ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ છેલ્લા થોડા દિવસોમાં નોંધપાત્ર રીતે વધી રહયુ છે. આવા સમયે જ શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે જગવિખ્યાત સોમનાથ મંદિરે શ્રાવણ માસને લઇ બહારગામથી ભીડ ઉમટી પડે તેવી સંભાવના હોય અને તેના થકી કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય ખુબ વધી જવાની શકયતા રહેશે. આ પરિસ્થિતિને ઘ્યાને લઇ સોમનાથ મંદિરમાં પ્રત્યક્ષ દર્શન ઉપર પ્રતિબંધ મુકવા અંગે સોમનાથ ટ્રસ્ટ અને ગીર સોમનાથ જીલ્લા કલેકટરને ઇન્ડીયન મેડીકલ એસોસીએશન વેરાવળે લેખીત રજુઆત કરી છે. ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા પંદરેક દિવસમાં નોંધપાત્ર રીતે કોરોના કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહયો છે. જયારે સોમનાથ સાંનિઘ્યે વસેલ વેરાવળ- સોમનાથ શહેરમાં તો છેલ્લા આઠ દિવસની અંદર જ ૩૫ જેટલા કોરોનાના પોઝીટીવ કેસો આવતા બજારો અને લોકોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. આ ચિંતાને વાચા આપવા લોકહિતાર્થે વેરાવળ આઇ.એમ.એ.ના ડો. હિરેન થાનકી સહિતના તબીબોએ સોમનાથમાં દર્શન ઉપર પ્રતિબંધ શું કામ મુકવો જરૂરી તે અંગેના કારણોની લેખીત રજુઆત કરી છે. જેમાં જણાવેલ કે, કોરોના મહામારી દેશ અને ગુજરાતમાં કહેર વર્તાવી રહી છે. આવા સમયે ભીડભાડ તથા સોશ્યલ ડીસ્ટન્સીંગ ન જળવાય તો કોરોના અતિ વેગથી પ્રસરે છે. વેરાવળ-સોમનાથ શહેર મહાદેવના સાંનિઘ્યે વસેલુ છે. શ્રાવણમાં દર વર્ષે લાખો લોકો બહારગામથી સોમનાથ દર્શનાર્થે આવે છે. જે મુજબ ચાલુ વર્ષે શ્રાવણમાં સોમનાથ મંાદિરે મોટી સંખ્યામાં બહારગામથી લોકો આવશે તો ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ ફેલાવવાનો મોટો ભય વધી જવાની શકયતા છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે જ સોમનાથ મંદિર બહાર ભીડ કાબુ કરવામાં પોલીસ તંત્રને ખુબ જહેમત ઉઠાવવી પડી હતી. આ સમયે કયાંય સ્વયંરીતે નિયમોનું પાલન કરવા અને કરાવવા બાબત જોવા મળતી ન હતી. તમામ તબીબો દ્વારા લોકોના હિતાર્થે વર્તમાન કોરોનાના સંક્રમણની પરિસ્થિતિને ઘ્યાને લઇ સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ દર્શન ઉપર પ્રતિબંધ મુકવા અપીલ કરી છે તો જ આગામી દિવસોમાં સંભવતઃ ફેલાનારા સંક્રમણથી બચી શકીશુ. મંદિરમાં અંદર સામાજીક અંતર જાળવવું ઘણું મુશ્કેલ છે. મંદિરના મુખ્ય પરીસરમાં હવાની અવર જવર ઘણી ઓછી હોવાથી સંક્રમણ ફેલાવતો વાયરસ વાતાવરણમાં રહી જવાની ખુબ શકયતા છે.
વધુમાં મંદિરમાં પાસ કે ઓનલાઇન પાસ થકી દર્શનની છુટથી બહારગામના લોકોની અવર જવર વધશે તો પણ ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ વધવાનો પુરેપુરો ભય રહેશે. આ તમામ કારણોને ઘ્યાને લઇ સોમનાથ મહાદેવના પ્રત્યદક્ષ દર્શન ઉપર પ્રતિબંધ મુકી ઓનલાઇન દર્શન કરાવવા જોઇએ. હાલની સ્થિતિમાં કદાય સોમનાથ મહાદેવ જ લોકોની સુખાકારી સારી રહે એવું ઇચ્છે છે ત્યારે આ રજુઆત બાબતે ગંભીર વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવા વિનંતી છે.
માંગ અસ્વીકાર : સોમનાથ ટ્રસ્ટ
જો કે, વેરાવળ આઇ.એમ.એ.ની રજુઆત સંદર્ભે ગણતરીની કલાકોમાં જ સોમનાથ ટ્રસ્ટે પત્ર મારફત જવાબ આપેલ હતો. જેમાં ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, સોમનાથ મંદિરે આવતા ભાવિકો સોશ્યલ ડીસ્ટન્સીંગ અને માસ્ક ફરજીયાત પહેરે તે માટે જરૂરી રાજય સરકારની ગાઇડલાઇન્સનું પાલન કરાવવામાં આવતુ હોવાથી આઇ.એમ.એ.ની માંગ ગ્રાહ્ય નથી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews