમને વિશેષ સત્તાઓ સોંપવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, હાલ અસ્તિત્વ ધરાવતા ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા ર૦૦૩માં અન્ય રાજયની બોટ સામે દંડની જોગવાઈ નથી. કેટલીક વાર રાજય બહારની બોટો રાજયની દરિયાઈ સીમામાં માછીમારી અથવા અન્ય સંલગ્ન પ્રવૃતિઓ માટે આવે છે અને રાજયના માછીમારોના હિતોનું ઉલ્લંઘન કરે છે. રાજય બહારની ફિશીંગ બોટો દ્વારા રાજયના દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરતી બોટો સામે દંડની જોગવાઈ કરવી જરૂરી હોઈ, આ વટહુકમમાં દંડની પણ જોગવાઈ કરાઈ છે. જે અનુસાર રાજય બહારની ફિશીંગ બોટો દ્વારા રાજયના દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરે તો રૂા.૧ લાખના દંડની જોગવાઈ તથા આ બોટમાં મળેલ મત્સ્ય પકડાશની હરાજી કરતા જે રકમ મળે તેની પાંચ ગણી રકમ વસૂલવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews