ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન અને અનલોક-૧ અને ૨ દરમ્યાન દરેક શાળાઓને ઓનલાઈન શિક્ષણ આપવાની છૂટ આપવામાં આવી હતી. પરંતુ આ છૂટનો ફાયદો ઉપાડી સ્કૂલ સંચાલકોએ ફીની ઉઘરાણી શરૂ કરી દીધી હતી જેથી વાલીઓએ હાઈકોર્ટનું શરણું લેવું પડ્યું હતું. હાઈકોર્ટે પણ વાલીઓની તરફેણમાં ‘સ્કૂલ નહીં તો ફી નહીં’નો ચુકાદો આપી દેતાં શિક્ષણ માફિયાઓના પેટમાં તેલ રેડાયું હોય તેવી રીતે તેણે બીજા જ દિવસથી શિક્ષણ આપવાનું બંધ કરી દીધું હતું. સ્કૂલ સંચાલકોની આ મેલી રમત સામે પ્રદેશ કોંગ્રેસ મંત્રી મનોજ રાઠોડે કટાક્ષ કરતાં જણાવ્યું છે કે સરકારે જેમને ‘દૂધ પાઈને ઉછેર્યા તે જ શિક્ષણ માફિયાઓએ તેને ડંખ મારી દીધો છે ! સાથે સાથે મનોજ રાઠોડે સણસણતા સવાલો પણ ઉઠાવ્યા છે.
મનોજ રાઠોડે સવાલો ઉઠાવતાં કહ્યું છે કે હાઈકોર્ટના ચુકાદાના બીજા જ દિવસથી ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો સ્કૂલ સંચાલકોનો નિર્ણય કેટલા અંશે વ્યાજબી છે ? શા માટે સરકાર તેની સામે મૌન બનીને બેસી ગઈ છે ? બે મહિના સુધી રગશીયા ગાડાની જેમ શિક્ષણ આપી સ્કૂલ સંચાલકોએ ફી ઉઘરાવી લીધી અને હવે જેવો તેના વિરૂધ્ધમાં ચુકાદો આવ્યો કે તેણે તુરંત શિક્ષણ આપવાનું બંધ કરી દીધું તો શું આ ધંધો સરકારના ધ્યાન ઉપર નથી ? સ્કૂલ સંચાલકોએ હાથ ઉંચા કરી દેતાં હવે સરકાર ઓનલાઈન શિક્ષણ આપશે તેવી જાહેરાત કરાય છે ત્યારે ગુજરાત સરકારે જ શિક્ષણ આપવું હતું તો શા માટે સ્કૂલ સંચાલકોને છૂટ આપી ? શું સરકાર દ્વારા સ્કૂલ સંચાલકો દ્વારા અપાયેલા ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓને શું ફાયદો થયો તેની દરકાર લેવાઈ ખરી ? આ સહિતના સવાલોના જવાબ વાલીઓ અને જનતાને મળવા જરૂરી છે. તેમણે જણાવ્યું કે દેશના અનેક રાજ્યોમાં અત્યારે ડિઝિટલ સ્કૂલ સંચાલિત થઈ રહી છે અને વિદ્યાર્થિઓને મફત શિક્ષણ મળી રહ્યું છે ત્યારે વિકાસશીલ રાજ્ય તરીકે ઓળખાતાં ગુજરાતમાં આવી વ્યવસ્થા શા માટે ઉભી કરવામાં આવતી નથી ? શું રાજ્ય સરકાર બાળકોને મફત શિક્ષણ મળે તેમાં રસ ધરાવતી નથી ? તેમણે જણાવ્યું કે કોંગ્રેસના શાસન વખતે વિદ્યાર્થીઓને મફત શિક્ષણ અપાતું હતું પરંતુ જેવી ભાજપની સરકાર શાસનમાં આવી કે શિક્ષણ અત્યંત મોંઘું થઈ ગયું હતું અને ફીના નામે બેફામ ઉઘરાણા શરૂ કરી દેવાયા હતા. કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થી-વાલીઓના હિતમાં એક સત્રની ફી માફ થાય તે માટે ગુજરાત સરકારને રજૂઆત કરાઈ હતી પરંતુ ગુજરાત સરકાર અને શાળાના સંચાલકોની મીલી ભગતને લીધે આ રજૂઆત બહેરા કાને સંભળાઈ નહોતી. હદ તો ત્યાં થઈ ગઈ કે સ્કૂલ સંચાલકો દ્વારા શિક્ષણ જ નહીં બલ્કે વીજ બીલ, વહીવટી ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન ફી, રમત-ગમત ફી, એપ્લીકેશન ફી, કોમ્પ્યુટર ફી સહિત વિવિધ પ્રવૃત્તિનો ખર્ચ અને બીજા ખર્ચાઓ ગણતરીમાં લઈને વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવામાં આવી છે પરંતુ કોરોનાને કારણે લોકડાઉન હોવાથી વીજબીલ, વહીવટી ખર્ચ સહિતના અનેક ખર્ચ થયા જ નથી આમ છતાં વિદ્યાર્થીઓ પાસેથી શા માટે ફી વસૂલવામાં આવી છે ? આશ્ચર્યની વાત તો એ છે કે સરકારે ખુદ તેના જ પરિપત્રમાં સ્વીકાર કર્યો હતો કે ખાનગી શાળાના સંચાલકો વિદ્યાર્થી-વાલીઓને દબાણ કરીને ફી વસૂલ કરી રહી છે આમ છતાં તેની સામે પગલાં લેવાની જગ્યાએ તેને છાવરવામાં આવતી રહી. શા માટે સરકારે બે મહિના સુધી પરિપત્ર જ બહાર ન પાડ્યો ? સરકારની આ રમત આગામી સમયમાં તેને ભારે પડી જ જવાની છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
બીજી બાજુ સરકાર દ્વારા મોડે મોડેથી જાગીને એવી જાહેરાત કરાઈ છે કે ભલે શિક્ષણ સંચાલકો ઓનલાઈન શિક્ષણ ન આપે પરંતુ ગુજરા સરકાર દ્વારા બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. અહીં પણ સવાલ એ ઉપસ્થિત થાય છે કે સરકારને બાળકોના ભવિષ્યની આટલી જ ચિંતા હતી તો તેણે સ્કૂલ સંચાલકોને ફી ઉઘરાવવાની છૂટ જ શા માટે આપી ? ગુજરાત સરકાર અને શાળા સંચાલકોનો આ ખેલ જનતા સમક્ષ ઉઘાડો પડી ગયો હોવાનું અંતમાં મનોજ રાઠોડે જણાવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews